Sat Aug 15 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:26 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-26 08:15:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-26 22:11:06

બદ્રીનાથ ધામમાં દાન ગણતરી રૂમની પાંચ સીસીટીવી કેમેરાથી નજર રખાશે

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ બાદ પ્રકાશના આવેલા બદ્રીનાથ ધામમાં પણ દાન ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેની બાદ હવે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દાન ગણતરીની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ગણતરી ખંડમાં નોંધપાત્ર ફેરફારો અમલમાં મૂક્યા છે.

2026-07-26 21:37:29

દિલ્હી પોલીસે તોફાનમાં સંડોવાયેલા 2500 લોકોની તપાસ શરૂ કરી

દેશમાં નીટ પેપર લીક આંદોલનમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ નોંધાયેલા કેસ પરત ખેંચવા માટે કેન્દ્ર સરકારની ખાતરી બાદ દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે આ અંગે સક્ષમ અધિકારી પાસેથી સત્તાવાર માહિતી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ 2500 લોકોની તપાસ પણ શરૂ કરી છે.

2026-07-26 20:24:34

રેલવેમાં જનરલ અને સ્લીપર ક્લાસ મુસાફરોને મળશે સીટ, નવી યોજના પર વિચાર

ભારતીય રેલવેએ ટ્રેનોમાં સતત વધી રહેલી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સુવિધા વધારવા પર ભાર મૂકી રહ્યું છે. જેમાં જનરલ અને સ્લીપર ક્લાસમાં મુસાફરી કરતાં મુસાફરો માટે વિશેષ યોજના બનાવી રહ્યું છે.

2026-07-26 20:23:28

ભારતની ઝિમ્બાબ્વે સામે 3-0થી ક્લીન સ્વીપ

શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં ભારતે હરારેમાં ઝિમ્બાબ્વેને ત્રીજી અને છેલ્લી ટી-20માં પણ હરાવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી છે. આયરલૅન્ડમાં શ્રેયસના જ સુકાનમાં ભારતનો 0-2થી અને ઇંગ્લૅન્ડમાં 0-4થી વાઇટવૉશ થયા બાદ ખુદ ભારતે ઝિમ્બાબ્વેનો વાઇટ-વૉશ કર્યો છે. ભારતે પાંચ વિકેટે 192 રન બનાવ્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલર્સના તરખાટને કારણે 20 ઓવરમાં સાત વિકેટે 157 રન બનાવી શકી હતી. ભારતના 192 રનમાં વૈભવ સૂર્યવંશી (81 રન, 49 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. બોલિંગમાં ફાસ્ટ બોલર મયંક યાદવ (28 રનમાં ત્રણ વિકેટ)ની સૌથી મોટી ભૂમિકા હતી. બીજા ફાસ્ટ બોલર યશ ઠાકુરે કરીઅરની બીજી જ મૅચમાં બે વિકેટ તેમ જ રવિ બિશ્નોઈ અને અશોક શર્માએ એક-એક વિકેટ લીધી હતી.

2026-07-26 19:34:00

પીએમ મોદીની જાહેરાત, પરીક્ષા સુધારા અંગે ટાસ્ક ફોર્સની રચના

દેશમાં નીટ પેપર લીક બાદ કેન્દ્ર સરકાર સતત પરીક્ષા પધ્ધતિમાં સુધારની દિશામાં કાર્યરત છે. આ દરમિયાન પીએમ મોદીએ એક વિડીયો સંદેશના માધ્યમથી મહત્વની જાહેરાત કરી છે. જેમાં નંદન નીલેકણીના નેતૃત્વમાં પરીક્ષા સુધારા અંગે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તેમજ સોમવારે પેપર લીક અંગે  કડક કાયદો રજૂ કરવામાં આવશે.

2026-07-26 18:45:34

બોઇંગ 787 એરક્રાફ્ટમાં દરવાજા સબંધિત ફરિયાદ, એર ઈન્ડિયાએ મોડિફીકેશન શરૂ કર્યું

એર ઇન્ડિયાને બોઇંગ 787 એરક્રાફ્ટમાં  દરવાજા સબંધિત ફરિયાદ મળી છે. જેની બાદ તેના ઉકેલ માટે એર ઈન્ડિયાએ પ્રયાસો હાથ ધર્યા છે. આ અંગે  યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)દ્વારા એરવર્થનેસ નિર્દેશ જાહેર કર્યા છે. તેની બાદ એર ઇન્ડિયાએ આ પગલું ભર્યું છે.

