Fri Jun 19 2026

Logo

ત્રણ ડઝન શબ્દનું ટાઈટલ ધરાવતી ફિલ્મ

2026-06-19 09:53:00
Author: Henri Shashtri
Article Image

હેન્રી શાસ્ત્રી

ગયા વર્ષે આવેલી કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરી તૂ મેરા’ અને આ વર્ષે રિલીઝ થયેલી ‘ભાભીજી ઘર પર હૈં, ફન ઓન ધ રન’, આમિર ખાન પ્રોડક્શન્સની ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’ તેમજ ‘હમ અંગે્રઝો કે ઝમાને કે જેલર હૈં’ ફિલ્મોમાં કઈ વાત સરખી છે?

એ બધી ફ્લોપ ફિલ્મો છે? ના. બધામાં કૉમેડીને પ્રાધાન્ય છે? હા. આ સિવાય પણ એક સામ્ય છે. આ ચારેય ફિલ્મનાં નામ જો અંગ્રેજી અક્ષરોમાં લખવામાં આવે તો એની લંબાઈ જોઈ હાંફી જવાય... 

‘આનંદ’નો મશહૂર સંવાદ ‘જિંદગી બડી હોની ચાહિએ લંબી નહીં’માં જીવનદર્શન ટપકે છે, પણ હિન્દી ફિલ્મોના નામના ઈતિહાસમાં ક્યારેક અંધશ્રદ્ધા ટપકતી હોય છે. હિન્દી ફિલ્મોના નામ એક અક્ષરથી અધધ કહી શકાય એવા પચીસ અક્ષરથી પણ વધુ છે, અલબત્ત, અંગ્રેજી અક્ષરોમાં. 2005માં આવેલી રણદીપ હૂડા-ચંકી પાંડેની સફળ ફિલ્મ ‘ડી’ (D) વિશિષ્ટ ઉદાહરણ એટલા માટે છે કે હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં એકાક્ષરી નામવાળી ફિલ્મ યાદ કરતા માથું ખંજવાળવું પડે. 

આમિર ખાન-રાજકુમાર હિરાણીની 2014માં આવેલી ‘પીકે’ (PK) હિન્દી-અંગ્રેજી એમ બન્ને ભાષામાં બે બે અક્ષર ધરાવે છે. રણવીરસિંહ, આલિયા ભટ્ટની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટાઇટલ અંગ્રેજી અક્ષર પ્રમાણે 26 અક્ષર લાંબું છે. અક્ષય કુમારની ગેંગસ્ટર ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ દોબારા’માં અધધધ 29 અક્ષર હતા. રાજ કપૂરની ‘જિસ દેસમેં ગંગા બહતી હૈ’માં 24 અક્ષર હતા અને ગોવિંદાએ 25 અક્ષરની ‘જિસ દેસ મેં ગંગા રહતા હૈ’ કરી હતી.

ફરાહ ખાને અભિનય કર્યો હતો એ ફ્લોપ ફિલ્મ ‘શિરીન ફરહાદ કી તો નીકલ પડી’માં 26 અક્ષર હતા જયારે નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, શબાના આઝમીની ‘આલબર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ?’માં 28 અક્ષર હતા. બીજા પણ કેટલાક ઉદાહરણ આની આસપાસના છે.

હોલિવૂડમાં પડદા પર ચાર કલાકથી વધુ સમય ચાલી હોય એવી બે ફિલ્મ બની છે. એક છે ‘ક્લિયોપેટ્રા’ (1963). ચાર કલાક અને 8 મિનિટ (248 મિનિટ) લાંબી ફિલ્મમાં એલિઝાબેથ ટેલર, રિચર્ડબર્ટન અને રેક્સહેરિસન મુખ્ય કલાકાર હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી અને એને ચાર ઓસ્કર અવૉર્ડ પણ મળ્યા હતા. બીજી છે શેક્સપિયરની કૃતિ ‘હેમલેટ’ પર આધારિત એ જ નામ ધરાવતી ફિલ્મ જે ચાર કલાક ને બે મિનિટ (242 મિનિટ) લાંબી હતી. જોકે, આ બંને ફિલ્મના નામ બહુ લાંબા નથી.

