Fri Jun 19 2026

Logo

કવર સ્ટોરીઃ આમિરને જ્યોતિષ ફળશે કે જોનારા?

2026-06-19 08:55:00
Author: Hema Shastri
Article Image

હેમા શાસ્ત્રી

15 જૂન, 2001માં એટલે કે બરાબર 25 વર્ષ પહેલા બે અગ્રણી હિન્દી ફિલ્મ એક જ દિવસે રિલીઝ થઈ હતી. એક હતી આમિર ખાન પ્રોડક્શન્સની પહેલી ફિલ્મ ‘લગાન’ અને બીજી હતી અનિલ શર્મા દિગ્દર્શિત ‘ગદર: એક પ્રેમ કથા’. ભારતીય ચિત્રપટ ઈતિહાસની આ અનોખી અને આકર્ષક ટક્કર ગણવામાં આવી હતી. કોણ કોને પછાડશે એ માટે પોતાની સમજણ કે પછી છાવણી અનુસાર અભિપ્રાય વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા. કેટલાક લોકો એમ માનતા હતા કે આમિર બાજી મારી જશે તો સની દેઓલની આક્રમકતા સામે ભલભલા એક્ટર પાણી ભરે એવું કહેનારા સુધ્ધાં હતા. જોકે, અંતે તો પ્રેક્ષક માઈ બાપ સામે બંને છાવણી સાચી પણ પડી અને ખોટી સુધ્ધાં પડી.

‘લગાન’ હિટ થશે એ અનુમાન સાચું પડ્યું, પણ ‘ગદર’ રગદોળાઈ જશે એ ધારણા સાવ ખોટી પડી. અસ્સલ આ જ દલીલ ‘ગદર’ માટે પણ લાગુ પડી. બંને ફિલ્મને દર્શકોએ બહોળો આવકાર આપ્યો. ‘ફિલ્મ સારી હોય તો દર્શકો દોડ્યા દોડ્યા આવે’ એ જૂની અને જાણીતી વાતનું ફરી રટણ કરવામાં આવ્યું.

2026માં આમિર ખાન અને સની દેઓલની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. બેઉની ફિલ્મ અલગ અલગ નથી, પણ બંનેના સહિયારા પ્રયાસ તરીકે ‘બટવારા 1947’ નામની ફિલ્મ 14 ઓગસ્ટના દિવસે આવી રહી છે. આમિર ખાન ફિલ્મનો નિર્માતા છે અને સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. એવું કહેવાય છે કે ફિલ્મમાં એક્ટર આમિરની ઝલક જોવા મળશે. સંભવત: સની સાથેના કોઈ લાગણીભીના દૃશ્યમાં હશે, જે ફિલ્મનું એક આકર્ષણ સાબિત થઈ શકે.

‘લાલસિંહ ચઢ્ઢા’ (2022)ની ખતરનાક નિષ્ફળતા પછી ‘હવે હું એક્ટિંગ નહીં કરું, માત્ર ફિલ્મ નિર્માણ પર ધ્યાન આપીશ’ જેવી વાતો કરનારો આમિર ‘સિતારે ઝમીં પર’ની સફળતાથી ગેલમાં આવી ગયો છે. નિર્માતા તરીકે તેમજ અભિનેતા તરીકે આવકાર મળતા ચાર વર્ષ પહેલાના ઘાવ રૂઝાઈ ગયા લાગે છે. 

આ હરખમાં ઊભરો આવે એવી વાત એક જ્યોતિષે કરી છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જ્યોતિષ અને છેલ્લાં કેટલાંક વર્ષથી શરૂ થયેલું ન્યૂમરોલોજિસ્ટ માટેનું વળગણ જાણીતું છે. એક જ્યોતિષે આગાહી કરી છે કે ‘બટવારા 1947’ને બોક્સ ઓફિસ પર જ્વલંત સફળતા મળશે.’ જ્યોતિષના કહેવા અનુસાર આમિર-સનીની કુંડળી હાલ તેમનો શ્રેષ્ઠ સમય ચાલતો હોવાનું દર્શાવે છે. તેમના ગ્રહોની દશા સારી છે જેનો લાભ આ ફિલ્મને મળશે. આગામી બાર મહિના બંને કલાકાર માટે ખૂબ મહત્ત્વના સાબિત થઈ શકે છે. એક રસપ્રદ વાત એ પણ છે કે 25 વર્ષ પહેલા આમિર-સની એકબીજા સામે હરીફાઈમાં હતા. આ વખતે સહિયારો પ્રયાસ છે. આ કોમ્બિનેશન પાવરફુલ સાબિત થઈ શકે છે.

