Fri Jun 19 2026

Logo

ક્લેપ એન્ડ કટ..!:

2026-06-19 09:57:00
Author: Siddharth Chhaya
Article Image

સિદ્ધાર્થ છાયા

‘સૉરી બાબુ’... કોના આત્માને સૉરી કહેશે?


સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુને છ વર્ષથી પણ ઉપરનો સમય થઈ ગયો છે. આ છ વર્ષમાં કોઈ અકળ કારણોસર તેનાં મૃત્યુ પાછળ કયાં કારણો જવાબદાર હતાં તેની હજી કોઈને ખબર પડી નથી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી આ મામલે શંકાના ઘેરામાંથી બહાર નીકળી ગઈ છે, પરંતુ સુશાંતનો પરિવાર, એનાં સ્વજનો અને સોશ્યલ મીડિયા હજી રિયાને નિર્દોષ નથી માનતાં. હવે આ આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છે હાલમાં જાહેર થયેલી એક ફિલ્મે. આ ફિલ્મનું નામ છે ‘સૉરી બાબુ’. 


એવું કહેવાય છે કે જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું અને તેનો દેહ કૂપર હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે રિયા તેનાં અંતિમ દર્શન કરવા ગઈ હતી. સુશાંતનો દેહ જોઈને રિયાએ ‘સૉરી બાબુ’ કહ્યું હોવાનું તે સમયે ચર્ચામાં આવ્યું હતું. હવે એ જ બે શબ્દોને પકડી લઈને એક ફિલ્મનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું છે.


‘ઇન્સ્ટાગ્રામ’ પર આ ફિલ્મની જાહેરાત કરતાં મેકર્સે દાવો કર્યો છે કે અંતે સત્ય બહાર આવશે. રસપ્રદ બાબત એ છે કે ફિલ્મને પ્રોડ્યુસ SSR ફિલ્મ્સે કરી છે. SSR સુશાંત સિંહ રાજપૂત... સમજી ગયાને? ‘સૉરી બાબુ’ને દીપક ભાગવત ડાયરેક્ટ કરવાના છે. જે રીતનું આ ફિલ્મનું પોસ્ટર છે અને ટેગલાઇન છે એના પરથી તો એવું લાગે છે કે જે વાત આપણને કાયદાના રસ્તે નથી ખબર પડી એ વાતો કદાચ અહીં કહેવામાં આવશે. હાલમાં જ ભાઈજાનને શરમમાં મૂકે એવી ફિલ્મ ‘કાલા હિરન’નું પોસ્ટર રિલીઝ થયું હતું, હવે રિયા ચક્રવર્તીનો વારો છે. ‘સૉરી બાબુ’ આવતા વર્ષે રિલીઝ થશે ત્યારે દૂધ અને પાણી નોખાં પડી જશે.


આ કાળા હરણની સવારી ભારે પડી જશે


હવે ‘કાલા હિરન’ની વાત નીકળી જ છે તો એના એક નવા વિવાદને પણ મમળાવીએ. વાત એમ છે કે ગયા અઠવાડિયે આ ‘કાલા હિરન’નું ટ્રેલર રિલીઝ થયું. ભાઈજાનને નફરત કરતા એક વર્ગને આ ટ્રેલર જોઈને જલસો પડી ગયો. જોકે આ ટ્રેલરમાં ગોવિંદ નામદેવ પણ હતા એના પર બહુ ઓછાં લોકોનું ધ્યાન ગયું,  પણ ગોવિંદભાઈએ એકદમ ધ્યાનથી આ ટ્રેલર જોયું અને કદાચ બોલી પડ્યા હશે, ઓત્તારી! આ મેં શું કરી નાખ્યું? આ બોલીને તરત ગોવિંદ નામદેવે જાહેરાત કરી દીધી કે મુજ ભોળાને તો ખબર જ ન હતી કે આ ફિલ્મ સલમાન ભાઈ ઉપર આધારિત હશે. મને તો કોઈએ કશું કીધું જ ન’તું. આથી મારે અને આ ફિલ્મને કોઈ સ્નાન એવમ્ સૂતકનો પણ સંબંધ નથી.


