ઉમેશ ત્રિવેદી
સન 1994માં આવેલી ‘દ્રોહકાલ’માં માત્ર એક જ મિનિટની અને ત્યાર પછી આવેલી શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વિન’માં નાનકડી અમથી ભૂમિકા ભજવનાર મનોજ બાજપેયીએ ત્યાર પછી તો એક ઉત્કૃષ્ટ અભિનેતા તરીકે પોતાને સ્થાપિત કર્યો છે, પણ કમનસીબી જુઓ કે તેની ‘સોલો હીરો’ તરીકેની ફિલ્મો થિયેટરમાં ચાલતી નથી અને મલ્ટીસ્ટાર (એકથી વધુ સ્ટારવાળા) ફિલ્મમાં તેનું કામ વખણાય છે, પણ ફિલ્મની સફળતાની ક્રેડિટ ફિલ્મમાં હીરોને ફાળે જાય છે.
બીજી તરફ, આજે ઓટીટી પર મનોજ બાજપેયીની ફિલ્મો અને સિરીઝ ધૂમ મચાવે છે, તેના વ્યૂઅરશિપના આંકડા પરથી એ સાબિત થાય છે કે તેની ફિલ્મ અને સિરીઝ જોનારાની સંખ્યા મોટી છે, પણ આ દર્શકો મનોજની ફિલ્મ થિયેટરમાં જોવા જતા નથી. મનોજ બાજપેયીને લગભગ 32 વર્ષની કારકિર્દી દરમિયાન ચાર વાર નૅશનલ એવોડર્સ મળ્યા છે એ સાબિત કરે છે કે તે કેટલો ઉત્કૃષ્ટ કલાકાર છે.
મનોજને પહેલો નૅશનલ એવોર્ડ તેણે કારકિર્દી શરૂ કર્યાને ચાર વર્ષમાં જ મળ્યો હતો. 1998માં તેને ‘સત્યા’ ફિલ્મમાં ભીખુ મ્હાત્રેની ભૂમિકા બદલ નૅશનલ એવોર્ડ મળ્યો હતો. ત્યાર બાદ 2003માં ‘પિંજર’ ફિલ્મ માટે ‘સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ મળ્યો હતો, 2019માં ‘ભોસલે’ ફિલ્મની ભૂમિકા માટે તેને ‘બેસ્ટ ઍક્ટર’નો નૅશનલ એવોર્ડ મળ્યો હતો. 2022માં ‘ગુલમહોર’ માટે ફરી એકવાર તેને ‘સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ’ કૅટેગરીમાં નૅશનલ એવોર્ડ અપાયો હતો.
આ ઉપરાંત મનોજ બાજપેયીને બે વાર એશિયા પેસિફિક સ્ક્રીન એવોડ્ર્સ, ચાર વાર ફિલ્મફેર એવોડ્ર્સ, બે વાર ફિલ્મફેર ઓટીટી એવોડ્ર્સ, બે વાર ઝી સિને એવોડ્ર્સ અને 2019માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ ખિતાબ પણ એનાયત થયો છે.
બિહારના એક નાનકડા ગામ બેલ્વામાં જન્મેલા મનોજને નાનપણથી જ અભિયય કરવાની ઇચ્છા જાગી હતી એટલે તેણે ‘નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા’ (એનએસડી)માં પ્રવેશ મેળવવાની કોશિશ કરી હતી પણ ત્રણ વાર તેમાં નિષ્ફળતા મળી હતી.
ઓમ પુરી અને નસીરુદ્દીન શાહ જેવા કલાકારો એનએસડીમાંથી આવ્યા હોવાની તેને જાણ હતી એટલે તે એનએસડીમાં પ્રવેશ મેળવવા પ્રયાસ કરતો રહ્યો.ત્રણ વાર તેની અરજી કાઢી નાખવા માં આવી એટલે તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે તેને રઘુવીર યાદવે મદદ કરી હતી. રઘુવીર યાદવે તેને ઍક્ટિંગ કોચ બેરી જ્હૉનની વર્કશૉપમાં જોડાવાનું સૂચન કર્યું હતું.
