Mon Oct 05 2026

Logo

આદિવાસી હસ્તકલાની ધૂમ: સુરતમાં 5 દિવસમાં કરી 5 લાખની કમાણી

2026-05-14 13:27:00
Author: Mayur Patel
આદિવાસી હસ્તકલાની ધૂમ: સુરતમાં 5 દિવસમાં કરી 5 લાખની કમાણી

સુરતઃ  વાઇબ્રન્ટ ગુજરાત માત્ર ઉદ્યોગો માટે જ નહીં, પરંતુ રાજ્યના મૂળભૂત સાંસ્કૃતિક વારસા અને આદિવાસી ભાઈ-બહેનોના આર્થિક ઉત્થાન માટે પણ એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. ગુજરાતના સ્થાપના દિવસના પાવન અવસરે સુરત ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’-VGRC અને ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’-VGREના માધ્યમથી રાજ્યની વિકાસયાત્રાને નવી ઊંચાઈ મળી છે. આ એક્ઝિબિશનમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલા રાજ્યના 'ટ્રાયબલ હેરિટેજ' એટલે કે પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. 

તા. ૧ થી ૫ મે, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનમાં આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના ૨૫ સ્ટોલ્સ પર પાંચ દિવસમાં રૂ. ૫.૩૧ લાખથી વધુનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેની આવક આદિવાસી હસ્તકલાકરોને કોઈપણ પ્રકારના ખર્ચ વિના સીધી પ્રાપ્ત થઈ હતી. આ સ્ટોલમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કુશળ આદિવાસી હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવેલા બાંબુ હસ્તકલા, લાકડાના આર્ટિફેક્ટ્સ, પરંપરાગત આભૂષણો, હેન્ડલૂમ વસ્ત્રો, શુદ્ધ વનૌષધિઓ અને પ્રાકૃતિક ખાદ્ય વાનગીઓ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. 

આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિભાગ દ્વારા વિવિધ આદિવાસી વિસ્તારોના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વૈવિધ્યને ઉજાગર કરવાના હેતુસર આ સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં આદિવાસી સમુદાયોની પરંપરાગત કળા, હસ્તકલા, વસ્ત્રો, વનૌષધિ, પ્રાકૃતિક ખાદ્ય વાનગીઓ, જીવનશૈલી અને સાંસ્કૃતિક પરંપરાઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહી કુલ ૩૮ આદિવાસી હસ્તકલાકારોને પણ સહભાગી થવાની તક મળી હતી. વધુમાં, આદિવાસી હસ્તકલાકારોને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુસર તેઓને ઘરેથી આવવા-જવાનો વાહનખર્ચ તેમજ પ્રદર્શનના સ્થળે રહેવા-જમવાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.