Mon Aug 24 2026

Logo

ગાંધીધામનું નવું નજરાણું! ટ્રેનના જૂના ડબ્બામાંથી બની રહી છે શાનદાર 'રેલ કોચ રેસ્ટોરા'

2026-08-24 18:59:51
Author: Devayat Khatana
ગાંધીધામનું નવું નજરાણું! ટ્રેનના જૂના ડબ્બામાંથી બની રહી છે શાનદાર 'રેલ કોચ રેસ્ટોરા'

ગાંધીધામ: રેલવે સ્ટેશન પર જઈએ ત્યારે અનેક નકામા કોચ પડેલા નજરે ચડે જ, પણ હવે ભારતીય રેલવે દ્વારા જૂના અને નકામા થઈ ગયેલા રેલવે કોચનો અદભૂત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટા ભાગે રેલવે સ્ટેશનોની આસપાસ વર્ષો સુધી કાટ ખાતા જોવા મળતા જૂના ડબ્બાઓને હવે નવું રૂપ આપવામાં આવી રહ્યું છે. 

રેલવેની આ જ નવીન પહેલ હેઠળ કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન પર એક અત્યાધુનિક 'રેલ કોચ રેસ્ટોરા' તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ અનોખી રેસ્ટોરન્ટના નિર્માણનું કાર્ય હવે અંતિમ ચરણમાં છે અને ટૂંક સમયમાં જ તેને મુસાફરો તેમજ સ્થાનિક નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આગામી દિવસોમાં આ સ્થળ ગાંધીધામ શહેરના મુખ્ય આકર્ષણ અને લોકપ્રિય 'ફૂડ સ્પોટ' તરીકે ઊભરી આવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા માટે તાજેતરમાં પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) વેદ પ્રકાશે વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ સાથે ગાંધીધામ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમણે નિર્માણાધીન રેસ્ટોરન્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરિક સજાવટ, સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તાના માપદંડોની તપાસ કરી હતી. નિર્માણ કાર્યની ઝડપ અને પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરતા ડીઆરએમએ સંબંધિત અધિકારીઓને આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.

આ રેલ કોચ રેસ્ટોરાંમાં જૂના ડબ્બાને હેરિટેજ અને આધુનિક લુક આપીને એક પ્રીમિયમ ડાઇનિંગ સ્પેસમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. રેસ્ટોરામાં અંદર આરામદાયક બેઠક વ્યવસ્થા, આકર્ષક લાઈટિંગ અને રેલવેના ભવ્ય ઇતિહાસને દર્શાવતી કલાત્મક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. 

અહીં આવનારા ગ્રાહકોને ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય, ગુજરાતી અને ફાસ્ટ ફૂડ સહિતની અનેક સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે, ટ્રેનની રાહ જોતા મુસાફરો ઉપરાંત શહેરના સામાન્ય નાગરિકો પણ કોઈપણ મુસાફરી ટિકિટ વિના પોતાના પરિવાર અને મિત્રો સાથે અહીં આવીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે.

ઉલ્લેખનીય છે કે કચ્છ વિસ્તારનું એક પ્રમુખ ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર હોવાથી ગાંધીધામ સ્ટેશન પર દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે. આ રેસ્ટોરન્ટ મુસાફરોના પ્રતીક્ષા સમયને આનંદદાયક બનાવવાની સાથે સાથે રેલવે માટે ટિકિટ સિવાયની આવક ઊભી કરવાનું એક મજબૂત માધ્યમ પણ બનશે.