જોકે, નસીબ આને કહેવાય કે મનોજ બાજપેયીના અભિનયથી બેરી જ્હૉન પ્રભાવિત થયા અને તેમણે પોતાની સાથે સહાયક તરીકે મનોજની નિમણૂક કરી. આ પછી મનોજ બાજપેયીએ ફરી એક વખત નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અરજી કરી. જોકે, ફરી એક વખતે મનોજની અરજી ન સ્વીકારાઈ, પણ આ વખતે એનએસડીએ તેની વિદ્યાર્થી તરીકેની અરજી ‘રિજેક્ટ’ કરીને તેને એનએસડીમાં અભિનય શીખવાડવા માટે રાખી લીધો...!
બિહારના એક નાનકડા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા મનોજનું નામ તેના પિતાએ જૂની ફિલ્મોના જાણીતા હીરો મનોજકુમાર પરથી પ્રેરણા લઈને પાડ્યું છે. શાળામાં વેકેશન દરમિયાન મનોજે પિતાના ખેતરમાં ખૂબ કામ કર્યું છે. તેનાં બીજાં ચાર ભાઈ-બહેન છે.
પોતાના સ્ટ્રગલના દિવસો દરમિયાન મનોજે દિલ્હીની એક છોકરી સાથે લગ્ન કર્યાં હતાં, પણ એ લગ્ન વધુ સમય ટક્યાં નહોતાં. ત્યાર પછી તેની ઓળખાણ ફિલ્મ અભિનેત્રી શબાના રઝા સાથે થઈ હતી. આ વળી કઈ હીરોઈન એવો પ્રશ્ર્ન થાય, તો અહીં આપને જણાવી દઈએ કે એ અભિનેત્રી એટલે 1998માં વિધુ વિનોદ ચોપરાની પહેલી ફિલ્મ આવી હતી ‘કરીબ’ તેની મુખ્ય અભિનેત્રી નેહા. ફિલ્મમાં કામ કરવા માટે શબાના રઝાએ નામ બદલાવી નેહા કર્યું હતું અને ‘કરીબ’માં તે બોબી દેઓલ સાથે હતી.
મનોજ અને નેહાનાં લગ્ન 2006માં થયાં છે. નેહાએ પોતાની કારકિર્દીમાં ‘હોગી પ્યાર કી જીત’, ‘ફિઝા’, ‘રાહુલ’, ‘આત્મા’ અને ‘એસિડ ફૅક્ટરી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 2009 પછી નેહાએ કોઈ ફિલ્મમાં અભિનય કર્યો નથી.1998માં રામગોપાલ વર્માની ફિલ્મ ‘સત્યા’ આવી, તેમાં ભીખુ મ્હાત્રેની ભૂમિકા કર્યા બાદ મનોજની કારકિર્દીને નવો વળાંક મળ્યો હતો.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ચક્રવર્તીની હતી, પણ ‘અંડરવર્લ્ડ’ના ડોન તરીકે મનોજ છવાઈ ગયો અને તેને તેનો પહેલો ‘નૅશનલ એવોર્ડ’ પણ મળ્યો હતો. આ ફિલ્મ પછી મનોજને અનેક ફિલ્મો મળી અને લોકપ્રિયતા પણ મળી. તેમાં તેણે ‘શૂલ’, ‘અક્સ’, ‘ઝુબૈદા’, ‘રોડ’, ‘વીર ઝારા’, ‘બેવફા’, ‘રાજનીતિ’, ‘સ્પેશ્યલ-26’, ‘શૂટ આઉટ એટ વડાલા’, ‘નામ શબાના’, ‘ઐયારી’, ‘બાગી-ટુ’, ‘સત્ય મેવ જયતે’ જેવી ફિલ્મો કરી.
2019થી તે ઓટીટી પર ‘ફેમિલી મેન’ જેવી સિરીઝથી છવાઈ ગયો. તેની બે સિઝન આવી ગઈ. ત્યાર બાદ તે ‘ફર્ઝી’, ‘કિલર સૂપ’, ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’, ‘ડિસ્પેચ’ ઇત્યાદિમાં એ સીધી જ ઓટીટી પર રજૂ થયેલી ફિલ્મોમાં દેખાયો છે. સમયાંતરે તેની ફિલ્મો આવે છે, જેમાં તેનો અભિનય વખણાય છે, પણ ફિલ્મો ટિકિટબારી પર ચાલતી નથી એટલે સીધી ઓટીટી પર જ રિલીઝ કરવામાં આવે છે. આમ 1994થી સાવ નગણ્ય ભૂમિકાથી પોતાની કારકિર્દી શરૂ કરનાર મનોજ બાજપેયી હિન્દી ફિલ્મોમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યા પછી હવે ઓટીટી પર પોતાના અભિનયથી છવાઈ ગયો છે.
