(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીટિંગ માટે મુંબઈ આવેલી દિલ્હીની મહિલા સાથે ઍરપોર્ટ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં કથિત દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસે અમદાવાદના બિઝનેસમૅનની ધરપકડ કરી હતી.
ઍરપોર્ટ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ નિલય પટેલ (45) તરીકે થઈ હતી. કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અંદાજે 30 વર્ષની મહિલાએ રૅપની ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું. આ પ્રકરણે ઍરપોર્ટ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 74, 75(2), 76 અને 333 હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી હોવાથી અધિકારીએ વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર દિલ્હીમાં રહેતી બિઝનેસ ક્ધસલ્ટન્ટ મહિલા ગુજરાતના અમદાવાદ શહેરમાં રહેતા બિઝનેસમૅન પટેલને ઓળખતી હતી. કામ માટે મહિલા મુંબઈ આવવાની હોવાથી પટેલ સાથે મીટિંગનું પણ નક્કી થયું હતું. બે દિવસથી મહિલા સાંતાક્રુઝની હોટેલમાં રોકાઈ હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ગુરુવારની સાંજે આરોપીએ મહિલા સાથે હોટેલની રૂમમાં કથિત દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે મહિલાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે મધરાતે જ આરોપીને તાબામાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
representative image