Sat Sep 05 2026

Logo

હવે કાંજુરમાર્ગ સ્ટેશને લોકલ ટ્રેનની છત પર ચઢ્યો યુવક: પોલીસે જીવ બચાવી હોસ્પિટલ ખસેડ્યો, લોકલ સેવા પ્રભાવિત

2026-08-20 22:45:00
Author: Mumbai Samachar Team
હવે કાંજુરમાર્ગ સ્ટેશને લોકલ ટ્રેનની છત પર ચઢ્યો યુવક: પોલીસે જીવ બચાવી હોસ્પિટલ ખસેડ્યો, લોકલ સેવા પ્રભાવિત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મધ્ય રેલવેમાં ઘાટકોપરમાં લોકલ ટ્રેનની છત પર યુવક ચઢીને ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના મંગળવારે બની હતી, ત્યારે આજે ફરી કાંજુરમાર્ગ સ્ટેશન પર બીજી એક ઘટના બની હતી. કાંજુરમાર્ગ સ્ટેશને CSMT-ડોંબિવલી લોકલ ટ્રેનની છત પર એક યુવકે ચઢવાનો પ્રયાસ કર્યો હતો. 

જોકે, તેને ચઢતો જોઈને રેલવેના અધિકારીઓએ સાવચેતીના પગલા તરીકે ઓવરહેડ વાયર (OHE) પાવર સપ્લાય બંધ કરી દીધો, પરિણામે કાંજુરમાર્ગ સ્ટેશન પર ટ્રેન રોકી દેવામાં આવી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીઓએ યુવાનને સુરક્ષિત રીતે છત પરથી નીચે ઉતાર્યો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો.

રેલવે સ્ટાફે યુવકને કોચની છત પર ચઢતો જોયો જ્યારે સીએસએમટી-ડોંબિવલી લોકલને કાંજુરમાર્ગ સ્ટેશન પર રોકી દેવામાં આવી. લાઈવ ઓવરહેડ વાયરને કારણે થતી કોઈ પણ દુર્ઘટના ટાળવા માટે સાંજે 7:58 વાગ્યે ઓએચઈ પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો. આરપીએફ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો.

ટ્રેનની છત પરથી નીચે ઉતાર્યા બાદ યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. દરમિયાન, રેલવે સ્ટાફ દ્વારા જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, રાત્રે 8:05 વાગ્યે OHE પાવર સપ્લાય પૂર્વવત કરવામાં આવ્યો. ત્યાર બાદ લોકલ ટ્રેન ડોમ્બિવલી માટે રવાના થઈ, પરંતુ આ બનાવને કારણે લોકલ ટ્રેનસેવા પર અસર થઈ હતી.

આ ઘટનાને કારણે લોકલ ટ્રેન લગભગ સાત મિનિટ મોડી પડી. ઘાટકોપર બાદ કાંજુરમાર્ગમાં  આ ઘટના બનતા લોકોમાં અફડતફડીનો માહોલ સર્જાયો હતો.  યુવકની ઓળખ કરવાના પ્રયાસો શરૂ છે, અને રેલવે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે તે ટ્રેનની છત પર કેવી રીતે ચઢી શક્યો હતો.