સિદ્ધાર્થ છાયા
‘રો લે પુષ્પા! નાઉ આઈ લવ ટિયર્સ’
શક્તિ સામંતાની અમર થઈ ગયેલી ‘અમર પ્રેમ’નો આ અમર ડાયલોગ હવે કદાચ બદલવાનો સમય આવી ગયો છે. એક બાયોપિક બનવા જઈ રહી છે અને આ બાયોપિકનો વિષય છે પંચમ ઉર્ફે આર.ડી. બર્મન. આ ફિલ્મમાં પંચમની ભૂમિકા ફરહાન અખ્તર ભજવશે. (રડવું આવ્યું ને પુષ્પા?) ઔર અભી તો રુકો! ફિલ્મમાં આર.ડી. અને રાજેશ ખન્નાના અનોખા સંબંધની પણ ચર્ચા કરવામાં આવશે. એનો તો ચલો વાંધો નથી, પરંતુ આ માટે રાજેશ ખન્નાના રોલમાં અક્ષય કુમારની પસંદગી થઈ છે.
બસ, આ જ કારણ છે કે પુષ્પા હવે કદાચ ધ્રુસકેને ધ્રુસકે રડી પડશે! બાયોપિક્સમાં જે મુખ્ય કલાકારો કે ઇવન સાથી કલાકારો હોય, એમનાં ચહેરા બને તેટલા મળતા હોય એ જરૂરી છે. એ શક્ય છે કે પ્રોસ્થેટિક દ્વારા કદાચ ફરહાનને પંચમ જેવો દેખાડશે, પણ શું આર.ડી. બર્મનના ચાહકોને એ ચહેરો ગળે ઊતરશે? પણ મૂળ વાત છે અક્ષય કુમાર એઝ અ રાજેશ ખન્ના. ક્યાંનો છેડો ક્યાં અડશે? એક તો બંનેના અવાજમાં ખાસ્સો ફેર છે. અક્ષય કોઈ રીતે રાજેશ ખન્ના જેવો નથી લાગતો. એવું નથી લાગતું કે આ રોલ માટે અક્ષય અને રાજેશ ખન્નાના રિયલ લાઇફ સંબંધોને કામે લગાડાયા છે?
રાજેશ ‘કાકા’ ખન્નાની એક્ટિંગની એક આગવી સ્ટાઈલ હતી, ખાસ કરીને એમની આંખો નચાવવાની અને બે હાથ આડા કરીને ડાન્સ કરવાની. વિચારો, આવું કરતા અક્ષય કેવો લાગશે? જે હોય તે, પણ જો આ કાસ્ટિંગ થશે તો અક્ષય કુમાર બોલિવૂડનો પહેલો ‘નેપો જમાઈ’ જરૂર બનશે, શું કો છો?
‘આવારાપન’ માટે સ્ક્રીનના ‘બટવારા’
ઘણાં સમય પહેલાં સલમાન ખાને એક આઈડિયા આપ્યો હતો. આપણે દેશભરમાં સ્ક્રીન્સની સંખ્યા વધારવાની જરૂર છે. કારણ એ છે કે જ્યારે પણ એકથી વધુ ફિલ્મ એક જ દિવસે રિલીઝ થાય ત્યારે કોને વધુ સ્ક્રીન મળે તેની લડાઈ છેલ્લી ઘડી સુધી ચાલતી હોય છે, પણ ભાઈજાન એક વાત ભૂલી ગયા કે અહીં ‘survival of the fittesની વાત હોય છે. એટલે 4000 સ્ક્રીનની જગ્યાએ 8000 સ્ક્રીન્સ પણ થશે તો પણ બળિયો પ્રોડ્યુસર કે ડિસ્ટ્રીબ્યુટર જ વધુ સ્ક્રીન લઈ જશે.
આ વાત એટલા માટે યાદ આવી કે આજે જે બે ફિલ્મ રિલીઝ થઈ છે, ‘બટવારા’ અને ‘આવારાપન 2’, તેના પ્રોડ્યુસરો પણ થોડા દિવસો અગાઉ મહત્તમ સ્ક્રીન્સ લેવા માટે ઝઘડી પડ્યા હતા, પરંતુ જ્યારે આપણે ‘survival of the fittestની જ વાત કરવાની હોય તો ‘બટવારા’ એમાં બાજી મારી લે છે. એક તો મોટી ફિલ્મ, બીજું સની દેઓલ અને ત્રીજું આમિર ખાન પ્રોડક્શન્સ.
