દિવ્યકાંત પંડ્યા
એક સમય હતો જ્યારે કોઈ ફિલ્મ સફળ થાય એટલે વાત ત્યાં પૂરી થઈ જતી હતી. ફિલ્મ રિલીઝ થતી, લોકો તેને પસંદ કરતા, બોક્સ ઓફિસ પર કમાણી થતી અને પછી તે યાદોમાં જીવતી રહેતી. જો ફિલ્મ ખૂબ જ ગમી હોય તો વર્ષો પછી ટીવી પર ફરી જોવાતી અથવા તેની ચર્ચા થતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે કોઈ ફિલ્મ સફળ થાય એટલે તરત જ સિક્વલની જાહેરાત થાય છે. સિક્વલ પૂરતી ન હોય તો સ્પિન-ઓફ આવે છે. સ્પિન-ઓફ પછી પ્રિક્વલ આવે છે અને હવે તો લગભગ દરેક મોટી ફિલ્મ સાથે એક નવો શબ્દ જોડાઈ ગયો છે એ છે ‘યુનિવર્સ.
છેલ્લાં થોડાં વર્ષોમાં આ ટ્રેન્ડ એટલો સામાન્ય થઈ ગયો છે કે હવે તે અપવાદ નહીં, પરંતુ નિયમ બની ગયો છે. ‘સ્ત્રી’ એક ફિલ્મ હતી. પછી ‘સ્ત્રી 2’ આવી. હવે તે એક મોટા હોરર-કોમેડી યુનિવર્સનો ભાગ બની ગઈ છે. ‘યશરાજ ફિલ્મ્સે’ પોતાનું સ્પાય યુનિવર્સ ઊભું કર્યું છે, જેમાં ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘વોર’, ‘પઠાણ’ અને હવે ‘આલ્ફા’ જેવી ફિલ્મ્સ સામેલ છે. રોહિત શેટ્ટીનું કોપ યુનિવર્સ ‘સિંઘમ’, ‘સિમ્બા’, ‘સૂર્યવંશી’ અને ‘સિંઘમ અગેન’ સુધી પહોંચી ગયું છે.
પ્રશ્ન એ છે કે આખરે દરેક ફિલ્મને યુનિવર્સ બનાવવાની જરૂર શા માટે પડી? તેનો સૌથી સીધો જવાબ છે: ડર...
ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશાં જોખમમાં જીવે છે. હવે આજના સમયમાં જોખમ વધુ વધી ગયું છે. ફિલ્મ્સના બજેટ વધી ગયા છે.
માર્કેટિંગ ખર્ચ આસમાને પહોંચ્યો છે. ઓટીટી, યુટ્યૂબ, સોશ્યલ મીડિયા અને ગેમિંગ જેવી અનેક સ્પર્ધાઓ વચ્ચે દર્શકોનું ધ્યાન ખેંચવું મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં નવા અને સંપૂર્ણપણે ઓરિજિનલ વિચારો પર પૈસા લગાવવા ઘણા નિર્માતાઓને જોખમી લાગે છે. તેના મુકાબલે ઓળખાયેલી બ્રાન્ડ વધુ સુરક્ષિત લાગે છે. જો કોઈ પાત્ર અથવા ફિલ્મ પહેલેથી જ લોકપ્રિય હોય તો તેના પર આગળનું રોકાણ કરવું સરળ લાગે છે.
આ વિચાર હોલિવૂડમાંથી આવ્યો છે. 2008માં ‘આયર્ન મેન’ સાથે શરૂ થયેલું માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ધીમે ધીમે દુનિયાના સૌથી સફળ ફિલ્મ મોડેલમાં ફેરવાઈ ગયું. ‘એવેન્જર્સ’ જેવી ફિલ્મ્સે સાબિત કર્યું કે જો અલગ અલગ પાત્રોને એક જ દુનિયામાં ગોઠવવામાં આવે તો દર્શકો વારંવાર થિયેટર સુધી આવી શકે છે.
