(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: NEET પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ભાડા સાથે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ખાસ ટ્રેનો મણિનગરથી બાંદ્રા ટર્મિનસ, ઓખાથી ગાંધીનગર કેપિટલ અને ભાવનગર ટર્મિનસથી ગાંધીગ્રામ વચ્ચે દોડશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ તમામ ટ્રેનોમાં સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકશે.
રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09472 મણિનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 20 જૂન, 2026ના રોજ સવારે 08:30 કલાકે ઉપડીને તે જ દિવસે સાંજે 18:15 કલાકે પહોંચશે. જ્યારે પરતીમાં ટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસથી તે જ દિવસે રાત્રે 21:15 કલાકે ઉપડી રવિવારે સવારે 06:00 કલાકે મણિનગર પહોંચશે, જે આણંદ, ભરૂચ, સુરત અને બોરીવલી જેવા સ્ટેશનો પર ઊભી રહેશે. બીજી ટ્રેન (09554) ઓખાથી શનિવારે સવારે 05:00 કલાકે ઉપડી બપોરે 15:00 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે, જે જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર થઈને દોડશે. ત્રીજી ટ્રેન (09254) ભાવનગર ટર્મિનસથી શનિવારે સવારે 11:40 કલાકે ઉપડીને સાંજે 16:10 કલાકે ગાંધીગ્રામ પહોંચશે, જે બોટાદ અને ધોળકા જેવા રૂટ પરથી પસાર થશે.આ તમામ વિશેષ ટ્રેનો માટે ટિકિટનું બુકિંગ આવતીકાલથી એટલે કે 19 જૂનથી શરૂ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પેપર લીક થયા બાદ દેશમાં ખૂબ જ હોબાળો મચેલો છે, ત્યારે હવે આ Re-NEET આગામી 21મી જૂનના રોજ યોજાવાની છે. આ પરીક્ષા પૂર્વે ગુજરાતના રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યવ્યાપી વિડિયો કોન્ફરન્સ યોજી હતી. તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાં NEET પરીક્ષાનું સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ડીજીપી મલિકે NEET સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે આઈજીપી (કાયદો અને વ્યવસ્થા) મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવા તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.