Thu Jun 18 2026

Logo

ફેડરલ રિઝર્વનાં તંગ નાણાનીતિના સંકેતે વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 7497નો કડાકો, સોનું રૂ. 2055 તૂટ્યું

2026-06-18 20:20:38
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે વ્યાજદર યથાવત્‌‍ રાખવાની સાથે વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરવાનો સંકેત આપ્યો હોવાથી આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 7497નો કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2047થી 2055 ઘટી આવ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતા વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 7497ના કડાકા સાથે રૂ. 2,40,191ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો,જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2047 ઘટીને રૂ. 1,47,500 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2055 ઘટીને રૂ. 1,48,093ના મથાળે રહ્યા હતા. 

અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસની બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્‌‍ રાખ્યા હતા, પરંતુ આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવશે એમ જણાવી તંગ નાણાનીતિના સંકેત આપ્યા હોવાથી ન્યૂ યોર્ક ખાતે ગઈકાલે સોનાના ભાવમાં 1.7 ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધુ 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 4245.99 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 2.6 ટકા ઘટીને 4265.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 67.29 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

ફેડરલ રિઝર્વના તંગ નાણાનીતિના સંકેતને ધ્યાનમાં લેતાં વર્ષ 2026ના અંત સુધીમાં સોનાના ભાવ આૈંસદીઠ 5000 ડૉલરની સપાટી અંકે કરવાને બદલે હવે ઘટીને 4000 ડૉલર આસપાસની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરતાં બાયબીટનાં વિશ્લેષક હૅન તાને જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ પણ તેનાં કોમ્યુનિકેશનનાં સેટિંગ્સની સમીક્ષા કરી રહ્યું હોવાથી અમેરિકાના આર્થિક ડેટા જાહેરાતોની પણ સોનાના ભાવ પર અસર પડી શકે છે.

વધુમાં એએનઝેડે એક નોટ્સમાં જણાવ્યું હતું કે હાલ સોનામાં ખાસ કરીને એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડોની નબળી માગને કારણે એકંદરે માગ મર્યાદિત છે, પરંતુ તેની સામે ચીનની હાજર માગ અને કેન્દ્રવર્તી બૅન્કોની માગનો ટેકો મળી રહ્યો છે. એકંદરે અમેરિકી ફેડરલ રિઝર્વનાં સંકેત પશ્ચાત્‌‍ આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી ડિસેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી 88 શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હતા.