Wed Sep 02 2026

Logo

ભાવનગર લઠ્ઠાકંડઃ તમામ ૧૩ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, તા.૩૧ સુધીના રિમાન્ડ મંજૂર

2026-08-20 21:49:20
Author: Pooja Shah
ભાવનગર લઠ્ઠાકંડઃ તમામ ૧૩ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, તા.૩૧ સુધીના રિમાન્ડ મંજૂર

ભાવનગરઃ રાજ્યભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા નકલી દારૂકાંડના પ્રકરણમાં પોલીસે હાથ ધરેલી સઘન કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા તમામ ૧૩ આરોપીઓને આજે ભાવનગરની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડની માંગણી કરતા, કોર્ટે તમામ ૧૩ આરોપીઓના આગામી તા.૩૧ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો છે. 

 ભાવનગરમાં પોલીસ દ્વારા નકલી દારૂના કારોબાર પર દરોડો પાડીને મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધારો સહિત કુલ ૧૩ ઇસમોની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ગૌતમ વીરમભાઇ સોલંકી, જતીન સુરેશભાઇ કાંબડ, સારસ દશરથભાઇ સોલંકી, પારસ ઉર્ફે પપ્પુ લાલજીભાઇ ચુડાસમા, મનદીપસીંહ પૃથ્વીરાજસીંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બટુકસિંહ ગોહિલ, જયદીપ જીવરાજ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ રોહીતભાઇ ચૌહાણ, વિવેક અરજણ અલગોતર, ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો રમેશભાઇ સોલંકી, સુખદેવ બાધાભાઇ સલાટ તેમજ હાર્દિક ઉર્ફે ટીંચો ગોવીંદભાઇ બારૈયાનો સમાવેશ થાય છે. 


​પોલીસે તમામ આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવનગર કોર્ટમાં રજૂ કર્યા હતા અને સરકારી વકીલ મારફતે રિમાન્ડ અરજી રજૂ કરી હતી. પોલીસ પક્ષે દલીલ કરી હતી કે, આ નકલી દારૂ બનાવવામાં કયા પ્રકારના ઝેરી કેમિકલ કે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો, આ રેકેટ કેટલા સમયથી કાર્યરત હતું, તથા માલનો પુરવઠો ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેને ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો તે અંગેની તમામ કડીઓ જોડવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, આ નેટવર્ક પાછળ અન્ય મોટા માથાં કે આંતરરાજ્ય ગેંગની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની બાકી હોવાથી આરોપીઓના કસ્ટડી રિમાન્ડ જરૂરી છે.

નામદાર કોર્ટે પોલીસની ધારદાર દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ ૧૩ આરોપીઓને તા.૩૧ સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે, જેમાં નકલી દારૂના આ મોટા કૌભાંડ અંગે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.