સંજય છેલ
‘લોકો પર હસો, લોકોનું અપમાન ન કરો.’
- ચાર્લી ચેપ્લિન
‘દરેક પેઢીને લાગે છે કે તેની પછીની પેઢી બગડી ગઈ છે.’
- જ્યોર્જ ઓરવેલ
‘વિનોદ એવી વસ્તુ છે જેની મજા બધાને આવે છે, સિવાય જેની મજાક થઈ હોય તેને.’
- વિલ રોજર્સ
હમણાં મારો મિત્ર ચિંતિત ચહેરે મળવા આવ્યો. મને થયું કે શૅરબજારમાં નુકસાન થયું હશે કે ઘરમાં ઝઘડો થયો હશે, પણ એણે ધૂંધવાતા કહ્યું, ‘મારો દીકરો રોજ મોબાઇલ પર સ્ટેન્ડ-અપ કોમેડી અને પોડકાસ્ટ જુએ છે.’
‘એમાં શું પ્રોબ્લેમ છે?’ મેં પૂછ્યું.
પછી એ 45 ભૂંડી ગાળો આપતા બોલ્યો, એ જે જુએ છે એમાં ખૂબ ગાળો અને અશ્ર્લીલતા હોય છે! આમ કહીને ફરી 34 ગાળો આપી. મેં શાંત પાડ્યો ને પહેલાં તો એને ગાળો બોલતા અટકાવ્યો.
આ સમસ્યા દરેક ઘરમાં છે. ભારતમાં આજે નવી જ પ્રજાતિનો જન્મ થયો છે. પહેલાં બે પ્રકારના ગુરુ હતા. એક આશ્રમવાળા અને બીજા પુસ્તકોવાળા. હવે ત્રીજા આવ્યા છે: પોડકાસ્ટવાળા કે સ્ટેન્ડ-અપ કોમેડીવાળા! બ્રહ્માંડ કેમ બન્યું, વજન કેવી રીતે ઘટાડવું, કરોડપતિ કેવી રીતે બનવું, લગ્ન કરવા જોઈએ કે નહીં, ઊંઘ કેમ નથી આવતી?, સેક્સમાં શું પ્રોબ્લેમ છે? દરેક સવાલનો જવાબ કે મજાક તેમની પાસે છે. જો જવાબ ન હોય તો વિચિત્ર કે અશ્ર્લીલ લાગતી ચર્ચા તો છે જ.
પહેલાં રાજુ શ્રીવાસ્તવ કે જોની લીવર સ્ટેન્ડ-અપ કોમેડીમાં માત્ર હસાવતા. હવેના હાસ્ય કલાકારો લોકોને પહેલાં ગાળો બોલે છે, પછી હસાવે છે, પછી જનતાને સમાજને ગાળો આપે છે, પછી સમાજને ગુસ્સો અપાવે છે, પછી માફી માગે છે ને પછી એ કોમેડી બધે વાયરલ થઇ જાય છે. ડિજિટલ યુગનું આ વિષચક્ર છે.
થોડા સમય અગાઉ સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટને લઈને ચર્ચા ઉછળેલી. પછી રણવીર અલાહબાદિયાના એક પ્રશ્ને જે તોફાન ઊભું કર્યું તે કદાચ કોઈ સુપરસ્ટારની ફિલ્મ પણ ન કરી શકે.
થોડા સેક્ધડની વાંધાજનક ક્લિપ, લાખો વ્યૂઝ, ટીવી ડિબેટો, પોલીસ ફરિયાદો, રાજકીય નિવેદનો અને સોશ્યલ મીડિયામાં ઊહાપોહ. એક દિવસ પહેલાં જે રણવીર યુવાનો માટે સફળતાનું પ્રતીક હતો એ રાતોરાત આખા રાષ્ટ્રનો આરોપી બની ગયો. સોશ્યલ મીડિયામાં સવારે જેને જિનિયસ જાહેર કરાય છે એ સાંજ સુધી રાષ્ટ્રદ્રોહી અભદ્ર વિલન બની જાય છે.
