Wed Sep 16 2026

Logo

શ્રદ્ધાળુઓ માટે ખુશખબર: ગોંડલ એસટી ડેપો દ્વારા ખોડલધામ-અંબાજી નવા બસ રૂટનો પ્રારંભ

2026-08-20 22:18:48
Author: Devayat Khatana
શ્રદ્ધાળુઓ માટે ખુશખબર: ગોંડલ એસટી ડેપો દ્વારા ખોડલધામ-અંબાજી નવા બસ રૂટનો પ્રારંભ

ગોંડલ: રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને ધાર્મિક સ્થળોને વેગ મળે તેમજ શ્રદ્ધાળુઓ અને મુસાફરોને આરામદાયક તથા સુવિધાયુક્ત પરિવહન સેવા મળી રહે તે હેતુથી નવા એસટી બસ રૂટો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગોંડલ એસટી ડેપો દ્વારા ખોડલધામ–અંબાજી નવો એસટી બસ રૂટ શરૂ કરવામાં આવ્યો છે.

આ નવી બસ સેવા ખોડલધામથી સાંજે ૬:૦૦ કલાકે ઉપડી વાયા ગોંડલ, રાજકોટ, ચોટીલા, અમદાવાદ બાયપાસ અને ગાંધીનગર થઈને અંબાજી પહોંચશે. ત્યારબાદ અંબાજીથી પણ સાંજે ૬:૦૦ કલાકે બસ ઉપડી આ જ રૂટ મારફતે પરત ફરશે. નવા રૂટના પ્રારંભ પ્રસંગે રાજકોટ વિભાગીય નિયામક એમ.પી. રાજ, વિભાગીય યાંત્રિક ઇજનેર એમ.સી. સોની તથા ગોંડલ ડેપો મેનેજર એસ.એ. મોમીન દ્વારા લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

આ નવી બસ સેવા શરૂ થવાથી ખોડલધામ તથા અંબાજી જેવા મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓને સીધી અને સુવિધાયુક્ત પરિવહન સેવા ઉપલબ્ધ થશે. ખાસ કરીને ધાર્મિક પ્રવાસીઓ તથા સ્થાનિક મુસાફરો માટે આ નવો રૂટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.આ પ્રસંગે એસટી વિભાગના ત્રણેય યુનિયનોના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.