અરવિંદ વેકરિયા
5 જૂનના લેખનાં અંતે મેં લખેલું કે સવારે અચાનક ચાર-સાડા ચાર વાગે મારી ઊંઘ ઊડી ગઈ, મેં સામેના પલંગ પર જોયું તો...
એ પછી 12/06નાં લેખમાં એ વાત સહેજે આગળ ચાલવી જોઈતી હતી, પણ ન જાણે કેમ હું એ ચૂકી ગયો, પણ કેટલાક ચકોર વાચકોએ એ તરફ મારું ધ્યાન દોર્યુ...થેંકસ, વાચકમિત્રો...આજે એ ચુકી ગયેલો પેલો ‘એપિસોડ’ અહીં આલેખું છું.
આ પ્રોડક્શન સાથે મને ફાવી ગયું હતું. દીનુમામા સાથે સારો મનમેળ પડી ગયો હતો. સંબંધ તો 1974થી ‘બહુરૂપી’ સંસ્થા સાથે ઘણાં વખતથી હતો. જે હવે ગાઢ બન્યો હતો. કલાકારોની ખોટી ‘હા’ માં ‘હા’ પાડી હું પાપમાં નહોતો પડવા માંગતો. મને આપેલી દીનુમામાને ધ્યાન રાખવાની જવાબદારી હું બરાબર નિભાવતો હતો. સંબંધની જવાબદારી એટલે સત્ય જાણવા છતાં શાંત રહેવું. શાંત રહેવું કે સત્ય કહી દેવું એ દ્વિધા ઊભી થઈ ગઈ.
મેં સામેના પલંગ પર જોયું તો મામા બેઠા-બેઠા ‘ચૂસકી’ લઈ રહ્યા હતા. મેં સફાળા ઊભા થઈ લાઈટ કરી તો મામા પોતાના ક્વાર્ટર સાથે ‘ઘૂંટ’ મારી રહ્યા હતા. મેં લાઈટ કરી તો એ થોડા ગભરાયા. મેં કહ્યું, ‘આ શું મારે ટ્રુથ સુરેશને કહેવું કે નહિ?’ મને કહે ‘નહીં દીકરા. આજે જ પીવાનો વારો આવ્યો છે. સવારે હેંગ ઓવરને કારણે માથું દુખતું હતું એટલે એ ઉતારવા થોડું પીધું.’ મને નવાઈ લાગી. મેં કહ્યું, કે ‘મામા, આ ગુજરાત છે. તમને ‘આ’ ક્યાંથી મળી જાય છે? મને કહે, ‘દીકરા, હવે મારે તો રોજ એક ક્વાર્ટર જોઈએ.
સવારે ફ્રેશ થઈ જા તો મારી સાથે આવજે, હું તને બતાવીશ. સુરેશને આ બાબત કઈ કહેતો નહિ. (એ પછી મેં સુરેશને કઈ કહ્યું નહોતું). મામાએ આ પહેલા આમ પણ ક્યારેય ‘હેંગ ઓવર’ ઉતારવા પીધું નહોતું. મેં એમને કહ્યું કે, ‘મામા, મને હક નથી તમને કહેવાનો છતાં કહું છું કે આ છોડી ન શકો?’ મામાએ મને હસતા હસતા કહ્યું, ‘જીવન થોડા સમય માટે મળ્યું છે તો રજિસ્ટ્રેશનમાં ક્યાં પડવું? ચલ. જલદી તૈયાર થઈ જા’.
મામાનો સ્વભાવ બહુ સારો. એ રોજ સવારે સલાડ તૈયાર કરાવી ‘આરામ’ હૉટેલમાં જાય... રાગીણીબહેન અને દીપકભાઈને મળવા. તે દિવસે મને પણ સાથે લઇ ગયા. સલાડ લઇ અમે આરામ હૉટેલ પહોંચ્યાં. અમે હોટેલ પર પહોંચતા સુરેશે હસતા હસતા જ મામાના ખબરઅંતર પૂછ્યા અને અમે છૂટા પડ્યા. ચાલતા-ચાલતા અમે શાહપુર હૉટેલ પાસે પહોંચ્યા. ત્યાં ખાટલા ઉપર દારુ વેચાતો હતો. ક્વાર્ટર-ફૂલબોટલ વગેરે... એ વખતે લતીફનું જોર બહુ હતું. એના કારોબારને કોઈ રોકી નહોતું શકતું.
મામા મને કહે, ‘જો આ ગુજરાત...હું મારો ક્વૉટા રોજ અહીંથી જ લઉં છું.’ અમે ક્વૉટા લઈ હૉટેલ પર આવી ગયા. શો અમદાવાદમાં ચાલુ જ હતા કે એક દિવસ શો બંધ રાખવો પડ્યો. દીપકભાઈ નાં માતુશ્રીનું દુ:ખદ અવસાન થયું હતું. દીપકભાઈ મુંબઈ ગયા પણ ‘શો મસ્ટ ગો ઓન’-બીજે દિવસે પાછા પણ આવી ગયા. નાટક માટેના આવા લગાવથી જ રંગભૂમિ ધબકતી હશે !
