Wed Aug 26 2026

Logo

સંચિતા ઉગલેની આત્મહત્યા અંગે રવિ કિશનની પ્રતિક્રિયાઃ આત્મહત્યા સૌથી મોટું પાપ...

2026-06-18 19:40:48
Author: Mumbai Samachar Team
સંચિતા ઉગલેની આત્મહત્યા અંગે રવિ કિશનની પ્રતિક્રિયાઃ આત્મહત્યા સૌથી મોટું પાપ...

મુંબઈ: અભિનેતા અને સાંસદ રવિ કિશન હાલમાં તેમની એક ટિપ્પણીના કારણે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર મળ્યા હતા. જાણીતી અભિનેત્રી સંચિતા ઉગલેએ આત્મહત્યા કરી હતી. 22 વર્ષની નાની ઉંમરે સંચિતાની અચાનક એક્ઝિટને કારણે સમગ્ર ટીવી અને ફિલ્મ જગતમાં ચકચાર મચી ગઈ હતી. અભિનેત્રીએ આત્મહત્યા કેમ કરી હતી તેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, પરંતુ પરિવારજનો દ્વારા ચિંતા અને ડિપ્રેશન જેવા દાવા કર્યાં, જયારે મિત્રો અને સહ કલાકારોએ  જણાવ્યું હતું કે, તેના પર ઘણું દબાણ હતું. જોકે, હવે સંચિતાની આત્મહત્યા અંગે જાણીતા અભિનેતા રવિ કિશને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આત્મહત્યા કરવાનું યોગ્ય નથી, જે પાપ બરાબર છે.

ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેના નિધન પર પ્રતિક્રિયા આપતા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ રવિ કિશને કહ્યું હતું કે 'ગઈકાલે જ આપણા એક કલાકાર, જે યુવાન હતી અને ફક્ત 22 વર્ષે આત્મહત્યા કરી, જે દુઃખદ બાબત છે, તેથી મેડિટેશન જરુરી છે. આધ્યાત્મિકતા અને પ્રાર્થના મહત્વપૂર્ણ છે, તે આપણને શક્તિ આપે છે. જિંદગીમાં સુખદુખ તો આવે છે અને જાય છે, જ્યારે એવી કોઈ વ્યક્તિ નથી જે કોઈ દુખી નથી, પરંતુ જીવતા રહેવાનું જરુરી છે. આપઘાત સૌથી મોટું પાપ છે. 

અભિષેક બેનરજી અંગે પણ આપી પ્રતિક્રિયા

રવિ કિશને ED દ્વારા ટીએમસી સાંસદ અભિષેક બેનરજી અંગે પૂછપરછ માટે લાવવા પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, 'ઈડી જેવી એજન્સીઓ કારણ વગર કોઈના દરવાજે હાજર થતી નથી. બંગાળમાં છેલ્લા 15 વર્ષથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો, ત્યાં ખોટા કામકાજ થયા હતા. તેઓ રાજાઓની જેમ રહેતા હતા. અમે લોકો તેમને સંસદમાં જોતા હતા. અમારી સામે બેસતા હતા. 

તેમણે પંદર વર્ષ સુધી શાસન કર્યું અને 15 વર્ષ લૂંટફાટ, ભ્રષ્ટાચાર, સરમુખત્યારના માફક શાસન કર્યું હતું, તેથી તેમાં સામેલ તમામ લોકો જવાબદાર માનવા જોઈએ અને જુઓ આ મોદી સરકાર છે. મોદી સરકારના શાસનમાં સમજી લો હવે એ દિવસો ગયા, જ્યારે જનતાના પૈસા લૂંટીને મોજ કરતા હતા. તમારે તમારા કરેલા કામનો જવાબ આપવો પડશે અને શક્ય છે કે તેના માટે તમારે જેલ જવાની પણ નોબત આવે, તેથી એક વાત ભૂલી જજો કે ગુનો કરીશું કે દેશ લૂંટીશું તો બચી જશું. આજે નહીં તો કાલે પકડાઈ જશો. પાપ કર્યા નહીં હોય તો બચી જશો, પણ પાપ કર્યાં હશો તો કઈ રીતે બચશો. હવે સંચિતા ઉગલે અંગેના નિવેદન અંગેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.