હવે આમાં વચ્ચે-વચ્ચે ફિલ્મો કરીને હાજરી પુરાવી જનારા ઇમરાન હાશમીની ફિલ્મનો ક્યાં ગજ વાગે? એમાંય મૂળ ‘આવારાપન’નાં વર્ષો પછી એની સિક્વલ આવી રહી છે એટલે ત્યાં પણ એનો કેસ નબળો પડ્યો. તેમ છતાં, શરૂઆતમાં બથ્થમબથ્થા આવી ગયા બાદ ‘બટવારા’એ મોટું મન રાખ્યું છે અને ‘આવારાપન 2’ અને પોતાની વચ્ચે સરખા પ્રમાણમાં સ્ક્રીન્સ વહેંચી નાખવા માટે સંમતિ દર્શાવી છે. કરોડો વખત કહેવાયું છે કે એક સાથે બે કે તેનાથી વધુ ફિલ્મો રિલીઝ કરવી કાયમ બધા માટે સારું નથી હોતું. પણ છેવટે તો 52 અઠવાડિયા જ છે એટલે આવું તો થવાનું એ પણ એટલું જ સત્ય છે!
ટાઈગર ‘બે પાંદડે’ થશે
હિન્દી ફિલ્મો પોતાનું બજેટ પણ રીકવર નથી કરી શકતી, તેની પાછળ એક મુખ્ય કારણ કલાકારો, જેને ‘સ્ટાર’ કહેવામાં આવે છે, તેમની મસમોટી ફી છે. એ ગ્રેડના કલાકારો તો એક આખી ફિલ્મ બની જાય એટલી ફી વસૂલતા હોય છે, પરંતુ ફિલ્મનું પરિણામ શું આવશે? ધબાય નમ:! ખરેખર તો કલાકારોની છેલ્લી ફિલ્મના પરફોર્મન્સ પર તેમની આગલી ફિલ્મની ફી નક્કી થવી જોઈએ, પરંતુ બોલિવૂડમાં PR એટલી હદ સુધી ઘૂસી ગયું છે કે પરફોર્મન્સ કરતાં PR વાળા સ્ટાર્સની ફી નક્કી કરે છે.
તાજું ઉદાહરણ છે ટાઈગર શ્રોફ. ટાઈગરે કોવિડ પછી પોતાની ફી સિંગલ ડિજિટ (એટલે કે એકથી નવ કરોડ) કરી નાખી હતી, પણ હવે તેની રેમો ડી’સુઝાના ડિરેક્શનમાં આવનારી ફિલ્મ માટે તેણે ફરીથી ડબલ ડિજિટ (એટલે કે દસ કરોડ કે તેનાથી વધુ) ફી લીધી છે. હવે જેકી પુત્રની છેલ્લી બે કે ત્રણ, અરે પાંચ ફિલ્મોનું બોક્સ ઑફિસ પરફોર્મન્સ જોઈ લો (અરે! તેની એક્ટિંગ પણ જોઈ લો), તો એવું ચોક્કસ લાગશે કે ટાઈગર આ નવા ફી માટે જરાય યોગ્ય નથી, પરંતુ એક વ્યવસ્થિત યોજના અનુસાર બોલિવૂડનાં સર્કલમાં અમુક મહિનાઓથી ટાઈગર વિષે એવી ‘બઝ’ ફેલાવવામાં આવી છે કે તેણે પ્રોડ્યુસર્સને મનાવી લીધા કે, બહુ થયું! ટાઈગરને હવે ‘બે પાંદડે’ કરવો જોઈએ, એટલે કે તેને ડબલ ડિજિટ ફી આપવી જોઈએ. ભલે ટાઈગર શ્રોફ અન્ય ‘સ્ટાર્સ’ કરતાં સસ્તો હોય, પણ તેમ છતાં તેની આટલી ફી પણ તેના વળતરને ધ્યાનમાં લઈને વધુ પડતી જ કહેવાશે.
કટ એન્ડ ઓકે...
એક રાષ્ટ્રીયકૃત બેંક પોતાના 16.61 કરોડ રૂપિયા વસૂલવા માટે આવનારી 9 સપ્ટેમ્બરે રાજપાલ યાદવની શાહજહાંપુર અને મુંબઈ ખાતેની કેટલીક પ્રોપર્ટીની હરાજી કરશે.