નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોને રાહત આપતા રવિ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટમાં રૂપિયા 2.79 કરોડના ત્રણ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે.
કુસુમના લધુતમ ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો
કેન્દ્ર સરકારે રવિ સિઝન માટે છ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી દીધી છે. જેમાં સૌથી વધુ વધારો કુસુમના લધુતમ ટેકાના ભાવમાં કરવામાં આવી છે. જે હવે 675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. ઘઉંના MSPમાં સૌથી ઓછો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે માર્કેટિંગ સીઝન 2027-28 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ અને કુસુમના MSPમાં વધારો કર્યો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી
કેબિનેટના નિર્ણયો અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ઘઉં માટે ઉત્પાદનના ભારતીય સરેરાશ ખર્ચની સરખામણીમાં અંદાજિત નફાનું પ્રમાણ (માર્જિન) 106 ટકા છે. ત્યારબાદ રાઈ (સરસવ) માટે 96 ટકા મસૂર માટે 92 ટકા, ચણા માટે 59 ટકા , જવ માટે 58 ટકા અને કુસુમ (safflower) માટે 50 ટકા નફાનું પ્રમાણ છે.
PM-ધારા યોજના અંગે મહત્વનો નિર્ણય
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે અન્ય નિર્ણયમાં કેબિનેટે 'PM-ધારા' (PM-Dhara) નામના લાંબા ગાળાના કાર્યક્રમ અંગે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ પુનઃપ્રાપ્ય ઊર્જાના વિતરણને સરળ બનાવવા માટે જરૂરી ગ્રીડ અને સ્માર્ટ ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
દિલ્હી માટે 'ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને મંજૂરી
મોદી કેબિનેટનો ત્રીજો નિર્ણય દિલ્હી માટે 'ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ' (ITMS)ને લગતો છે. ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ટ્રાફિક પર દેખરેખ અને તેના સંચાલનને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને રાજધાની માટે આ સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે. ITMS નો ઉપયોગ ટ્રાફિકની ભીડ, માર્ગ સુરક્ષા અને વાહનોની અવરજવરનું અસરકારક રીતે સંચાલન કરવા માટે કરવામાં આવશે.