2026-07-26 18:41:08

મયંકે ચાર દિવસમાં બીજી વખત બેનેટને દાવના પહેલા જ બૉલ પર કર્યો આઉટ

ભારતના એક સમયના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવે ચાર દિવસમાં બીજી વખત ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટની દાવના પહેલા જ બૉલ પર વિકેટ લીધી છે. મયંકે કલાકે 147 કિલોમીટરની ઝડપે ફેંકેલા બૉલમાં બેનેટ પ્રથમ સ્લિપમાં વૈભવ સૂર્યવંશીના હાથમાં કૅચઆઉટ થયો હતો. મયંકની પહેલી ઓવરને અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર એક વિકેટે સાત રન હતો. ભારતે યજમાન ટીમને જીતવા 192 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

2026-07-26 18:22:57

રિન્કુની ટૂંકી આતશબાજી છતાં ભારત 200 રન સુધી ન પહોંચી શક્યું

ઝિમ્બાબ્વે સામેની અંતિમ ટી-20માં ભારતનો દાવ 20 ઓવરમાં પાંચ વિકેટે બનેલા 192 રનના સ્કોર પર પૂરો થયો હતો અને ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. રિન્કુ સિંહે અંતિમ ઓવરમાં ફટકાબાજી શરૂ કરી હતી, પરંતુ એ ઓવરમાં 13 રન બન્યા બાદ તે આખરી બૉલ પર આઉટ થયો હતો. તેણે 14 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી પચીસ રન બનાવ્યા હતા. તિલક વર્મા 11 રને અણનમ રહ્યો હતો. વૈભવના 81 રન બાદ ઇશાન કિશને 29 રન અને શ્રેયસ ઐયરે 27 રન બનાવ્યા હતા. ભારતને 17 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. ઝિમ્બાબ્વેના સાત બોલરમાં બ્રાડ ઇવાન્સે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

2026-07-26 17:59:34

વૈભવ પ્રથમ સેન્ચુરીથી દૂર રહી ગયો, 81 રન પર ગુમાવી વિકેટ

વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામેની ત્રીજી ટી-20માં 49 બૉલમાં ચાર છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 81 રન બનાવ્યા અને પ્રથમ આંતરરાષ્ટ્રીય સદીથી 19 ડગલાં દૂર રહ્યો હતો. તે માધીવીરના બૉલમાં લૉન્ગ ઑફ પરથી દોડી આવેલા ઇવાન્સના હાથમાં કૅચઆઉટ થયો હતો. 17મી ઓવરને અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 164 રન હતો. એ ઓવરને અંતે શ્રેયસ 27 રને અને તિલક નવ રને રમી રહ્યો હતો, પરંતુ પછીની ઓવરના પ્રથમ બૉલ પર શ્રેયસે 27 રને વિકેટ ગુમાવી હતી. આ વખતે ઇવાન્સના બૉલમાં માધીવીરે કૅચ ઝીલ્યો હતો.

2026-07-26 17:41:54

યોગી સરકારે કાવડ યાત્રા માટે શરૂ કરી તૈયારીઓ, કાવડ યાત્રાળુઓ માટે વધારાની બસો ચલાવાશે

ઉત્તર પ્રદેશની યોગી સરકારે શ્રાવણ મહિનામાં 30 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રા સરળ અને સલામત રીતે પૂર્ણ થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેની માટે યુપી રોડ ટ્રાન્સપોર્ટ કાવડ યાત્રાળુઓ માટે વધારાની બસો ચલાવાશે. તેમજ  સમગ્ર યાત્રા દરમિયાન નજર રાખવા માટે 24 કલાક  કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવશે.

2026-07-26 17:33:12

વૈભવની બીજી હાફ સેન્ચુરી, આઇપીએલની અસર હવે દેખાવા લાગી

15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બીજી આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારી છે. તેણે હરારેમાં ઝિમ્બાબ્વે સામેની ત્રીજી મૅચમાં 31 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી જેમાં બે છગ્ગા અને છ ચોગ્ગા સામેલ હતા. આઈપીએલની ખરી અસર હવે તેની બૅટિંગમાં દેખાઈ રહી છે. 12મી ઓવરને અંતે ભારતનો સ્કોર 2/113 હતો. અભિષેક શર્મા (બે રન) અને શનિવારનો હીરો ઇશાન કિશન 29 રન બનાવીને સિકંદર રઝાના બૉલમાં આગળ આવીને રમવા જતાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. ત્યાર બાદ કૅપ્ટન શ્રેયસ ઐયર ક્રીઝમાં વૈભવ સાથે જોડાયો હતો. 13મી ઓવરમાં વૈભવ 71 રને રમી રહ્યો હતો.

