Sat Jul 25 2026

Logo

રાવલના પૂરે ઉનાનું રામેશ્વર ધોઈ નાખ્યું, તંત્રની આંખે હજુ પણ પાટા!

2026-07-25 19:08:29
Author: Pooja Shah
Article Image

ઉનાઃ ઉના તાલુકાના રામેશ્વર ગામે ગત તા. ૫ જુલાઈની રાત્રે રાવલ નદીમાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી હતી. નદીના પ્રચંડ પ્રવાહે ૧૦થી વધુ ખેડૂતોની કિંમતી ખેતીની જમીનોનું ધોવાણ કર્યું હતું. વર્ષોની મહેનતથી તૈયાર કરેલી કેસર આંબાની કલમો પાણીમાં તણાઈ ગઈ અને ૧૦૦થી વધુ ઘરોમાં પૂરનું પાણી ઘૂસી જતાં અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ પૂરને ૧૫થી વધુ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા નુકસાનીનો સંપૂર્ણ સરકારી સર્વે કરવામાં આવ્યો નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ પૂર બાદ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જવાબદાર અધિકારી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યો નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરોમાંથી ફળદ્રુપ માટી વહી જતાં અનેક જમીનો ખેતીલાયક રહી નથી. ખેડૂત અરજણભાઈ બાંભણિયાની અંદાજે ત્રણ વીઘા જમીનનું ભારે ધોવાણ થયું છે, જ્યારે તેમની કેસર આંબાની ૧૦થી ૧૨ મોટી કલમો પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ છે. અન્ય ખેડૂતોને પણ ખેતી અને બાગાયતી પાકમાં મોટું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.

પૂરના પાણીથી ગામના ૧૦૦થી વધુ ઘરો અસરગ્રસ્ત બન્યા હતા. ઘરવખરીને નુકસાન પહોંચ્યું, લોકોના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી, છતાં ઘર અને મકાનના નુકસાનનો પણ યોગ્ય સર્વે હજુ સુધી કરવામાં આવ્યો નથી. ગ્રામજનોનો સવાલ છે કે આટલી મોટી કુદરતી આફત બાદ પણ જો તંત્ર સમયસર નુકસાનીની નોંધ નહીં લે તો અસરગ્રસ્તોને સહાય કેવી રીતે મળશે?

પૂર દરમિયાન સ્થળાંતરિત થયેલા લોકોને મળવાપાત્ર કેશડોલ સહાયને લઈને પણ વિવાદ ઊભો થયો છે. સરપંચના જણાવ્યા મુજબ ૧૦થી ૧૨ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સહાય માટે માત્ર પાંચ લોકોના જ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોની માંગ છે કે તમામ પાત્ર અસરગ્રસ્તોને નિયમ મુજબ સહાય આપવામાં આવે.

આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે રામેશ્વર ગામની મુલાકાત લઈને અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનોની વેદના સાંભળી હતી. તેમણે તંત્ર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે પૂરને આટલા દિવસો વીતી ગયા છતાં કોઈ અધિકારીએ સ્થળ પર પહોંચી વાસ્તવિક સર્વે કર્યો નથી. તેમણે તાત્કાલિક નુકસાનીનો સર્વે, યોગ્ય સહાયની ચૂકવણી તેમજ દર વર્ષે થતા જમીન ધોવાણને અટકાવવા રાવલ નદીના કાંઠે કાયમી સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી હતી.

રામેશ્વરના ગ્રામજનોનું કહેવું છે કે દર ચોમાસે રાવલ નદી કાંઠે ધોવાણની સમસ્યા સર્જાય છે, છતાં વર્ષોથી કોઈ કાયમી આયોજન કરવામાં આવ્યું નથી. હવે ખેડૂતો અને ગ્રામજનોની એક જ માંગ છે કે કાગળ પર નહીં, પરંતુ સ્થળ પર આવી વાસ્તવિક સર્વે કરવામાં આવે, તમામ અસરગ્રસ્તોને યોગ્ય સહાય આપવામાં આવે અને રાવલ નદીના કાંઠે સંરક્ષણ દિવાલ બનાવી દર વર્ષે થતું નુકસાન કાયમ માટે અટકાવવામાં આવે. આ અંગે તંત્ર સાથે વાત થઈ શકી ન હતી.