અમદાવાદના લાઈન-બંધ શો પછી અમે મુંબઈ આવી પહોંચ્યા. આવ્યા બાદ એક શો બિરલા માતુશ્રી થિયેટરમાં સોલ્ડ આઉટ શો હતો. મારો અવાજ સખત બેસી ગયો હતો. જે હાલત મામાની રાજકોટમાં હતી એ મારી અહીંયા હતી. એ વખતે લેપલ માઈક નહોતા. કોડલેસ માઈક હતા. આઈ.એન.ટી.એ મારે માટે કોડલેસ માઈકની વ્યવસ્થા કરી. શો સારો ગયો. મેં સુરેશને માઈકનું ભાડું પૂછ્યું. જે હોય એ મારી નાઈટમાંથી કાપી નાંખે. સુરેશ કહે. ‘યુ આર વર્કિંગ વિથ આઈ.એન.ટી.’ મનોમન હું રાજી થયો.
ઈલા દોશી અમદાવાદ રહેતાં. એમને અમદાવાદ જવાનું હોવાથી એમનું રીપ્લેસમેન્ટ કરવાનું હતું જે હેમા દિવાન કરવાના હતા. સુહાગભાઈ સાથે ડબિંગના કારણે હેમાબેન સાથે બોન્ડિંગ સારું હતું. આઈ.એન.ટી.એકદમ પ્રોફેશનલ. આગામી શોનું લિસ્ટ અગાઉથી આપી દેતા. રિહર્સલ દરમિયાન મને પણ એક કવર આપવામાં આવ્યું. શોનું લિસ્ટ સમજી મેં ખિસ્સામાં મૂકી દીધું. ઘરે જઈ મેં કવર ખોલ્યું ને હું હેબતાઈ ગયો. એ સંસ્થાના અગ્રણી રમેશ પંજાબીનો લેટર હતો મને સૂચન કરાયેલું કે ‘મારે મારા અવાજનું ધ્યાન રાખવું, બેસી ગયેલો અવાજ નાટકની લાઈફ બગાડે છે. વગરે...વગેરે...’
મને ગુસ્સો બહુ આવ્યો. એ કાગળે મને હચમચાવી નાખ્યો. સંસ્થા માટેના બધા મારા વિચારો કડડભૂસ થઈ ગયા. મેં તરત પંજાબીને કાગળ લખ્યો, ‘કે માણસ આગળથી જણાવી નથી શકતો કે કાલે હું મરી જઈશ, એવું જ અવાજનું છે. માણસ ગમે તેટલી કોશિશ કરે તો પણ થઈ જાય, આ કુદરતી છે.’ વગેરે લખી એની એક કોપી રાજડાને પણ મોકલી. આઈ.એન.ટી. સંસ્થાની જવાબદાર વ્યક્તિ તરીકે આ દોરીસંચાર એમણે જ પંજાબીને કર્યો હોવો જોઈએ.
બીજે દિવસે પંજાબીનો લેટર ભાટિયાને અને સુરેશની કોપી એને આપી સંતોષ મેળવ્યો. હેમાબેનના રિહર્સલ સાથે ફાઈનલી નાટક રિલીઝ થઈ ગયું. સારું ગયું. મારો વચ્ચે સહેજ અવાજ બગડ્યો તો સુરેશનો લેટર મારી વાઈફને મળ્યો. ‘ભાભી, તમારા પતિના અવાજનું જરા ધ્યાન રાખો. અવાજ બેસી જાય એવી ખાવાની વસ્તુથી દૂર રાખો. સારો કલાકાર છે બેઠેલો અવાજ નાટકનો શો બગાડે.’ વગેરે... એ કાગળની કોપી મારા ચાલતા નાટક ‘માણસ માત્ર..’નાં નિર્માતા ડોલર પટેલને પણ મોકલી, જેમ કદાચ મેં પંજાબી સાથે સુરેશને મોકલેલી.
આવા બધા ‘પ્રયોગો’ને કારણે મારે કૉમેડી નાટકમાં પણ ચૂપ થઈ જવું પડેલું. કેટલાક અનુભવો માણસને ચૂપ કરી દે બાકી હસવું કોને ન ગમે?
‘બે દુની...’ હવે ધીમે ધીમે મંદ પડી રહ્યું હતું. દીપકભાઈએ બુટાલાનું નવું નાટક ‘તથાસ્તુ’ લીધું હતું. કોઈ રવિવારે નવા નાટકનો ઓપનિંગનો મેળ પડતો નહોતો. માત્ર ઓપનિંગનો રવિવાર જોઈતો હતો. દીપકભાઈ કહેતા કે એક રવિવાર રિલીઝ પૂરતો મળી જાય પછી બધી તારીખો બુટાલા એડજસ્ટ કરશે અને એ હોય જ કારણ ‘બે દુની..’ મારું પહેલું કમિટમેન્ટ છે.’ મેળ બેસતો જ નહોતો..
ઉપરોકત આખી વાત ગયા સપ્તાહે રહી ગયેલી. એ પછી ‘તથાસ્તુ’ની વાત અને મારી સિરિયલની વાત મે 12 જૂનના લેખમાં કરી. ફરી પ્રિય વાચકોનો આભાર. સિરિયલની ‘રામાયણ’ પછી હવે નવી ગીલ્લી નવો દાવ...
ટીચર: ‘આ પક્ષીનાં પગ જોઇને એમનું નામ લખો.’
પપ્પુ : ‘મને નથી ખબર...’
ટીચર: ‘તું નાપાસ... તારું નામ શું છે?’
પપ્પુ: ‘મારા પગ જોઇને લખી લો.’