Thu Jun 18 2026

Logo

દોસ્તી કે દુશ્મનીઃ શું અમેરિકા બદલી રહ્યું છે ભારત પ્રત્યેનું 'વલણ'?

2026-06-18 15:55:00
Author: Vimal Prajapati
Article Image

ચીન સાથે ટ્રમ્પની નવી ડીલ: ક્વાડ ગઠબંધનનું ભવિષ્ય જોખમમાં?

નવી દિલ્હી/વોશિંગ્ટન ડીસીઃ અત્યાર સુધી જે ભારત અને અમેરિકાની દોસ્તીને 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી ગણાવવામાં આવતી હતી, તે સમીકરણો હવે બદલાતા દેખાઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતો 'G2' શબ્દ વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી રહ્યો છે. અમેરિકા અને ચીન, વિશ્વની આ બે સૌથી મોટી સત્તાઓ પરસ્પર સમજૂતી કરીને દુનિયાના મોટા નિર્ણયો પોતાની વચ્ચે સીમિત રાખે તેવો આ વિચાર છે. અગાઉ ચીનને પોતાનો મુખ્ય વ્યૂહાત્મક દુશ્મન ગણાવતું અમેરિકા હવે જે રીતે બીજિંગ તરફ નરમ વલણ દાખવી રહ્યું છે, તે નવી દિલ્હી માટે ચિંતાનો વિષય બન્યું છે.

શું છે આ ટ્રમ્પ-સ્ટાઇલ 'G2' પોલિસી?
'G2' એ કોઈ સત્તાવાર સંગઠન કે સંસ્થા નથી, પરંતુ એક રાજદ્વારી વિચારધારા છે. તાજેતરના મહિનાઓમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતો બાદ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકા અને ચીન સમકક્ષ મહાસત્તાઓ છે. ટ્રમ્પની વિદેશ નીતિ હંમેશા સંસ્થાગત ગઠબંધનોના બદલે વ્યક્તિગત સંબંધો અને સીધા સોદાબાજી પર આધારિત રહી છે. અમેરિકા હવે ચીન સાથે ટ્રેડ વોર રોકીને આર્થિક સમજૂતી તરફ આગળ વધી રહ્યું છે, જે એશિયામાં સત્તાના સંતુલનને પ્રભાવિત કરી શકે છે.

ક્વાડ (QUAD) ગઠબંધનનું ભવિષ્ય જોખમમાં?
ભારત હંમેશાં 'મલ્ટીપોલર વર્લ્ડ અને મલ્ટીપોલર એશિયા'ની વકીલાત કરતું આવ્યું છે, જેથી કોઈ એક દેશ આખા ક્ષેત્ર પર પ્રભુત્વ ન જમાવી શકે. આ જ હેતુથી ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ મળીને 'ક્વાડ' (QUAD) ને મજબૂત કર્યું હતું. પરંતુ જો અમેરિકા તેની નીતિ બદલીને ચીન સાથે વ્યાપારી અને વ્યૂહાત્મક સમજૂતી કરી લે છે, તો ચીનના પ્રભાવને રોકવા માટે બનેલા ક્વાડનું મહત્વ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. આ બદલાવ ભારત માટે દરિયાઈ સુરક્ષા અને સપ્લાય ચેન મેનેજમેન્ટમાં મોટો પડકાર ઉભો કરશે.

ટ્રમ્પે પેસિફિક કમાન્ડમાંથી 'ઇન્ડો' શબ્દ હટાવ્યો?
ભારતની ચિંતા ત્યારે વધુ મજબૂત બની જ્યારે અમેરિકાએ પોતાના સૌથી મોટા સૈન્ય કમાન્ડ 'યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ' નું નામ બદલીને ફરીથી 'યુએસ પેસિફિક કમાન્ડ' કરી દીધું. વર્ષ 2018માં ટ્રમ્પે જ પોતાના પ્રથમ કાર્યકાળમાં ભારતની વધતી વ્યૂહાત્મક ભૂમિકાને સન્માન આપવા આ કમાન્ડમાં 'ઇન્ડો' શબ્દ ઉમેર્યો હતો. હવે તે જ શબ્દને હટાવવો એ સંકેત આપે છે કે અમેરિકા પશ્ચિમ પ્રશાંત મહાસાગર ક્ષેત્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને હિંદ મહાસાગરમાં ભારતની કેન્દ્રીય ભૂમિકાનું પ્રતીકાત્મક મહત્વ ઘટાડી રહ્યું છે.

નકશાનો વિવાદ અને કૂટનીતિક તણાવ
આ તણાવની વચ્ચે પેન્ટાગોન દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નકશાએ સળગતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ નકશામાં ભારતની સરહદોને ખોટી રીતે દર્શાવવામાં આવી છે અને PoKને પાકિસ્તાનના ભાગ તરીકે બતાવવામાં આવ્યું છે. ભારતીય રાજદ્વારીઓ અને તમામ રાજકીય પક્ષોએ આ બાબતે સખત વાંધો ઉઠાવ્યો છે. નિષ્ણાતોના મતે, આ માત્ર કોઈ તકનીકી ભૂલ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે અમેરિકાની વધતી જતી ઉદાસીનતાનો ચિંતાજનક સંકેત છે. અમેરિકા વૈશ્વિક સ્તરે ભારતની અવગણના કરી રહ્યું હોય તેવું નિષ્ણાતો માની રહ્યાં છે. 

ભારતની નવી બહુસ્તરીય રણનીતિ
જો કે, આ બદલાતા સમીકરણોનો અર્થ એ નથી કે ભારત-અમેરિકાના સંબંધો તૂટી ગયા છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, આઈટી અને સૈન્ય અભ્યાસ હજુ પણ ચાલુ છે. પરંતુ ભારતે હવે માત્ર અમેરિકા પર નિર્ભર રહેવાના બદલે પોતાની વિદેશ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. પીએમ મોદીના યુરોપિયન દેશોના પ્રવાસો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ અને ગ્લોબલ સાઉથ સાથે મજબૂત થતા સંબંધો દર્શાવે છે કે ભારત હવે યુરોપ, જાપાન અને ફ્રાન્સ જેવા દેશો સાથે મળીને પોતાના હિતોનું રક્ષણ કરવા સક્ષમ છે. 'G2' ના આ યુગમાં ભારતે હિંદ મહાસાગરમાં પોતાની સ્વદેશી નૌકાદળ શક્તિ અને આત્મનિર્ભરતાને વધુ તેજ કરવી પડશે. ભારતની વિદેશ નીતિ પણ હવે આ દિશામાં જ કાર્ય કરી રહી છે.