Wed Sep 30 2026

Logo

સમૃદ્ધિ એક્સપ્રેસ-વે કેમ બની રહ્યો છે 'ડેથ ટ્રેપ'? 8 મહિનાના ચોંકાવનારા આંકડા મળ્યા

2026-09-28 17:39:32
Author: Mumbai Samachar Team
સમૃદ્ધિ એક્સપ્રેસ-વે કેમ બની રહ્યો છે 'ડેથ ટ્રેપ'? 8 મહિનાના ચોંકાવનારા આંકડા મળ્યા

મુંબઈ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર 2026ના પ્રથમ 8 મહિનામાં અકસ્માતોની સ્થિતિ ચિંતાજનક રહી છે. અકસ્માતોની સંખ્યા વધી રહી છે, જ્યારે એમાં માર્યા જનારાની સંખ્યા પણ વધુ છે. જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કુલ 142 અકસ્માત નોંધાયા, જેમાં 128 લોકોનાં મોત થયા છે. 

આ મૃત્યુઆંક માત્ર 8 મહિનામાં જ 2024ના સમગ્ર વર્ષમાં નોંધાયેલા 126 મૃત્યુ કરતાં પણ વધારે છે. આ આંકડા માહિત અધિકાર હેઠળ મહારાષ્ટ્ર પોલીસના ટ્રાફિક વિભાગ પાસેથી મેળવવામાં આવ્યા છે.

સમાન સમયગાળામાં મુંબઈ-પુણે એક્સપ્રેસવેની સરખામણી કરીએ તો સમૃદ્ધિ એક્સપ્રેસવે પર 37 અકસ્માત વધુ થયા છે અને મૃત્યુઆંકમાં 89નો મોટો તફાવત છે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર 105 અકસ્માતમાં 39 લોકોનાં મોત થયા હતા. એટલે કે બંને એક્સપ્રેસવે પર અકસ્માતોની સંખ્યામાં બહુ મોટો તફાવત ન હોવા છતાં સમૃદ્ધિ પર મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધારે રહ્યો છે.

ગત વર્ષોના આંકડા પણ આ સ્થિતિને સમજવા માટે મહત્વના છે. 2025માં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર 202 અકસ્માતમાં 173 લોકોનાં મોત થયા હતા, જ્યારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર 186 અકસ્માતમાં 68 મૃત્યુ નોંધાયા હતા. 

2024માં સમૃદ્ધિ પર 137 અકસ્માત અને 126 મૃત્યુ થયા હતા, જ્યારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માતોની સંખ્યા વધુ એટલે કે 191 હતી અને 90 લોકોનાં મોત થયા હતા. એટલે 2024માં મુંબઈ-પુણે પર અકસ્માત વધુ હતા, પરંતુ 2025 અને 2026ના ઉપલબ્ધ આંકડામાં સમૃદ્ધિ પર મૃત્યુ વધુ રહ્યા છે.

મહારાષ્ટ્રના અન્ય હાઈવેના આંકડા પણ ચિંતાજનક છે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યના નેશનલ હાઈ-વે પર 7,980 અકસ્માતમાં 4,138 લોકોનાં મોત થયા હતા, જ્યારે સ્ટેટ હાઈવે પર 3,842 અકસ્માતમાં 2,015 લોકોનાં મોત થયા હતા. 

સમગ્ર રાજ્યના નેશનલ હાઈવે પર 2024માં 11,285 અકસ્માત અને 5,812 મૃત્યુ નોંધાયા હતા, જે 2025માં વધીને 11,381 અકસ્માત અને 5,941 મૃત્યુ થયા હતા. સ્ટેટ હાઈવે પર 2024માં 5,814 અકસ્માત અને 3,169 મૃત્યુ સામે 2025માં 5,745 અકસ્માત અને 3,227 મૃત્યુ નોંધાયા હતા.

પોલીસ યુનિટ પ્રમાણે જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન પુણે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ 654 લોકોનાં મોત થયા હતા અને અહીં 1,322 અકસ્માત નોંધાયા હતા. ત્યારબાદ યવતમાળમાં 460 અકસ્માતમાં 263 મૃત્યુ અને નાગપુર ગ્રામ્ય વિસ્તારમાં 559 અકસ્માતમાં 241 મૃત્યુ થયા હતા. 

નાગપુર શહેરમાં 711 અકસ્માત નોંધાયા હતા, જેમાં 156 લોકોનાં મોત થયા હતા. સમગ્ર મહારાષ્ટ્રમાં આ જ 8 મહિનામાં માર્ગ અકસ્માતોમાં 8,992 પુરુષો અને 1,294 મહિલાઓનાં મોત થયા છે.

વાહન સંબંધિત આંકડા મુજબ 2025માં ટ્રક અને ટ્રક સંબંધિત કેસોમાં 1,203 અકસ્માતમાં 586 લોકોનાં મોત થયા હતા, જ્યારે 2024માં 1,232 અકસ્માતમાં 598 મૃત્યુ નોંધાયા હતા. સમૃદ્ધિ એક્સપ્રેસવે પર છેલ્લા બે વર્ષમાં અકસ્માતોમાં વધારો થવા પાછળ વાહનોની વધતી અવરજવર એક મુખ્ય કારણ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. 

દરમિયાન, મહારાષ્ટ્ર હાઈવે ટ્રાફિક પોલીસના ઉપલબ્ધ આંકડા મુજબ 2024માં સમૃદ્ધિ પર 137 અને 2025માં 185 અકસ્માત નોંધાયા હતા. આમ સમૃદ્ધિ એક્સપ્રેસવે પરના અકસ્માતો મુંબઈ પુણે એક્સપ્રેસવે ઉપરના અકસ્માતોની સમખામણીમાં વધુ જીવલેણ નીવડ્યા છે.