Mon Aug 31 2026

Logo

ઝારખંડમાં JPSC વિવાદ: વિદ્યાર્થીઓનું આંદોલન એળે ગયું, પરીક્ષાઓ અને નિમણૂકો રદ કરવાના નિર્ણય પર હાઇ કોર્ટે મૂક્યો સ્ટે

2026-08-20 19:25:00
Author: Mumbai Samachar Team
ઝારખંડમાં JPSC વિવાદ: વિદ્યાર્થીઓનું આંદોલન એળે ગયું, પરીક્ષાઓ અને નિમણૂકો રદ કરવાના નિર્ણય પર હાઇ કોર્ટે મૂક્યો સ્ટે

રાંચી: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓને લઈને શરૂ થયેલો વિવાદ હવે એક નવા તબક્કામાં પહોંચ્યો છે. JPSCની 11મીથી 13મી પરીક્ષાઓ અને તેના આધારે થયેલી નિમણૂકો રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર ઝારખંડ હાઈકોર્ટે રોક લગાવતા, ગેરરીતિઓ ધરાવતી પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયેલા નવનિયુક્ત ઉમેદવારોને તાત્કાલિક રાહત મળી છે.

પરંતુ આ આદેશ સાથે જ બીજો મહત્વનો સવાલ ઊભો થયો છે—જો પરીક્ષા પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓને લઈને હજારો વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો, ભૂખ હડતાળ કરી હતી, અને સરકાર પાસે પારદર્શક તથા નિષ્પક્ષ ભરતીની માંગ કરી હતી, તો તેમનું આંદોલન એળે ગયું તેવો પ્રશ્ન પણ નિર્માણ થયો છે. 

આ મામલો હવે માત્ર લગભગ બે હજાર જેટલી નિમણૂકોનો નથી. તે સરકારી ભરતીની વિશ્વસનીયતા, મેરિટ, વિદ્યાર્થીઓના લોકશાહી હક અને ભવિષ્યમાં થનારી હજારો ભરતી પરીક્ષાઓ પર લોકોના વિશ્વાસ સાથે જોડાયેલો બની ગયો છે.

હજારો વિદ્યાર્થીઓનો લાંબો સંઘર્ષ

JPSC અને JSSCની પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓના આક્ષેપો સામે ઝારખંડમાં લાંબા સમય સુધી વિદ્યાર્થીઓનું આંદોલન ચાલ્યું હતું. રાંચીમાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા અને પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા તથા ગેરરીતિમુક્ત ભરતીની માંગ કરી હતી.

પરીક્ષાની પ્રક્રિયા જ શંકાસ્પદ બને તો મહેનતનું શું

વિરોધ માત્ર સામાન્ય દેખાવો પૂરતો સીમિત રહ્યો નહોતો. કેટલાક વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળનો પણ સહારો લીધો હતો. વિદ્યાર્થીઓનો મુદ્દો હતો કે સરકારી નોકરી મેળવવા માટે વર્ષો સુધી તૈયારી કરતા ઉમેદવારો માટે જો પરીક્ષાની પ્રક્રિયા જ શંકાસ્પદ બની જાય, તો તેમની મહેનત અને મેરિટનું શું?
લોકશાહી વ્યવસ્થામાં સરકાર સામે શાંતિપૂર્ણ વિરોધ અને પોતાની માંગ રજૂ કરવી નાગરિકોનો મહત્વનો અધિકાર છે. આ દૃષ્ટિએ જોવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓનું રસ્તા પર ઉતરવું માત્ર નોકરી માટેનો વિરોધ નહોતો, પરંતુ ભરતી પ્રક્રિયામાં વિશ્વાસ અને સમાન તકની માંગ પણ હતી.

સરકારને નિર્ણય બદલવાની ફરજ પડી

વિદ્યાર્થીઓના લાંબા વિરોધ અને કથિત અનિયમિતતાઓ અંગે ઊઠેલા સવાલો વચ્ચે હેમંત સોરેન સરકાર દ્વારા કેટલીક મોટી પરીક્ષાઓ અને નિમણૂકો રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે પરીક્ષાઓમાં થયેલા કદાચારની તપાસ, હાઈકોર્ટને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના માટે વિનંતી, JPSC અને JSSCમાં ઈન્ટર્નલ મોનીટરીંગ સેલ ની રચના તથા પરીક્ષા સુધારા માટે સમિતિ બનાવવાના પગલાંની પણ જાહેરાત કરી હતી. આ દૃષ્ટિએ વિદ્યાર્થીઓના આંદોલનનું એક પરિણામ એ રહ્યું કે પરીક્ષા વ્યવસ્થાની ખામીઓ અને કથિત ગેરરીતિઓ અંગે સરકારને ગંભીર પગલાં લેવાની સ્થિતિ ઊભી થઈ.

પણ હવે નવનિયુક્ત ઉમેદવારોને રાહત

બીજી તરફ, આ જ પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરી મેળવનારા ઉમેદવારો માટે સરકારનો નિર્ણય એક મોટો આંચકો હતો. તેમણે પરીક્ષા પાસ કરી હતી, પસંદગી પ્રક્રિયામાંથી પસાર થયા હતા અને કેટલાક ઉમેદવારો સરકારી સેવામાં જોડાઈ પણ ગયા હતા. સરકાર દ્વારા નિમણૂકો રદ કરવાના નિર્ણય સામે કેટલાક નવનિયુક્ત ઉમેદવારો હાઈકોર્ટ પહોંચ્યા. તેમની દલીલનો મૂળ આધાર એ છે કે પરીક્ષામાં કથિત ગેરરીતિ થઈ હોય તો દરેક પસંદ થયેલા ઉમેદવારને વ્યક્તિગત રીતે દોષિત ગણી શકાય નહીં.