હોલિવૂડના લગભગ બધા સ્ટુડિયોએ પછી આ મોડેલને અનુસરવાનો પ્રયાસ કર્યો. કેટલાક સફળ રહ્યા, ઘણા નિષ્ફળ ગયા. પરંતુ દુનિયાભરના ફિલ્મમેકર્સ એ વાત શીખી લીધી કે યુનિવર્સ વેચાય છે, પરંતુ કદાચ અહીં એક ગેરસમજ થઈ. માર્વેલની સફળતાનું કારણ માત્ર યુનિવર્સ નહોતું. ‘આયર્ન મેન’, ‘બ્લેક પેન્થર’, ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી’ અથવા ‘કેપ્ટન અમેરિકા: ધ વિન્ટર સોલ્જર’ જેવી ફિલ્મ્સ પહેલાં સારી ફિલ્મ્સ હતી અને પછી યુનિવર્સનો ભાગ હતી અને પહેલાંથી જ તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે ઘણીવાર એવું લાગે છે કે કેટલીક ફિલ્મ્સ સારી વાર્તા બનવા કરતાં ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે પાયો નાખવામાં વધુ રસ ધરાવે છે. ફિલ્મ પૂરી થાય એ પહેલાં જ દર્શકોને આગળની ફિલ્મનું ટીઝર બતાવી દેવામાં આવે છે. અથવા ફિલ્મ હિટ જાય પછી યુનિવર્સ વિશે વિચારે છે અને પછી સરખી રીતે આખા યુનિવર્સને કનેક્ટ કરવામાં નિષ્ફ્ળ જાય છે.
આ વલણના કારણે ફિલ્મ જોવાનો અનુભવ પણ બદલાઈ ગયો છે. પહેલાં દર્શક એક સંપૂર્ણ વાર્તા જોવા જતા હતા. હવે ઘણીવાર એવું લાગે છે કે તે એક બિઝનેસ પ્લાનનો પહેલો હપ્તો જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. શું ભારતીય સિનેમાએ પોતાની સૌથી મોટી તાકાત પરનો વિશ્વાસ ગુમાવી દીધો છે? ‘શોલે’ને કોઈએ યુનિવર્સ તરીકે ડિઝાઇન કરી નહોતી. ‘લગાન’ પછી કોઈએ સિક્વલની રાહ જોઈ નહોતી. ‘દિલ ચાહતા હૈ’, ‘તારે જમીન પર’, ‘3 ઇડિયટ્સ’, ‘કહાની’, ‘ક્વીન’, ‘અંધાધૂન’ કે ‘આર્ટિકલ 15’ જેવી ફિલ્મ્સ લોકોના દિલમાં તેમના પાત્રો અને વાર્તાઓના કારણે રહી છે, કોઈ ફ્રેન્ચાઇઝ પ્લાનના કારણે નહીં.
તાજેતરનાં વર્ષોમાં પણ આવાં ઉદાહરણોની કમી નથી. ‘12વિં ફેઇલ’ને યુનિવર્સની જરૂર નહોતી. ‘લાપતા લેડીઝ’ને સ્પિન-ઓફની જરૂર નહોતી. ‘સીતા રામમ’ કોઈ મોટા ફ્રેન્ચાઇઝ પ્લાનનો ભાગ નહોતી. આ ફિલ્મ્સ ચાલી કારણ કે તેમાં સારી અને ઓરિજિનલ વાર્તા હતી, વિશ્વાસપાત્ર પાત્રો હતાં અને મેકિંગ સારું હતું.
ખાસ વાત એ છે કે ઘણી વખત મેકર્સ જે ફિલ્મ્સને મોટી આશા સાથે યુનિવર્સમાં ફેરવવા માગે છે, તેના કરતાં સંપૂર્ણ નવી ફિલ્મ્સ વધુ પ્રભાવ પાડે છે. તેમ છતાં યુનિવર્સનો ટ્રેન્ડ અટકતો નથી બિઝનેસ દૃષ્ટિકોણના કારણે. પરંતુ સિનેમા માત્ર બિઝનેસ નથી. તે સર્જનાત્મક માધ્યમ પણ છે અને સર્જનાત્મકતા ઘણીવાર જોખમ લેવાની તૈયારીમાંથી જન્મે છે. જો દરેક ફિલ્મ એક જ દિશામાં દોડવા લાગે તો વિવિધતા ખોવાઈ જાય છે. દરેક સ્ટુડિયો જો પોતાનો માર્વેલ બનાવવા નીકળે તો નવા વિચારો માટે જગ્યા ઓછી થવા લાગે છે.
મનોરંજન દેવની કૃપાથી વિશ્વભરમાં હવે ફ્રેન્ચાઇઝ ફટિગના સંકેતો પણ દેખાવા લાગ્યા છે. મોટી બ્રાન્ડ્સ ધરાવતી ફિલ્મ્સ પણ નિષ્ફળ ગઈ છે. દર્શકો હવે પૂછે છે કે ફિલ્મ સારી છે કે નહીં. જો વાર્તા નબળી હોય તો સૌથી મોટું યુનિવર્સ પણ કામ નથી આવતું!
લાસ્ટ શોટ
હવે ઘણીવાર પ્રશ્ન એવો પુછાતો નથી કે ‘આપણે કઈ વાર્તા કહેવી છે?’ તેના બદલે પ્રશ્ન એવો હોય છે કે ‘શું આમાંથી ફ્રેન્ચાઇઝ બનાવી શકાય?’