સંજય છેલ
‘મને કોઈ દેશનાં ગીતો રચવા દો, પછી ભલે એ દેશના કાયદા કોઈ પણ બનાવે.’
-એન્ડ્રુ ફ્લેચર
‘દેશની માટી માત્ર માટી નથી હોતી, પણ તેમાં પેઢીઓના શ્વાસ અને સંઘર્ષ ભળેલા હોય છે.’
- પાબ્લો નેરુદા
કાલે 15મી ઓગસ્ટ આવશે એટલે માત્ર કેલેન્ડરની તારીખ જ નહીં બદલાય, પણ આખા દેશમાં સૌના દિલનાં કોઇ ખૂણે સદીઓ જૂની રાખ નીચે દબાયેલા આઝાદીના અંગારા ફરી સળગી ઊઠશે.
ટી.વી., રેડિયો કે લાઉડસ્પીકરમાંથી દેશપ્રેમનાં ગીત-સંગીત સંભળાય, ત્યારે આધુનિક ગગનચુંબી ઇમારતો અને કાચની ઓફિસો ઓગળી જાય છે ને સમય કોઈ અજબ ખેંચાણથી ઝૂમી ઊઠે છે.
આપણી આઝાદી અને તેના સંગીતની સફર પણ માત્ર કાગળ પર લખાયેલા શબ્દો નથી, પણ એવાં અમર ગીતો છે, જેણે ગુલામીની રાત્રિને સંગીતના ઉજાસથી ભરી દીધી છે.
વિશ્વ સાહિત્ય અને સિનેમામાં ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ પ્રજા પર અસ્તિત્વનું સંકટ આવ્યું છે ત્યારે કવિઓ ને સંગીતકારોએ બંદૂકો જેટલાં જ ધારદાર શબ્દો ને ધૂનો વહાવી છે.
દેશપ્રેમનાં ગીતોની સફરનો પાયો 1875માં નંખાયો જ્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘વંદે માતરમ’ની રચના કરી. જોકે ત્યારે કેટલાક અખબારો અને બૌદ્ધિકોએ કટાક્ષ કર્યો હતો કે આ સંસ્કૃતપ્રચુર અને ભારેખમ ગીત જનમાનસની પહોંચ બહાર છે. બંકિમબાબુએ નિરાશા વ્યક્ત કરવાને બદલે આશાવાદી અંદાજમાં કહેલું કે આજે ભલે ભાષા અટપટી લાગે, પણ ઇતિહાસ જ્યારે કરવટ બદલશે.
ત્યારે આ જ શબ્દો કરોડો-લાખો લોકોનો ધબકાર બની જશે. પછી 1905ના બંગભંગ વખતે એ વાત ખરી પડી. લોર્ડ કર્ઝનની ગોરી સરકારે બંગાળના ભાગલા પાડ્યા ને સશસ્ત્ર અંગ્રેજ પોલીસ રસ્તા પર ઉતરી, ત્યારે યુવાનોની છાતી પર લાઠીઓ વરસતી હતી ને હોઠ પર માત્ર એક જ મંત્ર હતો:
‘વંદે માતરમ્!’. બ્રિટિશ રાજની ક્રૂર લોકશાહી સામે એક જ મંત્ર!
આવી જ ક્રાંતિની આગ વચ્ચે જ્યારે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકઉલ્લા ખાન જેલની ગૂંગળામણ ભરેલી કોટડીઓમાં ‘સરફરોશી કી તમન્ના આજ અપને દિલ મેં હૈ, દેખના હૈ ઝોર કિતના બાઝુ-એ-કાતિલ મેં હૈં!’ ગણગણતા, ત્યારે તે માત્ર કવિતા નહોતી; એક પ્રતિજ્ઞા હતી. જ્યારે સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિંદ ફોજ’ના સૈનિકો સિંગાપોર ને બર્માના જંગલોમાં કૂચ કરતા ત્યારે રામસિંઘ ઠાકુરનું સંગીતબદ્ધ કરેલું ‘કદમ કદમ બઢાએ જા’ એ આંતરરાષ્ટ્રીય ક્રાંતિગીતો જેવું અદ્ભુત રણગીત બની ગયું હતું.
આઝાદીની સવાર પડ્યા પછી જ્યારે વિભાજનના ઘા અને ગરીબીના ભાર વચ્ચે નવો દેશ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે ભારતીય સિનેમાએ ઇટાલિયન સિનેમાની જેમ વાસ્તવિકતાને રૂપેરી પડદે ઉતારવાનું શરૂ કર્યું. 1954માં કવિ પ્રદીપે ફિલ્મ ‘જાગૃતિ’ માટે લખ્યું: ‘આઓ બચ્ચોં તુમ્હેં દિખાએં ઝાંકી હિન્દુસ્તાન કી, ઇસ ધરતી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી’, જેણે આવનારી પેઢીને એક નવું જોમ આપ્યું અને આજે પણ જૂનું નથી પડ્યું.
જોકે 1962ના ચીન સામેના યુદ્ધે ભારતીય મનસૂબા ને હિંમતને હચમચાવી દીધી હતી. એ અંધકારામય સમયમાં કવિ પ્રદીપના અંતરમાંથી સરી પડેલું ગીત: ‘એ મેરે વતન કે લોગોં, ઝરા આંખમેં ભર લો પાની’ નોન ફિલ્મી ગીત પણ કોઇ ફિલ્મી ગીતની જેમ શહીદોનાં શોકગીત જેવું પવિત્ર અને યાદગાર બની ગયું.
