Wed Sep 30 2026

Logo

સુપ્રીમ કોર્ટેનો CBSEને નિર્દેશ, ધોરણ 6ના વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષાની પરીક્ષા નહિ આપવી પડે

2026-09-28 17:50:41
Author: Chandrakant Kanoja
સુપ્રીમ કોર્ટેનો CBSEને નિર્દેશ, ધોરણ 6ના વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષાની પરીક્ષા નહિ આપવી પડે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સીબીએસસીને ત્રણ ભાષા પદ્ધતિ હેઠળ ધોરણ 7 ના વિદ્યાર્થીઓને આપતી રાહત ધોરણ છના વિદ્યાર્થીઓને પણ આપવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે  CBSEની ત્રિ-ભાષા નીતિને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.

આ સુનાવણી દરમિયાન દલીલ કરવામાં આવી હતી કે, ધોરણ 7, 8 અને 9ના વિદ્યાર્થીઓને કામચલાઉ ધોરણે છૂટછાટ આપવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ, ધોરણ 10માં પહોંચ્યા પછી ત્રીજી ભાષા માટે CBSE બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં. તેના બદલે, ત્રીજી ભાષાનું મૂલ્યાંકન શાળા સ્તરે આંતરિક રીતે કરવામાં આવશે અને તેની અસર બોર્ડના પરિણામોમાં પાસ કે નાપાસ થવાની સ્થિતિ પર પડશે નહીં.

કોઈ પાસ કે નાપાસ થશે નહીં

સુપ્રીમ કોર્ટે આ આધારે નિર્દેશ આપ્યો કે ધોરણ 6 ના વિદ્યાર્થીઓને પણ આવી જ છૂટ આપવામાં આવે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, કોઈ પાસ કે નાપાસ થશે નહીં. ફક્ત હાજરીનું પ્રમાણપત્ર હશે.

99 ટકા શાળાઓ પાસે ત્રિ-ભાષા નીતિના અમલીકરણ માટે સુવિધાઓ 

આ ઉપરાંત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે દેશની 28,819  CBSE શાળાઓમાંથી લગભગ 99 ટકા શાળાઓ પાસે ત્રિ-ભાષા નીતિના અમલીકરણ માટે જરૂરી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. લગભગ 1.2 ટકા  શાળાઓમાં હજુ સુધી આ સુવિધાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી.

સમસ્યાઓ જાણવા માટે એક અધિકારીની નિમણૂક કરે

સુપ્રીમ કોર્ટે  CBSEને નિર્દેશ આપ્યો કે તે બાકીની શાળાઓનો સંપર્ક કરવા અને તેમની સમસ્યાઓ જાણવા માટે એક અધિકારીની નિમણૂક કરે. જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે જો એવી સ્થિતિ ઊભી થાય કે જેમાં કોઈ શાળા આંતરિક મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીને આગળના ધોરણમાં જતાં અટકાવે તો અદાલત તેમાં હસ્તક્ષેપ કરશે.

28.83  લાખ CBSE વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા 

જ્યારે વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષાનો વિકલ્પ પસંદ કર્યો કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમણે નોંધ્યું હતું કે શરૂઆતમાં ઘણી જગ્યાએ પુસ્તકો ઓનલાઇન ઉપલબ્ધ નહોતા અને આ વ્યવસ્થાથી અંદાજે 28.83  લાખ CBSE વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે.

જવાબ આપતું સોગંદનામું  દાખલ કરવા નિર્દેશ

જેની બાદ સુપ્રીમ કોર્ટે CBSEને ચાર અઠવાડિયાની અંદર આ અંગે જવાબ આપતું સોગંદનામું  દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ અરજદાર પોતાનો જવાબ દાખલ કરશે. આ મામલે આગળની સુનાવણી પછી કરવામાં આવશે.