વિનિત શુકલ
ભારત સરકારની દિલ્હી સ્થિત ‘રાષ્ટ્રીય સંગીત, નાટક અકાદમી’ તરફથી 2025નાં ફેલોશિપ અને પુરસ્કારના નાટ્ય વિભાગમાં દિગ્દર્શક તરીકે કપિલદેવ શુક્લને પુરસ્કાર મળતો હોવાનું જાહેર થયું છે.
સુરતના કપિલ શુકલને પુરસ્કાર માનનીય રાષ્ટ્રપતિના હસ્તે ખાસ સમારંભમાં એનાયત થશે. નાટક વિભાગમાં જ એમની સાથે, વિવિધ ભાષાના અન્ય ચાર દિગ્દર્શક, ત્રણ અભિનેતા અને બે નાટ્યકર્મીને પણ પુરસ્કાર આપવામાં આવશે.
માનવીય ભાવના- સ્ત્રી-પુરુષના અન્ય સંબંધોથી લઈને સામાજિક-કૌટુંબિક સંઘર્ષ- ઘર્ષણ જેવા અનેકવિધ મુદ્દા ઉજાગર કરતાં નાટકોની સશક્ત રજૂઆત દ્વારા એમની વાત પ્રેક્ષકનાં હૃદયનાં ઊંડાણ સુધી પહોંચાડવામાં કપિલ દેવ માહેર છે.
કપિલભાઈએ એકાંકી અને પૂર્ણ કદનાં મળી 113 નાટક કર્યાં-કરાવ્યાં છે. એમાં 96નું દિગ્દર્શન કર્યું છે તથા 34નું લેખન-રૂપાંતર પણ કર્યું છે. સંગીત પણ કપિલભાઈનાં નાટકોનું આગવું પાસુ રહ્યું છે.
અભિનયમાં પરકાયા પ્રવેશના સિદ્ધાંતને ઊંધો વાળતા કપિલભાઈ માને છે કે અભિનેતાએ પાત્રની કાયામાં પ્રવેશવાનું નથી, એણે પોતાની કાયામાં પાત્રનો પ્રવેશ કરાવવાનો હોય છે.
કપિલ શુકલનાં અનેક નાટકોમાંથી દર્શકો અને સમીક્ષકો પણ સ્પર્શી ગયાં હોય એવાં કેટલાંક યાદગાર નામ યાદ કરીએ તો અષાઢી મૃગજળને કિનારે-તિરાડે ફૂટી કૂંપળ- આકાશ ઊગે છે ત્યારે- સુવ્વરની ઓલાદ- એના શ્વાસની હાથકડીઓમાં- રતનલાલની અમ્મા- હયવદન, થેંક્યુ મિસ્ટર ગ્લાડ- વૈશાખી કોયલ- ખેલંદો- પેરેલિસીસ તથા આખરની આત્મકથા, ઈત્યાદિ ગુજરાતી રંગભૂમિ પર એમનું યાદગાર પ્રદાન રહ્યું છે. આજે 75 વર્ષે પણ કપિલભાઈ રંગભૂમિ સાથે સક્રિય સંકળાયેલા છે અને એમને આ અગાઉ રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાનાં અનેક માન સન્માન-પારિતોષિક એનાયત થઈ ચૂક્યાં છે.
કેન્દ્રની સંગીત-નાટક અકાદમીનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અગાઉ પ્રવીણ જોષી, સરિતા જોષી, કૈલાસ પંડ્યા, ડો. મહેશ ચંપકલાલ અને ડો. જગદીશ ત્રિવેદીને એનાયત થઈ ચૂક્યો છે અને હવે કપિલ શુકલ પણ આ યશસ્વી યાદીમાં જોડાઈ રહ્યાં છે એનો સવિશેષ આનંદ ગુજરાતી રંગભૂમિના દરેક નાટ્યપ્રેમીઓને પણ છે. વિનિત શુકલ