27 જાન્યુઆરી 1963ના રોજ એક સ્ટેડિયમમાં જ્યારે લતા મંગેશકરે સી. રામચંદ્રના નિર્દેશનમાં આ ગીત ગાયું, ત્યારે સ્ટેજ પર વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, કોઇ મૂર્તિની જેમ સ્તબ્ધ થઈને રડતા હતા. ગીત પૂરું થતાં નહેરુજીની આંખોમાંથી વહેતા અસહ્ય અશ્રુઓએ ઇતિહાસના પૃષ્ઠો પર એક અમીટ છાપ છોડી દીધી. કાર્યક્રમ પછી નહેરુજીએ લતાજીને પોતાના રૂમાલથી આંખો લૂછતા બોલાવ્યા ને ગદગદ કંઠે કહ્યું: ‘બેટી, આજના દિવસે તું આખી સંસદ, સરકાર અને દેશને રડાવી ગઈ.’ ત્યારે સિનેમા અને રાજનીતિ વચ્ચેનો ભેદ ઓગળી ગયો હતો. અને એ પછી નહેરુજીએ કવિ પ્રદીપજીનું પણ ખાસ સન્માન કરેલું.
ભારતીય સિનેમામાં અનેક વિઝનરી-દૂરંદેશી ફિલ્મમેકર્સ આવ્યા જેમણે આપણી માટીની સુવાસને પ્રાથમિકતા આપી. રાજ કપૂરે અને કવિ શૈલેન્દ્રએ: ‘હમ ઉસ દેશ કે વાસી હૈ, જિસ દેસ મેં ગંગા બહતી હૈ’ જેવું માસૂમ ગીત આપ્યું. તો ચેતન આનંદ જ્યારે લદાખના હાડ થીજવતા, શૂન્ય નીચેના તાપમાનમાં ‘હકીકત’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ત્યાં સરહદ પર તૈનાત અસલી જવાનોએ તેમને કહ્યું હતું કે ‘સાહેબ, વાર્તાઓની અગ્નિપરીક્ષાઓ તો માત્ર કાગળ પર હોય છે,
અમારી રોજિંદી જિંદગી જ એક એવી ટ્રેજેડી છે જ્યાં અમે મુંબઈના થિયેટરો ચાલુ રહે તે માટે અહીં બરફમાં જામી જઈએ છીએ.’ સૈનિકોની આ વાતથી ધ્રૂજી ઉઠેલા ચેતન આનંદે તરત જ કેફી આઝમીને ફોન કરીને કહ્યું કે ‘સિનેમાના ઇતિહાસમાં કદી ન ભુલાય તેવું કાવ્ય રચો.’ પરિણામે ‘કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથિયો, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’.
વેલ, આજે જેને વારેવારે નેતાઓ, ટીવી એંકરો ને સરકારભક્તો ગાળો આપે છે એવા કોમ્યુનિસ્ટ હતા, ગીતકાર કૈફી આઝમીજી!
એ પછી ‘ભારત કુમાર’ તરીકે ઓળખાયેલા મનોજ કુમારે ભારતીય સિનેમાને જે દેશપ્રમનો ડબલ- ડોઝ આપ્યો, જે અદ્વિતીય છે. લાલબહાદુર શાસ્ત્રીના ‘જય જવાન, જય કિસાન’ના આહ્વાનથી પ્રેરિત થઈને મનોજ કુમારે દિલ્હીથી મુંબઈ આવતી ફ્રન્ટિયર મેલની મુસાફરી દરમિયાન જ વાર્તા વિચારી લીધી. એ ‘ઉપકાર’ ફિલ્મનું અમર ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી.’
આપણી નસોમાં જોશ ભરી દે છે.. વિદેશી સાહિત્યમાં જે રીતે હોમસિકનેસ કે દેશનિકાલની વેદના વર્ણવાય છે, તેનાથી વિપરીત મનોજ કુમારે પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક સંઘર્ષને ‘પૂરબ ઔર પશ્ર્ચિમ’માં ‘હૈ પ્રીત જહાં કી રીત સદા’ દ્વારા એવી સચોટતાથી મૂક્યું કે વિદેશી ઓડિયન્સ પણ ભારતીય સંગીતના ઢોલક પર થિરકવા મજબૂર થઈ ગયું.
એ પછી 1997ના વર્ષે આઝાદીના પચાસ વર્ષના ઉત્સવ સાથે એ.આર. રહેમાને ‘મા તુઝે સલામ....વંદે માતરમ્’ બનાવીને હલચલ મચાવી દીધી. જેમાં રહેમાને રોક, જાઝ અને ઇલેક્ટ્રોનિક્સનું ફ્યુઝન આપ્યું, તેણે દેશભક્તિમાં નવો શ્વાસ ફૂંક્યો.
એ જ વર્ષે જે.પી. દત્તાની ‘બોર્ડર’નું જાવેદ અખ્તરની કલમે લિખીત ‘સંદેસે આતે હૈં’ રિલીઝ થયું, જેણે આપણાં સૈનિકોની વેદનાને એવા સ્તરે પહોંચાડી દીધી કે લાખો આંખો રડી પડી. એવી જ રીતે શાહરુખની ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’ ફિલ્મનું ટાઇટલ સોંગ કે ‘વીર-ઝારા’ ફિલ્મનું ‘યે જો દેશ હૈ તેરા’ કે ‘દસ’ ફિલ્મનું ‘સુનો ગૌર સે દુનિયાવાલો....સબ સે આગે હોંગે હિન્દુસ્તાની’ આવા અનેક ગીતોની યાદી બનાવશું તો આવતા વરસની 15મી ઓગસ્ટ આવી જશે.
જયહિંદ.