Tue Aug 25 2026

Logo

વિજાપુરમાં ઘરમાં જ લેપટોપ-પ્રિન્ટરથી છાપી લાખોની નકલી નોટો, પણ એક ભૂલથી આખી ગેંગ પકડાઈ ગઈ!

2026-08-20 21:11:59
Author: Devayat Khatana
વિજાપુરમાં ઘરમાં જ લેપટોપ-પ્રિન્ટરથી છાપી લાખોની નકલી નોટો, પણ એક ભૂલથી આખી ગેંગ પકડાઈ ગઈ!

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં રૂ.500ની નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી તેને બજારમાં ચલાવવાના કથિત રેકેટનો પર્દાફાશ થયો હતો. વિજાપુરમાં આવેલી એચડીએફસી બેન્કના કેશ ડિપોઝિટ મશીનમાં 500 રૂપિયાના દરની 26 જેટલી નકલી નોટો જમા કરાવવાનો પ્રયાસ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટના સંદર્ભે બેન્કના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે વિસનગરના આદિલ શકીલભાઈ અકબરભાઈ કુંભાર, જૈનિમકુમાર ઉર્ફે જય મનિષનાથ ચંદુનાથ ગોસ્વામી, અવિ રાકેશકુમાર વિક્રમભાઈ ભાખરીયા પટેલ અને રાધેકુમાર અરવિંદભાઈ કાશીરામ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી લીધી હતી. 

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, 14 ઓગસ્ટ, 2026ના રોજ બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં જમા કરાયેલી રૂ.500ની નોટોમાંથી 26 નોટ નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે બેંક મેનેજરની ફરિયાદના આધારે પોલીસે બીએનએસની કલમ 178, 179, 180 અને 54 હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિસનગરનો આદિલ શકીલભાઈ કુંભાર છે. આદિલે પોતાના આર્થિક ફાયદા માટે લેપટોપ અને કલર પ્રિન્ટરનો ઉપયોગ કરીને 500 રૂપિયાના દરની લાખો રૂપિયાની નકલી નોટો છાપી હતી. ત્યારબાદ તેણે 7 હજાર રૂપિયા લઈને 60 જેટલી નકલી નોટો  વિસનગરના જૈનિમકુમાર ઉર્ફે જય ગોસ્વામીને આપી હતી. બીજી તરફ, ભારે દેવામાં ડૂબેલા અવિ ભાખરીયાએ પોતાના મિત્ર ફેનીલને ઉછીના લીધેલા નાણાં પરત ચૂકવવા માટે જય અને રાધેકુમાર પટેલ સાથે મળીને એક કાવતરું ઘડ્યું હતું. આ શખ્સોએ 50 હજાર રૂપિયાની અસલ નોટોના બંડલમાં 26 જેટલી નકલી નોટો મિક્સ કરીને તે બંડલ ફેનીલને પધરાવી દીધું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

તે ઉપરાંત આ નકલી નોટોવાળું બંડલ લઈને ફેનીલે પોતાના સંબંધી ધ્રુવને આપ્યું હતું. જ્યારે ધ્રુવ ગત 14 મી ઓગસ્ટના રોજ વિજાપુરની એચડીએફસી બેન્કના કેશ ડિપોઝિટ મશીનમાં પોતાની પત્નીના ખાતામાં આ નાણાં જમા કરાવવા ગયો, ત્યારે મશીને 50 હજારમાંથી માત્ર 37 હજાર રૂપિયા જ સ્વીકાર્યા હતા. બાકીની 13 હજાર રૂપિયાની નોટો નકલી હોવાનું સામે આવતાં બેન્ક મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.