આ મુદ્દો પણ એટલો જ મહત્વનો છે. કારણ કે માત્ર પરીક્ષાની પ્રક્રિયા સામે આક્ષેપો થયા હોવાના આધારે દરેક નવનિયુક્ત ઉમેદવાર ગેરરીતિમાં સામેલ હતો એવું માનવું યોગ્ય નથી. જો કોઈ ઉમેદવાર સામે વ્યક્તિગત રીતે ગેરરીતિના પુરાવા નથી, તો તેની નોકરી અને કારકિર્દીનું રક્ષણ કરવાનો કાનૂની સવાલ પણ ઊભો થાય છે.

2,950 નિમણૂકો સામે હજારો વિદ્યાર્થીઓનો સવાલ

આ સમગ્ર વિવાદનું એક મોટું વિસંગત પાસું એ છે કે એક તરફ ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા 2,950  ઉમેદવારોની નોકરી અને ભવિષ્યનો પ્રશ્ન છે, જ્યારે બીજી તરફ હજારો વિદ્યાર્થીઓએ આ પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે જાહેરમાં વિરોધ કર્યો હતો.આથી હવે સવાલ માત્ર એટલો નથી કે નવનિયુક્ત ઉમેદવારોને નોકરીમાં રાખવા કે નહીં. સવાલ એ છે કે જો તપાસમાં સાબિત થાય કે પરીક્ષાની ગેરરીતિને કારણે મેરિટ પર અસર થઈ હતી, તો તે ઉમેદવારોનું શું થશે જેઓ ખરેખર વધુ લાયક હતા પરંતુ અનિયમિત પ્રક્રિયાને કારણે પસંદ થઈ શક્યા નહીં? આ ઉમેદવારોને માત્ર એટલા માટે અવગણવા યોગ્ય રહેશે નહીં કે એક વખત પરિણામ જાહેર થઈ ગયું છે. બીજી તરફ, પુરાવા વિના નવનિયુક્ત તમામ ઉમેદવારોને દોષિત ઠેરવવા પણ ન્યાયસંગત નહીં બને.

કોર્ટનો આદેશ અંતિમ નિર્ણય છે?

હાઈ કોર્ટ દ્વારા સરકારના નોટિફિકેશનના અમલ પર લગાવવામાં આવેલી રોકને અંતિમ ચુકાદો માનવો યોગ્ય નથી. આ તબક્કે કોર્ટનો આદેશ નવનિયુક્ત ઉમેદવારોને કાનૂની રાહત આપે છે, પરંતુ પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી કે નહીં અને તેની અસર પસંદગી પ્રક્રિયા પર કેટલી પડી હતી તે મુદ્દો હજુ તપાસ અને આગળની ન્યાયિક પ્રક્રિયાનો વિષય છે. અહીં એક મહત્વપૂર્ણ સવાલ પણ ઊભો થાય છે. 

વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી આંદોલન કરીને જે પારદર્શક અને ગેરરીતિમુક્ત ભરતી વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા, તે માંગ અને હાલ નવનિયુક્ત ઉમેદવારોને મળેલી કાનૂની રાહત—બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવામાં આવશે?

શું મેરિટને નુકસાન થયું છે?

જો તપાસમાં કથિત ગેરરીતિઓ સાબિત થાય અને તેનાથી પરિણામ અથવા મેરિટ લિસ્ટ પ્રભાવિત થયું હોવાનું સામે આવે, તો આ મામલો ગંભીર બની શકે છે. કારણ કે સરકારી ભરતીમાં એક બેઠક માત્ર એક વ્યક્તિની નોકરી નથી. એક ઉમેદવારની પસંદગીનો અર્થ એ પણ છે કે અન્ય ઉમેદવાર માટે એ તક ઉપલબ્ધ રહી નથી. 
આથી જો ગેરરીતિને કારણે કોઈ અયોગ્ય ઉમેદવાર પસંદ થયો હોય અથવા કોઈ લાયક ઉમેદવાર બહાર રહી ગયો હોય, તો પ્રશ્ન માત્ર વર્તમાન નિમણૂકનો નહીં પરંતુ તે લાયક ઉમેદવારના ભવિષ્ય સાથે થયેલા અન્યાયનો પણ છે.

હવે આગળ શું?

હવે સમગ્ર મામલામાં સૌથી મહત્વનું રહેશે કે કથિત અનિયમિતતાઓની તપાસ કેટલી ઝડપથી, નિષ્પક્ષ રીતે અને પારદર્શક રીતે થાય છે. જો ગેરરીતિ સાબિત થાય તો તેની અસર કોના પર પડી અને મેરિટ લિસ્ટમાં કેટલો ફેરફાર થયો તે પણ સ્પષ્ટ થવું જરૂરી છે. આથી હવે સરકાર, ભરતી આયોગ અને ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર છે. 
2,950 ઉમેદવારોના હિતનું રક્ષણ કરતાં હજારો વિદ્યાર્થીઓના લોકશાહી અવાજ, મેરિટ અને પારદર્શક ભરતીની માંગને કેવી રીતે ન્યાય આપવો? કારણ કે અંતે સરકારની ભરતીમાં સૌથી મહત્વનું માત્ર એ નથી કે કોણ પસંદ થયું;  એ પણ એટલું જ મહત્વનું છે કે કોણ લાયક હોવા છતાં પસંદ ન થઈ શક્યું અને કેમ?