લાંબા નામની વાત કરીએ તો 1991ની Night of the Day of the Dawn of the Son of the Bride of the Return of the Revenge of the Terror of the Attack of the Evil, Mutant, Hellbound, Flesh-Eating Subhumanoid Zombified Living Dead ફિલ્મમાં 36 શબ્દ (અક્ષર જાતે ગણી લેજો) સાથે નંબર વનના સ્થાન પર છે. એકવીસમી સદીના સમયમાં લાંબા નામવાળી બે ફિલ્મ ખાસ ધ્યાન ખેંચે છે. એક છે Borat: Cultural Learnings of America for Make Benefit Glorious Nation of Kazakhstan (2006) અને બીજી છે 2003માં આવેલી Easy Riders, Raging Bulls: How the Sex, Drugs and Rock 'N' Roll Generation Saved Hollywood. 

થોડા ભૂતકાળમાં નજર નાખીએ તો 1964માં Dr. Strangelove or: How I Learned to Stop Worrying and Love the Bomb નામની ફિલ્મ આવી હતી. સવાલ એ થાય છે કે ફિલ્મ જોઈને આવેલા પ્રેક્ષકને પૂછવામાં આવ્યું હશે કે કઈ ફિલ્મ જોઈ આવ્યા તો શું જવાબ આપ્યો હશે?
પહેલા બે શબ્દ, છેલ્લા બે શબ્દ કે પછી પોસ્ટર કે એડવર્ટાઈઝમેન્ટ જ બતાવી દીધા હશે.

‘નારદ લીલા’માં ભગવાન વિષ્ણુ અને ‘વિષ્ણુ પુરાણ’માં દેવર્ષિ નારદ

શાહુ મોડક મરાઠી અને હિન્દી ચિત્રપટના જાણીતા કલાકાર હતા. 1932માં ‘શ્યામ સુંદર’ ફિલ્મમાં શ્રીકૃષ્ણના રોલથી શરૂઆત કરનારા અભિનેતાએ ઘણી ફિલ્મમાં કૃષ્ણની લીલાથી ભાવિકોને મુગ્ધ કર્યા છે. પૌરાણિક પાત્રમાં તેમની હથોટી હતી. કારકિર્દીની શરૂઆત કૃષ્ણના કિશોરાવસ્થાના રોલથી કર્યા પછી શાહુ ભાઉને ભગવાન વિષ્ણુ તેમજ ભોલેનાથ ભગવાન શંકર અને ‘નારાયણ... નારાયણ’ નું રટણ કરતા દેવર્ષિ નારદ મુનિના પાત્ર ભજવવાની તક મળી હતી. 

ગુજરાતી દિગ્દર્શક મણિભાઈ વ્યાસની ‘શંકર સીતા અનસૂયા’ (1965) ફિલ્મમાં શાહુ મોડક શંકર ભગવાનના રોલમાં હતા. અન્ય ગુજરાતી દિગ્દર્શક ધીરુભાઈ દેસાઈની ‘સંપૂર્ણ તીર્થયાત્રા’ (1970) ફિલ્મમાં શાહુ મોડક વિષ્ણુ ભગવાનના અવતારમાં હતા. ‘ભગવાન વિષ્ણુ’ની એક્ટિંગથી પ્રભાવિત થયેલા ધીરૂભાઇએ ‘નારદ લીલા’ (1972)માં મોડક ભાઉને ફરી વિષ્ણુ અવતારમાં રજૂ કર્યા. જોકે, 1973માં ’વિષ્ણુ પુરાણ’ નામની ફિલ્મ બનાવનારા શ્રીધર પ્રસાદને શાહુ મોડક કદાચ વિષ્ણુ તરીકે નહીં રુચ્યા હોય એટલે તેમણે શાહુ મોડકને ‘નારાયણ... નારાયણ’ નું રટણ કરતા દેવર્ષિ નારદ મુનિ તરીકે રજૂ કર્યા. એ ફિલ્મમાં વિષ્ણુનો રોલ મહિપાલે કર્યો હતો. નારદની ફિલ્મમાં વિષ્ણુ ભગવાન અને વિષ્ણુ ભગવાનના ચિત્રપટમાં નારદનો રોલ. આવી સિદ્ધિ બહુ ઓછા અભિનેતાએ મેળવી હશે.