Sun Sep 13 2026

Logo

ગુજરાતમાં શાળાઓ શરૂ થયાના 10 દિવસ પછી પણ પાઠ્યપુસ્તકોની ભારે અછત: કોંગ્રેસના સરકાર પર પ્રહારો

2026-06-18 22:05:07
Author: Devayat Khatana
ગુજરાતમાં શાળાઓ શરૂ થયાના 10 દિવસ પછી પણ પાઠ્યપુસ્તકોની ભારે અછત: કોંગ્રેસના સરકાર પર પ્રહારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસે રાજ્યભરના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળતા પાઠ્યપુસ્તકોની વહેંચણીમાં થઈ રહેલા ભારે વિલંબ અંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોઓર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર એક તરફ સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક લોન્ચ કરીને નવી શિક્ષણ નીતિ અને અભ્યાસક્રમ સુધારણાની મોટી-મોટી વાતો કરી રહી હતી, પરંતુ હકીકત એ છે કે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પાસે હજુ ભણવા માટે પાઠ્યપુસ્તકો જ ઉપલબ્ધ નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો જ ન હોય, ત્યારે આવા ફ્રેમવર્કનો સાચો અર્થ શું રહે છે?

કોંગ્રેસ નેતાએ વર્ષ 2026ના વર્તમાન આંકડાઓ ટાંકીને આક્ષેપ કર્યો હતો કે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કની જાહેરાત 2023માં જ થઈ ગઈ હોવા છતાં સરકાર પાસે નવો અભ્યાસક્રમ અને પુસ્તકો તૈયાર કરવાનો પૂરતો સમય હતો. તેમ છતાં ગત 6 જૂનથી શાળાઓ શરૂ થયાને 10 કરતાં વધુ દિવસો વીતી ગયા હોવા છતાં, ખાસ કરીને ધોરણ 9 અને 11ના અનેક વિદ્યાર્થીઓને હજી સુધી મફત પાઠ્યપુસ્તકો મળ્યા નથી. 16 જૂન, 2026 સુધીના ડેટા અનુસાર, રાજ્યના કુલ 208 વિતરણ રૂટમાંથી માત્ર 15 રૂટ પર જ પુસ્તકો મોકલવામાં આવ્યા છે, જ્યારે 193 રૂટ હજુ પણ બાકી છે. આ ઉપરાંત ગુજરાતભરના 400થી વધુ વિતરણ કેન્દ્રો પર પુસ્તકો અનુપલબ્ધ છે, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ રહ્યો છે અને શિક્ષકો માટે સમયસર સિલેબસ પૂરો કરવાનું મુશ્કેલ બન્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સૂત્રોને ટાંકીને કોંગ્રેસે દાવો કર્યો હતો કે કેટલાંક વિનામૂલ્યે અપાતા પુસ્તકોનું પ્રિન્ટિંગ પણ હજુ સુધી પૂરું થયું નથી. આ ગંભીર પરિસ્થિતિને જોતાં કોંગ્રેસે માંગ કરી હતી કે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળ આ વિલંબ પાછળના કારણો સ્પષ્ટ કરે અને માત્ર 15 રૂટ પર જ કેમ વિતરણ થયું તેની સ્પષ્ટતા કરે. કોંગ્રેસે  સરકારને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને યુદ્ધના ધોરણે બાકીના પુસ્તકોનું વિતરણ પૂરું કરવા તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા આ અન્યાય અંગે પારદર્શક તપાસ કરાવીને જવાબદારો સામે કડક પગલાં ભરવા વિનંતી કરી હતી.