Tue Aug 25 2026

Logo

જંતર-મંતર પ્રદર્શન: સુપ્રીમ કોર્ટે પોલીસ એક્શનની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવી, જસ્ટિસ રેડ્ડી કરશે પ્રમુખપદ

2026-08-20 18:45:16
Author: Mumbai Samachar Team
જંતર-મંતર પ્રદર્શન: સુપ્રીમ કોર્ટે પોલીસ એક્શનની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવી, જસ્ટિસ રેડ્ડી કરશે પ્રમુખપદ

પોલીસના અતિશય બળપ્રયોગ, પેલેટ ગન અને મહિલાઓ સામેની હિંસાના આરોપોની નિષ્પક્ષ તપાસ હાથ ધરાશે

નવી દિલ્હીઃ દિલ્હીના જંતર-મંતર પર યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા અતિશય બળપ્રયોગના આરોપોની નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 20 જુલાઈના જંતરમંતર પર થયેલા વિરોધ પ્રદર્શન તથા પોલીસ એક્શન સાથે નિષ્પક્ષ તપાસ કરવા પાંચ સભ્યોની એક કમિટી  તૈયાર કરી છે. આ કમિટીના પ્રમુખ તરીકે કોર્ટના જ પૂર્વ જજ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની પસંદગી કરી છે. આ કમિટી પ્રદર્શન કરનારાની સામે પોલીસ, પેરામિલિટરી ફોર્સ અને બીજા સુરક્ષા કર્મચારી દ્વારા જરૂરિયાત કરતા વધારે બળ પ્રયોગ કર્યાના આરોપની તપાસ કરશે. 

કોણ છે કમિટીના સભ્યો?

કમિટીના અન્ય સભ્યોમાં પંજાબ તથા હરિયાણાના હાઈ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રશિ શંકર ઝા, દિલ્હી હાઈ કોર્ટનાં પૂર્વ જજ જસ્ટિસ શાલિંદર કૌર, CBIના પૂર્વ ડાયરેક્ટર ઋષિ કુમાર શુકલા તથા મેઘાલયના નિવૃત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડૉ. એસ.આર. બિશ્નોઈ સામેલ છે. આ કેસમાં હવે પછીની સુનાવણી 10 ડિસેમ્બરના થવાની છે. 

અતિશય બળપ્રયોગના આરોપોની તપાસ, ચેતવણી વિના પેલેટ ગન, ઇલેક્ટ્રિક લાઠી, લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગની તપાસ કરશે.  વિરોધીઓ પર દેખરેખ અને ગોપનીયતાના અધિકારના કથિત ઉલ્લંઘનની તપાસ કરશે, મહિલા વિરોધીઓ પર હિંસા, ઉત્પીડન અને છેડતીની તપાસ કરશે. 

આ મુદ્દાઓ ઉપર પણ વિચાર થશે

ઘાયલોને તાત્કાલિક તબીબી સારવાર અને વચગાળાની નાણાકીય સહાય પૂરી પાડવાનો વિચાર, વિરોધીઓ અને અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર થયેલા હુમલાઓની તપાસ,  જાહેર અને ખાનગી મિલકત તેમજ વાહનોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન, ફરજ પર ઘાયલ થયેલા સુરક્ષા કર્મચારીઓ અને તેમના પરિવારોની ફરિયાદોની નોંધ, સમિતિ સૌપ્રથમ મહિલાઓ સામેની હિંસા, ગંભીર ઇજાઓ અને પોલીસ કાર્યવાહી અંગે જવાબદારી અંગેનો અહેવાલ રજૂ કરશે. 

સીસીટીવી ફૂટેજ, ડ્રોન ફૂટેજ, શરીર પર પહેરેલા કેમેરા રેકોર્ડિંગ્સ અને વાયરલેસ લોગ સમિતિને સોંપવામાં આવશે. સમિતિ પીડિતો અને સાક્ષીઓ દ્વારા તેમની ઓળખ ગુપ્ત રાખીને ફરિયાદો દાખલ કરવાની સુવિધા આપશે.મંગળવારે જ સુપ્રીમ કોર્ટે આ કેસમાં એક મજબૂત કમિટી તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. 

આ નિર્ણય કમિટી નહીં સુપ્રીમ કોર્ટ કરશે

આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો એ અધિકાર છે અને આ માટે કોઈ લાઠીચાર્જ થાય એ યોગ્ય નથી. CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે, જે પણ આ માટે જવાબદાર છે એનું કોઈ પણ પ્રકારનું બહાનું ચાલશે નહીં. 

આ કેસને ગંભીરતાથી લેવામાં આવશે. તાર્કિક ઉકેલ સુધી પહોંચવું પડશે. ફેસ રેકગ્નાઈઝેશન, ટેક્નોલોજી સર્વેલન્સ તથા પ્રાઇવસી સાથે જોડાયેલા બંધારણીય સવાલ પર નિર્ણય સુપ્રીમ કોર્ટ ખુદ કરશે. કમિટી નહીં.