Mon Sep 14 2026

Logo

રાંધણ ગેસના બાટલાના કકળાટ વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 1000 આદિવાસી પરિવારોમાં બાયોગેસ થકી આવી ક્રાંતિ

2026-05-14 13:55:00
Author: Mayur Patel
રાંધણ ગેસના બાટલાના કકળાટ વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 1000 આદિવાસી પરિવારોમાં બાયોગેસ થકી આવી ક્રાંતિ

ગાંધીનગરઃ મિડલ ઈસ્ટમાં તણાવના કારણે ગુજરાત સહિત દેશમાં રાંધણ ગેસના બાટલાનો કકળાટ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો રસોઇ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ મળે તે માટે કરેલી મહેનત હવે રંગ લાવી રહી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યુ હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે.  આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલામાં મુકવામાં આવેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીદ્વારા મોનિટરીંગ થઇ રહ્યું છે.   આ પહેલનો હેતુ LPG અને પરંપરાગત લાકડાના ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. 

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે 7 કિમી દૂર આવેલા વાઘપુરા ગામમાં રહેતા એક યુવકે જણાવ્યું કે, સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટને કારણે તેમના દૈનિક જીવનમાં ઘણો ફેરફાર થયો છે. હવે અમને LPG સિલિન્ડરની ચિંતા રહેતી નથી. બાયોગેસ પ્લાન્ટ દ્વારા  દરરોજ સ્વચ્છ ઇંધણ મળે છે અને બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉત્તમ વિકલ્પ બની છે. જૈવિક ખાતરને કારણે પાક ઉત્પાદન પણ વધે છે.

અન્ય એક યુવકે યોજનાનો મહિલાઓ પર પડેલા સકારાત્મક પ્રભાવ વિશે જણાવ્યું કે, બાયોગેસ પ્લાન્ટને કારણે મહિલાઓને સૌથી વધુ લાભ થયો છે. પહેલાં તેઓ ખેતરમાં કામ કર્યા પછી લાકડાં ભેગા કરવા માટે લાંબા અંતર સુધી જતી હતી. ચૂલા પર રસોઇ કરવાને કારણે ધૂમાડો થતો અને આંખોને નુકશાન થતું પણ હવે બાયોગેસના ઉપયોગથી તેઓ ધુમાડાથી મુક્ત થઈ ગઈ છે અને રસોઈ ગેસમાં આત્મનિર્ભર બની છે.

રાજ્યનાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા મળે તે માટેની યોજનાઓને ત્વરિત અમલ થઇ રહ્યો છે. ગુજરાતમાં વૈકલ્પિક ઉર્જા માટે માતબર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 665થી વધુ બાયોગેસ પ્લાન્ટ નંખાઇ ચૂક્યા છે અને બાકીનાં પ્લાન્ટ નાંખવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ પ્લાન્ટ સ્થાપવામાં માટેનો તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવે છે. લાભાર્થીએ પ્લાન્ટ માટે જરૂરી ખાડો ખોદવા માટે શ્રમદાન કરવાનું રહે છે. 

બાયોગેસ પ્લાન્ટ થકી મહિલાઓને સ્વચ્છ રસોઇ ગેસ મળે છે અને સાથે સાથે પ્લાન્ટમાંથી મળતી સ્લરીનો ખાતર તરીકે ખેતીમાં ઉપયોગ થતા વિદેશથી આયાત થતા રાસાયણિક ખાતર પરની નિર્ભરતા પણ ઓછી થાય છે.