હાલમાં જ તેની ‘ગવર્નર’ નામની ફિલ્મ થિયેટરમાં રજૂ થઈ છે. જેમાં ભારત સરકારની રિઝર્વ બૅન્કના અધિકારી એસ. વેંકટરમણનથી પ્રેરિત રમણનની ભૂમિકા ભજવી છે અને ફિલ્મમાં 1990ની આર્થિક કટોકટીની વાત પણ લેવામાં આવી છે.
OTTનું હોટસ્પોટઃ તા. 20 જૂનથી 26 જૂન સુધી શું જોશો?
રિતેશ દેશમુખ નિર્મિત-દિગ્દર્શિત અને અભિનીત સુપરહિટ ફિલ્મ ‘રાજા શિવાજી’નું 26 જૂને ‘નેટફ્લિક્સ’ પર પ્રસારણ શરૂ થવાનું છે.
આ ફિલ્મમાં રિતેશ દેશમુખની સાથે જેનેલિયા ડિસોઝા, અભિષેક બચ્ચન, ભાગ્યશ્રી, સંજય દત્ત, ફરદીન ખાન, વિદ્યા બાલન, મહેશ માંજરેકર, સચીન ખેડેકરની મુખ્ય ભૂમિકા છે અને સલમાન ખાન મહેમાન કલાકાર તરીકે છે. આગામી અઠવાડિયે નેટફ્લિક્સ પર બીજું શું જોવા મળશે તેના પર એક નજર નાખીએ.
20 જૂન: ધ ક્રીએટર નામની ફિલ્મ રજૂ થશે, જે સાયન્સ ફિક્શન એક્શન ફિલ્મ છે. આ સિવાય આ ઓટીટી ચૅનલ પર 19 જૂને હસબંડ્સ ઇન ઍક્શન-સાઉથ કોરિયન ઍક્શન કૉમેડી ફિલ્મ, 19મી એજ ‘વૉઇસમેલ્સ ફોર ઇસાબેલ’ નામની સસ્પેન્સ ક્રાઇમ ડ્રામા અને 19 જૂને જ ઍક્શન સ્પાય થ્રિલર ‘ધ કોન્ટ્રાક્ટર’ જોઈ શકાશે.
જિયો હૉટસ્ટાર
અહીં 24 જૂને જેમ્સ કેમેરૂનની ફિલ્મ ‘અવતાર-ફાયર એન્ડ એશ’ પહેલી જ વાર રજૂ થશે. 25 જૂને ‘ધ બિઅર’ની પાંચમી સિરીઝ રજૂ થશે અને 19 જૂને હિન્દી ફિલ્મ ‘ઠુકરા કે મેરા પ્યાર’ની બીજી સિઝન તેમ જ 19 જૂને જ તેલુગુ કૉમેડી SI ‘સેવ ધ ટાઇગર્સ’ની ત્રીજી સીઝન રજૂ થશે.
સોની લિવ
અહીં અત્યારે ‘ક્રિકેટ ફીવર’ ચાલી રહ્યો છે. વિમેન્સ વર્લ્ડ કપ ઉપરાંત અફઘાનિસ્તાન સામે ભારતની સિરીઝ પ્રસારણ ચાલુ છે. અહીં આજે (શુક્રવાર, તા. 19 જૂને) ટોવિનો થોમસ અને બેસિલ જોસેફની કૉલેજ આધારિત મલયાલમ ફિલ્મ ‘અથિરાડી’નું પ્રસારણ શરૂ થશે.
એમેઝોન પ્રાઇમ વીડિયો
અહીં 21 જૂને સ્પાય થ્રિલર ‘ધ એજન્સી’ની પાંચમી સિઝનની શરૂઆત થશે. તે અગાઉ 18 જૂનથી મોહનલાલ અભિનીત મલયાલમ ક્રાઇમ થ્રિલર ‘દૃશ્યમ-થ્રી’નું પ્રસારણ શરૂ થઈ ચૂક્યું છે.