સંજય છેલ
આપણા રાષ્ટ્રીય જીવનમાં ‘સત્યમેવ જયતે’ એક મહોર અથવા મુદ્રા છે. તમે એને સરકારી મહોરથી લઈને ચાની દુકાન પર સજાવટના નામે ચોંટાડેલા આદર્શ સૂવાક્યો સુધી ગમે ત્યાં જોઈ શકો છો. 500 રૂપિયાથી લઈ બધી જ ચલણી નોટો પર લખાયેલું હોવાથી દરેક ભારતીયની નજર આ મુદ્રા પર ઘણી વાર જાય છે. પછી એ નોટ ભલેને સાચી મહેનતની કમાણી હોય કે પછી લાંચ, ચોરી અથવા બેઈમાનીની કાળી કમાણી, પણ નોટો પર સત્યની જીત ચાલતી રહે છે.
આ હાથથી પેલા હાથમાં, આ ખિસ્સામાંથી પેલા ખિસ્સામાં...લોકો નોટોનો ઉપયોગ કરતા રહે છે. લોકો એ નોટોની બે નંબરી બચત કરે છે, છુપાવે છે, છતાં એમની નજર ‘સત્યમેવ જયતે’ પર નથી પડતી! અસત્યની જલદી મળતી જીત એટલી અસરકારક હોય છે કે સત્યની અંતમાં જીત થશે એ માત્ર એક ભ્રમણા લાગે છે. એક રાષ્ટ્ર નોટ પર ‘સત્યમેવ જયતે’ છાપીને સત્યની જીત પ્રત્યે બેફિકર થઈ જાય છે. સત્ય પ્રત્યે જ બેફિકર થઈ જાય છે!
આ દેશમાં જ્યાં લોકો સત્ય કરતાં સત્યનારાયણની કથા પર વધારે ભરોસો કરે છે, ત્યાં એક મહોર કે મુદ્રા હોવા કરતાં વધારે કંઈ મેળવી શકતી નથી.
જ્યાં સામાજિક જીવનમાં સામાન્ય માણસ અસત્ય તરફ આંખ આડા કાન કરવાને બદલે શાણપણથી છટકી જવામાં વધારે સલામતી અનુભવતો હોય, જ્યાં આર્થિક શક્તિઓ અસત્યને સામાન્ય વ્યવહારિક રીતે સ્વીકાર કરતી હોય, જ્યાં રાજનીતિ અસત્યના માર્ગ પર ચાલીને જ કરી શકાય છે,ત્યાં ‘સત્યમેવ જયતે’નો નોટ છાપેલા એક ચિત્રથી અધિક કોઈ અર્થ રહેતો નથી (આમેય હવે ડિજિટલ યુગમાં કરન્સી નોટોના રંગ-ડિઝાઈન પણ બદલાતા રહે છે) એટલે હવે સત્યમેવ જયતે માત્ર એક આર્ટવર્ક તરીકે રહી ગયું છે!
આ દેશ સત્યમેવ જયતેની મુદ્રા બનાવી સત્યની રક્ષા કરવાવાળી અદાલતોને પ્રત્યે બેદરકાર છે. અદાલતના જજ લોકોની આર્થિક સ્થિતિ પેલા પોંગા પૂજારીઓ જેવી હોય છે જે પ્રદૂષિત નદીના ઘાટ પર અથવા ઉપેક્ષિત મંદિરોમાં બેસી રહે છે. જજોની પરિસ્થિતિ ત્યારે જ સુધરી શકે છે, જ્યારે તે અસત્યની સાથે સતત તાલમેલ રાખતા રહે છે. ટ્રાન્સફરનો ડર એમને સરકારી કર્મચારીઓની જેમ સતત પરેશાન કરતો રહે છે.
રિટાયર્ડ થયા પછી એ લોકો થોડું ઘણું કામ મેળવવા માટે સરકારના નેતાઓ તરફ દયામણા ભાવે જોયા કરે છે. આ વધતી મોંઘવારીમાં તે સુરક્ષિત વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર કરશે એ ચિંતા એમને પરેશાન કરે છે. સત્યમેવ જયતેની મુદ્રાની નીચે સત્યની રક્ષા કરવાવાળાઓની મોટી દુર્દશા છે.જે નોટો પર સત્યની જીત લખેલી હોય છે એ જ નોટોને કારણે આ દેશમાં સત્ય સતત પરાજિત થાય છે. મુંબઈમાં અને દરેક જગ્યાએ ખૈરનાર જેવા અનેક પ્રમાણિક ઓફિસરોને ગાળો આપવામાં આવે છે, એમના પર ગોળીઓ ચલાવવામાં આવે છે અને હત્યારાઓ સત્યમેવ જયતે છાપેલી નોટના દમ પર નવાં હથિયારો ખરીદતા રહે છે.
આ સૂત્ર એક શણગાર છે, સુંદરતા છે, સ્લોગન છે, ડિઝાઈન છે, ફૂલ પાંખડીની સજાવટ છે, સાચું બોલનારા સોક્રેટીસના જમાનાથી ગરીબ- દુ:ખી અને પરેશાન છે. વાત સમજમાં આવે છે, પણ એ પ્રામાણિક જજ અથવા ઓફિસરની સમજમાં કેમ નથી આવતું?