હવે નામદેવ સર જેવા આટલા વરિષ્ઠ કલાકાર ગમે તેટલા ભોળા હોય પણ સ્ક્રિપ્ટ જોયા વગર ફિલ્મ સ્વીકારી હોય એ તો શક્ય નથી જ. કદાચ જે રીતે ફિલ્મની આસપાસ વિવાદ છવાયો પછી એમને થયું હશે કે આ રીતે તો કદાચ ભાઈજાનનો રોષ એમના પર ત્રાટકી શકે છે. આથી, તેમણે ભોળપણનું નાટક કર્યું પણ હવે એ ભરાઈ પડ્યા છે, કારણ કે ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ ગોવિંદભાઈને કાયદાકીય નોટિસ મોકલી છે અને કહ્યું છે કે જો તે તેમના નિવેદન અંગે માફી ન માગે તો અંકે પચાસ લાખ રૂપિયા પૂરાનો માનહાનિનો કેસ સહન કરવા તૈયાર રહે. લાગે છે કે ‘કાલા હિરન’નો વિવાદ જ ફિલ્મને હિટ કરાવીને જંપશે.


દુખી મન મેરે...


અનુરાગ કશ્યપ આજકાલ દુ:ખના સમુદ્રમાં ઝોલાં લઈ રહ્યા છે. કારણ? કારણ એ છે કે એમની તાજી ફિલ્મ ‘બંદર’ બૉક્સ ઑફિસ પર બાળમરણ પામી છે. આમ થવા પાછળનું ખરુંં કારણ તો ‘બંદર’ને કૂદાકૂદ કરવા માટે પૂરતા શો જ નહોતા મળ્યા.


અનુરાગ કશ્યપે પોતાનો દુ:ખી રાગ આલાપતાં એમ જણાવ્યું છે કે તેમની સાથે કાયમ એવું જ થાય છે. તેમની ફિલ્મોને યુવાનો ખૂબ પસંદ કરે છે અને તેમની પાસે આવીને તેમની ફિલ્મોનાં વખાણ પણ કરે છે, પરંતુ જ્યારે અનુરાગ તેમને પૂછે કે એ ફિલ્મ તેમણે ક્યાં જોઈ તો એમાંથી એક પણ એમ નથી કહેતો કે કહેતી કે તેણે એ ફિલ્મ થિયેટરમાં જોઈ છે. ટૂંકમાં, અનુરાગ કશ્યપની ફિલ્મો કાં તો થિયેટરમાં ચાલતી નથી અથવા તો તેને ચલાવવા દેવામાં આવતી નથી.


અનુરાગે જૂનો સમય તાજો કરતાં કહ્યું કે જ્યારે તેમની ‘અગ્લી’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેની સાથે ‘પીકે’ પણ રિલીઝ થઈ હતી. કશ્યપ યાદ કરતાં કહે છે કે એ વખતે તેણે સિદ્ધાર્થ રૉય કપૂર, રોની સ્ક્રૂવાલા અને રાજકુમાર હિરાણીને આ બાબતે ઘટતું કરવા કહ્યું હતું. ત્યાર બાદ આ ત્રિપુટીએ એ સુનિશ્ર્ચિત કર્યું કે ‘અગ્લી’ને શરૂઆતના ત્રણ દિવસ રોજના એટલીસ્ટ ત્રણ શો તો મળે. કશ્યપ બાદમાં નિસાસો નાખીને કહે છે કે એ દિવસો તો ગયાં!


એવું લાગે છે કે મુંબઈ છોડીને દક્ષિણમાં જ રહેવાનો અનુરાગ કશ્યપનો દાવ નિષ્ફળ રહ્યો છે, કારણ કે ત્યાં તેમનું સાંભળે કોણ એટલે જ પાછા મુંબઈ પરત આવીને તેમણે બોલિવૂડની ફરિયાદો ફરીથી શરૂ કરી દીધી છે!
 

કટ એન્ડ ઓકે...

‘કલ્કિ’ની સિક્વલમાં આલિયા ભટ્ટની એન્ટ્રી થઈ છે, પરંતુ શું એ દીપિકાનું સ્થાન લેશે કે તેનો અલગથી કોઈ રોલ છે એ વિશે મેકર્સ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.