આમિર ખાનને જ્યોતિષમાં કેટલી શ્રદ્ધા છે - કેટલો વિશ્વાસ છે એની નથી ખબર. જોકે, એટલી ચોક્કસ ખબર છે કે ‘પ્રેક્ષકોને ગમ્યું એ સાચું, બાકી બધું ખોટું’ એ વાતથી આમિર સારી પેઠે પરિચિત છે.

ફિલ્મનું નામ અગાઉ ‘લાહોર 1947’ હતું જે હવે બદલીને ‘બટવારા 1947’ કરવામાં આવ્યું છે. આ નામફેર કોઈ એસ્ટ્રોલોજર કે ન્યૂમરોલોજીસ્ટના સૂચન કે સલાહથી નથી કરવામાં આવ્યું. આ બદલ પાછળ તાર્કિક કારણ છે. ટાઈટલમાં લાહોર શબ્દ વાત એ શહેર પૂરતી મર્યાદિત હોય એવી છાપ ઊભી કરે છે. જ્યારે ‘બટવારા’ વ્યાપક સ્વરૂપે વિભાજનની વાર્તા હોય એવું પ્રતીત થાય છે. ફિલ્મમાં કોઈ એક શહેરની કે એના રહેવાસીઓની પીડા પર ફોક્સ નથી કરવામાં આવ્યું. બલકે અહીં જનસમુદાયની પીડાની વાત છે.

કેટલાક વર્ષોથી ઈતિહાસના પુસ્તકોમાં સમાવેશ ન થયો હોય એવા ઈતિહાસને ખણખોદ કરી શોધી એના પર ફિલ્મ બનાવવાનો વાયરો ચાલી રહ્યો છે. ‘બટવારા 1947’ એવો જ એક પ્રયાસ છે. ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. અસગ઼ર વજાહત (પ્રખ્યાત નાટક ‘જિસને લાહોર નહીં દેખા, વો જન્મા હી નહીં’ના લેખક) સાથે સંતોષી ફિલ્મના સહ લેખક પણ છે. 

સનીને કેવા રોલમાં ઢાળવો અને એની પાસેથી શ્રેષ્ઠ કામ કેવી રીતે મેળવવું એ રાજકુમાર સંતોષી સારી પેઠે જાણે છે. હકીકતમાં સની - સંતોષી 30 વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. 1996માં ‘ઘાતક’ ફિલ્મમાં સની હીરો હતો અને દિગ્દર્શક સંતોષી હતા. એ પહેલા એક્ટર-દિગ્દર્શકની જોડીએ ‘ઘાયલ’ (1990) અને ‘દામિની’ (1993) જેવી સુપરહિટ ફિલ્મો પણ આપી હતી. એટલે આ જોડી પર મદાર રાખવામાં આવી રહ્યો છે. શું આ જોડી વધુ એક સફળતા અપાવશે?

ફિલ્મમાં કોઈ યંગ હીરોઈન નથી. સ્ત્રી કલાકારોમાં પ્રમુખ નામ શબાના આઝમી અને પ્રીતિ ઝિન્ટાના છે. ટૂંકમાં કોઈ ગ્લેમર નથી. ફિલ્મના ગીતકાર જાવેદ અખ્તર છે અને સંગીતકાર તરીકે એ. આર. રેહમાન હાજર છે. એકંદરે પ્રૌઢ ચિત્ર ઉપસે છે. આજની તારીખમાં થિયેટરમાં ફિલ્મો જોવા જતા યંગસ્ટર્સને ‘ધૂરંધર’ જેવી આક્રમક ફિલ્મો વધુ આકર્ષિત કરે છે એ વાતાવરણમાં ભાગલાની વાતોમાં રુચિ પડશે? અલબત્ત, કઈ વાત કેવી રીતે રજૂ કરવામાં આવી છે એના પર બધું નિર્ભર છે.