ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટન ઇન્ટિગ્રેશન
અમદાવાદઃ રાજ્યના પોલીસ કાફલામાં આજે નવા 500 અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાશે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસને ૫૦૦ નવા અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનો સમર્પિત કરવામાં આવશે. રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં વધુ ૫૦૦ નવા જનરક્ષક વાહનો કાર્યરત કરવામાં આવશે. આ નવા વાહનો સાથે હવે સમગ્ર રાજ્યમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ જનરક્ષક વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે ઉપલબ્ધ થશે.
જનરક્ષકના અમલમાં માત્ર ૧૧ માસના ટૂંકા ગાળામાં આ સેવામાં રૂ. ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સીમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૬.૭૪ લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક સેવા અપાઈ છે. આધુનિક ૧૫૦ બેઠકો ધરાવતા કોલ સેન્ટર, સીએડી-કમ્પ્યુટર, એડેડ ડિસ્પેચ સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૨૭ મિનિટથી ઘટીને ૧૦:૪૯ મિનિટ થઈ ચૂક્યો છે. નવા વાહનો અને ટેક્નોલોજીથી આ સમયમાં હજુ વધુ ઝડપી બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ડાયલ ૧૧૨ અંતર્ગત પોલીસ (૧૦૦), એમ્બ્યુલન્સ (૧૦૮), ફાયર (૧૦૧), મહિલા હેલ્પલાઇન (૧૮૧), ચાઇલ્ડ હેલ્પલાઇન (૧૦૯૮) તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન (૧૦૭૦) ઉપરાંત ટ્રાફિક હેલ્પલાઇન જેવી વિવિધ ઇમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.