2026-07-26 16:55:10

અભિષેક ફરી ફ્લૉપ, ભારતની ધીમી શરૂઆત

હરારેની અંતિમ ટી-20માં ભારતે ટૉસ જીતીને બૅટિંગ લીધા બાદ અભિષેક શર્મા ફરી એક વખત સાવ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તે બે રન પર હતો ત્યારે મુઝરબાનીના બૉલમાં વિકેટકીપર મારુમનીના હાથમાં કૅચઆઉટ થયો હતો. અભિષેકે પ્રથમ મૅચના એક રન બાદ બીજી મૅચમાં આઠ રન બનાવ્યા હતા. ત્રણ ઓવરમાં ભારતનો સ્કોર 28 રન હતો. વૈભવ સૂર્યવંશી શનિવારના શૉકિંગ ઝટકા બાદ હવે સાવચેતીથી રમી રહ્યો છે. શનિવારે તે ઉપરાઉપરી ચાર બિગ શૉટ માર્યા બાદ પાંચમા શૉટમાં વિકેટ ગુમાવી બેઠો હતો. ચોથી ઓવરમાં વૈભવ 17 રને અને ઇશાન કિશન બે રને રમી રહ્યો હતો.

2026-07-26 16:45:32

કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી

કર્ણાટક કોંગ્રેસમાં સતત ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી  સિદ્ધારમૈયાએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે તે હવે વર્ષ 2028ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી નહીં લડે.

2026-07-26 16:22:58

ભારતે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી, ટીમમાં બે ફેરફાર

હરારેમાં ભારતે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી અને અંતિમ ટી-20માં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું નક્કી કર્યું છે. ભારત 2-0થી વિજયી સરસાઈમાં છે. ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. પેસ બોલર પ્રિન્સ યાદવ ઈજાને લીધે ન રમતાં અશોક શર્માને ફરી રમવાનો મોકો મળ્યો છે. શિવમ દુબેના સ્થાને સૂર્યાંશ શેડગેને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેની ટીમમાં રિચર્ડ ઍન્ગારવાની જગ્યાએ વેલિંગ્ટન માસાકાદઝા રમશે. ભારતીય ટીમઃ શ્રેયસ (કૅપ્ટન), વૈભવ, અભિષેક, ઇશાન (વિકેટકીપર), તિલક, રિન્કુ, સૂર્યાંશ શેડગે, રવિ બિશ્નોઈ, અશોક શર્મા, મયંક યાદવ અને યશ ઠાકુર.

2026-07-26 16:06:22

નેપાળમાં ભારતીય કરન્સી માટે નવા નિયમો લાગુ

ભારત અને નેપાળ વચ્ચે મુસાફરી અને વેપાર કરતાં લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં હવે નેપાળના નાગરિકો 9 નવેમ્બર 2016 પછી ભારતે બહાર પાડેલી રૂપિયા 200 અને 500ની 25,000 સુધીની ચલણી નોટોને નેપાળ રાષ્ટ્ર બેંકે લઇ દેશમાં લાવવાની મંજૂરી આપી છે.

2026-07-26 15:27:15

યુક્રેનમાં ઓડેસા બંદર પર ચાર ભારતીય વાળા જહાજ પર હુમલો, બે લોકો સુરક્ષિત

યુક્રેનમાં મુખ્ય બંદર ઓડેસા પર ચાર ભારતીયોને લઇ જતાં  એક કાર્ગો જહાજ પર  હુમલો થયો છે. આ અંગે ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, તેમાંથી બે લોકો સુરક્ષિત છે જ્યારે બે લોકો અંગે હજુ કોઇ માહિતી નથી મળી. આ હુમલો એમવી એજીએન રેગનાર નામના કાર્ગો જહાજ પર થયો છે.

2026-07-26 08:16:59

આજે સાત જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં એલર્ટ જાહેર

અમદાવાદઃ આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ રહેવાની છે. હવામાન વિભાગ દ્વારા વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.