Fri Sep 04 2026

Logo

સોનાની દોણચોરી કરનારી બે સિન્ડિકેટના આઠ પકડાયા: 23.63 કરોડનું સોનું જપ્ત

2026-07-25 19:52:17
Author: Yogesh C. Patel
સોનાની દોણચોરી કરનારી બે સિન્ડિકેટના આઠ પકડાયા: 23.63 કરોડનું સોનું જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી સોનાની દાણચોરી સાથે સંકળાયેલી બે સિન્ડિકેટનો પર્દાફાશ કરી ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) ઍરક્રાફ્ટ ક્લીનિંગ સ્ટાફના બે સભ્ય સહિત આઠ જણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી અંદાજે 23.63 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટે ઍરપોર્ટ પર ગુરુવારની રાતે ‘ઑપરેશન સ્કાય વોલ્ટ’ હાથ ધર્યું હતું. મળેલી માહિતીને આધારે અદિસ અબાબાથી આવેલા ત્રણ વિદેશી મુસાફરોને રોકવામાં આવ્યા હતા. મુસાફરોએ ઍરક્રાફ્ટની સીટ નીચે સોનું સંતાડી રાખ્યું હતું. 

અધિકારીઓએ અંદાજે 18 કરોડ રૂપિયાનું 12 કિલો સોનાની લગડીઓ જપ્ત કરી હતી. ત્રણેય વિદેશી નાગરિકની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કસ્ટમ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દરમિયાન બુધવારની રાતે ડીઆરઆઈએ ‘ઑપરેશન મિડાસ મોપ’ હાથ ધરી પાંચ આરોપીની ધરપકડ કરી હતી, જેમાં ઍરક્રાફ્ટ ક્લીનિંગ સ્ટાફના બે સભ્ય, એક પ્રવાસી અને દાણચોરીની સિન્ડિકેટ સાથે સંકળાયેલા બે સભ્યનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી અંદાજે 5.63 કરોડ રૂપિયાનું 3.76 કિલો ગૉલ્ડ ડસ્ટ જપ્ત કરવામાં આવી હતી, જે વૅક્સના સ્વરૂપમાં હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે દુબઈથી મુંબઈ આવેલી ઍરક્રાફ્ટમાં આ સોનું સંતાડવામાં આવ્યું હતું. આ સોનું ક્લીનિંગ સ્ટાફની મદદથી છૂપી રીતે ઍરપોર્ટ બહાર લઈ જઈ અન્ય વ્યક્તિને સોંપવાનું હતું. આ સિન્ડિકેટમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ ડીઆરઆઈ કરી રહી છે.