તાજેતરમાં મરાઠી કોમેડિયન પ્રણિત મોરેએ કરેલ ‘370ની બિરયાની’વાળા જોક અને એના કાર્યક્રમમાં કે.ઇ.એમ. હોસ્પિટલમાં મહિલા મેડિકલ સ્ટુડંટ ડોક્ટરે મડદાના ચીરફાડ અંગે કરેલા જોકને લઈને પણ ભારે વિવાદ થયો. મોરે પાછળ પોલિસ પડી છે, પેલી સ્ટુડંટને કોલેજમાંથી કાઢવાની માંગ થાય છે. છોકરીએ માફી પણ માગી છે, પણ ઇટ્સ ટૂ લેટ.
પ્રણિત મોરે કે સમય રૈના જેવા કલાકારોને સમજવા માટે કદાચ ‘વય’ કરતાં ‘વાઇ-ફાઇ’નું મહત્ત્વ વધુ છે. 55 વર્ષનાને ઘણીવાર સમજાતું નથી કે લોકો આમાં હસે છે શેના પર? જ્યારે 20 વર્ષની વ્યક્તિ જમીન પર લોટપોટ થઈ આળોટે છે, કારણ કે આ પેઢી મીમ્સ, રીલ્સ અને ઇન્ટરનેટની ભાષામાં વિચારે છે. તેમની કોમેડી સાદીસીધી નહીં, પણ બેફામ ગંદી મજાકોમાં છે. તેમાં ક્યારેક જોક હોય છે, ક્યારેક સામાજિક કટાક્ષ તો ક્યારેક માત્ર વાહિયાત વલ્ગારીટી, પરંતુ એને તરત જ ‘અશ્ર્લીલ’ કે ‘વાહિયાત’ કહીને નકારી દેવું એ એનો સહેલો ઉકેલ નથી.
દરેક જૂની પેઢીને નવી પેઢીનું હાસ્ય ફૂવડ કે બદ્તમીઝી લાગે છે. એક સમય હતો જ્યારે મરાઠી- હિંદી ફિલ્મોમાં દાદા કોંડકેને કે ક્યારેક ગુજરાતી ફિલ્મોમાં રમેશ મહેતાને ડબલ મીનિંગવાળા સંવાદો માટે વલ્ગર ગણવામાં આવતા. એ બધાં આજના ગાળાગાળી કરતા કોમેડિયનો સામે સાવ નિર્દોષ પારેવા લાગે. પછી સ્ટેન્ડ-અપ કોમેડિયન વીર દાસવાળી, આમિર ખાને બનાવેલી ફિલ્મ ‘ડેલ્હી બેલી’ આવી અને લોકોના ભવાં ઊંચા થઇ ગયેલાં. દરેક વખતે સૌને લાગ્યું કે ભારતીય સંસ્કૃતિ હવે ગઈ પણ ભારતીય સંસ્કૃતિનું સ્વાસ્થ્ય યુગોથી અદ્ભુત છે ને રહેશે. અગાઉનાં અશ્ર્લીલ હોળી ગીતો કે ફટાણાં વખતે પણ સમાજ સારો ચાલતો ને આજેય ચાલે છે. આપણું કલ્ચર દર 10 વર્ષે મૃત્યુ પામે છે અને દર 11મે વર્ષે ફરી જીવંત થઈ જાય છે.
