Sat Sep 05 2026

Logo

સાયન રેલવે સ્ટેશન પર હાઇ વૉલ્ટેજ ડ્રામા:નોકરી પરથી કાઢી મુકાતાં હતાશ થયેલા ડૉક્ટરનો  ઇલેક્ટ્રિસિટી ટાવર પર ચઢી આત્મહત્યાનો પ્રયાસ

2026-08-27 19:53:28
Author: Yogesh D. Patel
સાયન રેલવે સ્ટેશન પર હાઇ વૉલ્ટેજ ડ્રામા:નોકરી પરથી કાઢી મુકાતાં હતાશ થયેલા ડૉક્ટરનો  ઇલેક્ટ્રિસિટી ટાવર પર ચઢી આત્મહત્યાનો પ્રયાસ

પોલીસ અને અગ્નિશમન દળે સમયસર પહોંચીને તેને બચાવી લીધો

મુંબઈ: મુંબઈના સાયન રેલવે સ્ટેશન પર ગુરુવારે સવારે હાઇ વૉલ્ટેજ ડ્રામા સામે આવ્યો હતો, જેમાં નોકરીમાંથી કાઢી મુકાવાને કારણે હતાશ થયેલા 28 વર્ષના ડૉક્ટરે હાઇ-ટેન્શન ઇલેક્ટ્રિસિટી ટાવર પર ચઢીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ તેમ જ અગ્નિશમન દળના જવાનોએ ત્યાં સમયસર પહોંચીને ડૉક્ટરને બચાવી લીધો હતો. 

ગુરુવારે સવારના 7.45 વાગ્યાથી 8.00 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. ડોક્ટરને ટાવર પર ચઢતો જોઇને ત્યાં એકઠા થયેલા પ્રવાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

પ્રાથમિક તપાસ અનુસાર સાતારા જિલ્લાના ફલટણના ડૉક્ટર રાજેન્દ્ર નવુરકરે (28) નિર્ધારિત સમયમર્યાદામાં તેના માલિક સમક્ષ ફરજિયાત મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં નિષ્ફળ જવા બદલ નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

પોતાની સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરીને ડૉક્ટર લગભગ 100 ફૂટ ઊંચા ટાવરની ટોચ પર ચડી ગયો હતો અને તેને નોકરી પર ફરી રાખવામાં આવે અને તેને નોકરી પરથી કાઢી મૂકવા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે, એવી તેણે માગણી કરી હતી.

દરમિયાન ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેને પગલે પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ડૉક્ટર સાથે વાત કરીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને નીચે આવવા વિનંતી કરી હતી. જોકે ડૉક્ટરે ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઇ હતી.

ડૉક્ટરે ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યા બાદ પોલીસ અને અગ્નિશમન દળના જવાનોએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના બચાવ કામગીરી હાથ ધરી હતી. તેઓ ખૂબ કાળજી સાથે ટાવર પર ચડી ગયા હતા અને ડૉક્ટરને નીચે ઉતાર્યો હતો. 

દરમિયાન ડૉક્ટરને શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં તેને તાત્કાલિક સીપીઆર આપવાનું શરૂ કરાયું. આ સમયસરના પ્રયાસોથી ડૉક્ટરનો જીવ બચી ગયો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસ તેની સ્થિતિ અને આ ઘટના પાછળના ચોક્કસ સંજોગોની વધુ તપાસ કરી રહી છે.