Fri Sep 11 2026

Logo

જેતપુર પંથકમાં જુગારિયાઓ પર પોલીસની તવાઈ: 3 સ્થળોએ દરોડા પાડી 20 જુગારી ઝડપ્યા

2026-08-20 22:21:19
Author: Devayat Khatana
જેતપુર પંથકમાં જુગારિયાઓ પર પોલીસની તવાઈ: 3 સ્થળોએ દરોડા પાડી 20 જુગારી ઝડપ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

જેતપુરઃ
શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ આઈજી અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર "ઝીરો ટોલરન્સ" નીતિ હેઠળ જેતપુર તાલુકા અને ઉદ્યોગનગર પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડીને કુલ ૨૦ જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે આ ત્રણેય સફળ કામગીરી દરમિયાન કુલ રૂપિયા ૪૮,૬૮૦ની રોકડ રકમ અને ગંજીપતાના પાના સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દરોડો જેતપુર.તાલુકાના અમરાપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમી રહેલા સાત ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી ભારતીય ચલણની જુદા જુદા દરની કુલ રૂપિયા ૧૨,૧૩૦ની રોકડ રકમ અને ૫૨ ગંજીપતાના પાના કબજે કર્યા હતા. આ તમામ આરોપીઓ અમરાપર ગામના જ રહેવાસી છે.

બીજી તરફ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ ચેતનભાઈ ઠાકોરને ખાનગી રાહે હકીકત મળી હતી કે જેતપુરના દેરડીધાર આવાસ યોજનાના ક્વાર્ટર નંબર ૯૬૭ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઇસમો નસીબ આધારિત તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. શર્માના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.બી. ગઢવી અને સ્ટાફે ઘટનાસ્થળે રેડ કરી હતી. પોલીસે ત્યાંથી કુલ રૂપિયા ૧૧,૫૦૦ની રોકડ અને ગંજીપતા સાથે ૯ ઇસમોને ઝડપી લીધા હતા. 

આ સિવાય જેતપુર તાલુકા પોલીસે અમરનગર ગામેથી પણ જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.