મુદ્દો એ છે કે શું દરેક વાત હાસ્યનો વિષય બની શકે? શું મૃત્યુ, બીમારી, ધર્મ, રાજકારણ કે વ્યક્તિગત દુ:ખ પણ જોક બની શકે? પશ્ચિમમાં વર્ષોથી એમ મનાય છે કે હાસ્યની કોઈ સીમા ન હોવી જોઈએ. જ્યોર્જ કાર્લિન ગાળો બોલતા હતા, પણ લોકો તેમને ગાળો માટે નહીં, વિચાર માટે યાદ રાખે છે. આજે ઘણીવાર એવું લાગે છે કે આપણાં કલાકારો પાસે વિચાર ઓછા અને ગાળો વધારે છે. કોઇએ સરસ કહ્યું છે: જો તમારે બુદ્ધિશાળી માણસને હસાવવો હોય તો અવલોકન જોઈએ. જો તમારે વાયરલ થવું હોય તો વિવાદ પૂરતો છે.
ભારતીય સમાજ પણ થોડો વિચિત્ર રીતે મરજાદી ને દંભી પણ છે. ફિલ્મમાં 50 લોકોની હત્યા જોઈ શકે છે. વેબ સિરીઝમાં ડ્રગ્સ, હિંસા અને લોહી જોઈ શકે છે, પરંતુ કોઈ ડબલ મીનિંગ જોક સાંભળે તો અચાનક સંસ્કૃતિને તાવ આવી જાય છે, પરંતુ સામે પક્ષે કેટલાક સ્ટેન્ડ-અપ શો જોતા એવું પણ લાગે છે કે જોક હજુ આવ્યો નથી એટલે ત્યાં સુધી ગાળો ચાલુ રાખો? એટલે બંને પક્ષ થોડા સાચા અને થોડા ખોટા છે.
દરેક જોક પર કેસ થવો જોઈએ એવી વાત પણ ખોટી છે. પ્રોબ્લેમ ઘણીવાર ગાળમાં નથી હોતી. પ્રોબ્લેમ કોમેડી લખનારાની અક્કલ કે આળસમાં હોય છે. સારો જોક લખવો મુશ્કેલ છે. ગાળો બોલવી આસાન છે. ચાર્લી ચેપ્લિન આજે પણ જીવંત છે, કારણ કે તેણે માનવ સ્વભાવને સમજ્યો હતો. માત્ર લોકોની મજાક ઉડાવી નહોતી.
-તો આનો ઉકેલ શું? સેન્સરશિપ કે સજા? ના. ખરાબ કે ભદ્દા જોકને કાયદાથી હરાવી કે હટાવી શકાય નહીં. કલાકાર જો અભદ્ર બોલે છે તો લોકો અભદ્ર સાંભળીને હસે પણ છેને? માણે પણ છે ને? તો કલાકાર સાથે લોકોને એરેસ્ટ કરવાની કોઇ માગ કરે છે?
અગાઉ કલાકારોને સેન્સર બોર્ડનો ખોફ હતો. આજે કલાકારનો ડર સ્ક્રીનશોટ છે. એક ખોટું વાક્ય, એક બેદરકાર જોક અથવા એક સસ્તો વિવાદ અને ખતમ. સમાજ, સરકાર ને સોશ્યલ મીડિયાવાળાં બધાં કલાકાર પર તૂટી પડશે. આમાં સૌથી મોટી કોમેડી એ છે જે કોમેડીને બેન કરવા આપણે દોડીએ છીએ, તેને જ આપણે વધુ લોકપ્રિય બનાવી દઈએ છીએ. સવારે ગુસ્સે થઈએ, બપોરે ટ્વીટ કરીએ, સાંજે ટીકા કરીએ અને રાત્રે તેની ક્લિપને વધુ એક કરોડ વ્યૂઝ આપી દઈએ. ભારતમાં સ્ટેન્ડ-અપ કોમેડિયનો કે નટખટ પોડકાસ્ટરો આજે ટીનએજ અવસ્થામાં છે. થોડા બેફામ અને થોડા મોડર્ન.
ચલો, સમય જ કહેશે કે એ માત્ર વિવાદો જ ઊભા કરશે કે એવું હાસ્ય આપશે જે 50 વર્ષ પછી પણ યાદ રહે.