Thu May 14 2026

Logo

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના પરિવારને વરસ પછી પણ વળતર ના મળ્યું, નોકરીનું વચન પણ ના પળાયું

2026-05-14 11:34:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં ગત વર્ષે જૂન મહિનામાં એર ઈન્ડિયાની ફ્લાઈટ મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડી હતી. જેમાં કુલ 260 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે છતાં મૃતકોના પરિવારને વળતર મળ્યું નથી. ઉપરાંત નોકરીનું વચન પણ પાળવામાં આવ્યું નથી.

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોએ  વળતરની સાથે જે જગ્યાએ દુર્ઘટના બની ત્યાં એક વર્ષ પૂર્ણ થાય ત્યારે જમીન શુદ્ધિકરણ અને અલગ અલગ ધર્મના લોકો ધાર્મિક વિધિ કરી શકે તે માટેની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત ટાટા અને સરકાર દ્વારા અપાયેલા તમામ વાયદાઓ પૂરા થવાની પીડિત પરિવારો હજુ પણ રાહ જોઈ રહ્યા છે.

પીડિતોના પરિવારજનો મુજબ, નોકરીની ખાતરી આપ્યા બાદ 11 મહિના થયા હોવા છતાં અનેક વખત મેલ કરીએ છીએ છતાં પણ જવાબ આપવામાં આવતો નથી.  11 મહિના થયા છતાંય ટાટા ગ્રુપ તરફથી કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી. તેમજ કોઈપણ પ્રકારનો જવાબ પણ આપવામાં આવતો નથી. મેલ કરીએ તો તેનો પણ યોગ્ય જવાબ અમને મળી રહ્યો નથી. તેમજ અમારો ફોન પણ હવે ઉપાડવામાં આવતો નથી. 

તાજેતરમાં ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુએ જણાવ્યું કે, સમગ્ર તપાસ પ્રક્રિયા પારદર્શિતાથી ચાલી રહી છે અને તેમાં આધુનિક AI ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવી રહી છે.   દુર્ઘટનાના કારણો શોધવા માટેની તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. સરકાર આ મામલે અત્યંત ગંભીર છે અને પારદર્શક તપાસ પર ભાર મૂકી રહી છે.

દુર્ઘટનાનો ભોગ બનનારા પરિવારો દ્વારા એવિએશન કંપની સહયોગ ન આપતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતે પ્રતિક્રિયા આપતા મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે મંત્રાલય દ્વારા સમગ્ર સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ કંપની પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. પીડિતોને યોગ્ય વળતર મળે તે માટે સરકાર મધ્યસ્થી કરી રહી છે. કંપનીઓ દ્વારા કરવામાં આવતી બેદરકારી કે અસહકાર સામે કડક પગલાં લેવાની ખાતરી પણ આપવામાં આવી છે, જેથી ન્યાય પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે.

શું હતી ઘટના

12 જૂન, 2025 ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 મેઘાણીનગર વિસ્તારમાં  ક્રેશ થઈ હતી. જેમાં 240 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હતા. વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલ અને કેન્ટીન સંકુલ સાથે અથડાયું હતું. આ કરુણાંતિકામાં  260 લોકો માર્યા ગયા હતા. જેમાં ચાર MBBS વિદ્યાર્થીઓ અને એક ડોક્ટરની પત્ની પણ હતી. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું હતું.