Fri Jun 19 2026

Logo

શો-શરાબા: સિનેમા વર્સસ અલ્ગોરિધમ અલ્ગોરિધમના યુગમાં શું સિનેમા આજે પણ લોકોને એકસાથે લાવી શકે છે?

2026-06-19 10:07:00
Author: Divyakant Pandya
Article Image

દિવ્યકાંત પંડ્યા

થોડાં વર્ષો પહેલાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ થતી એટલે તેના વિશે લગભગ દરેક જગ્યાએ વાત થતી. ઑફિસમાં, કૉલેજમાં, મિત્રો વચ્ચે કે પરિવારની બેઠકોમાં ચર્ચાનો વિષય ઘણીવાર એક જ ફિલ્મ હોય. ‘ટાઇટેનિક’, ‘શોલે’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘જુરાસિક પાર્ક’, ‘હમ આપકે હૈ કૌન’ જેવી ફિલ્મ્સ માત્ર હિટ નહોતી. તે એક એવો અનુભવ હતો જે લાખો લોકોએ સાથે જીવ્યો હતો. તમે ફિલ્મ જોઈ હોય કે ન જોઈ હોય, તેના ડાયલૉગ, ગીતો કે પાત્રો વિશે જાણતાં જ હો. એક રીતે જોઈએ તો સિનેમા લોકો વચ્ચેનું કૉમન કનેક્શન હતું.

આજે ચિત્ર ઘણું બદલાઈ ગયું છે. હવે દરેક વ્યક્તિના મોબાઇલમાં અલગ સોશ્યલ મીડિયા ફીડ છે, અલગ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ છે અને અલગ પ્રકારનું ક્ધટેન્ટ છે. કોઈ કોરિયન ડ્રામા જોઈ રહ્યું છે, કોઈ ક્રાઇમ ડૉક્યુમેન્ટરીમાં રસ લે છે, કોઈ ઍનિમેશન જુએ છે અને કોઈ બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મ્સ... અહીં રસપ્રદ વાત એ છે કે આ બધી પસંદગીઓ પાછળ ઘણીવાર અલ્ગોરિધમ (અલ્ગોરિધમ એટલે કોઈ કામ કઈ રીતે કરવું એની સ્પષ્ટ પદ્ધતિ) કામ કરતું હોય છે. 

આપણે શું જોઈએ છીએ, શું પસંદ કરીએ છીએ અને કઈ વસ્તુ પર વધારે સમય આપીએ છીએ તેના આધારે પ્લૅટફૉર્મ આપણને આગળનું કન્ટેન્ટ બતાવે છે. એટલે આજે બે મિત્રો એક જ શહેરમાં રહેતા હોય, એક જ ઑફિસમાં કામ કરતા હોય અને લગભગ એક જ ઉંમરના હોય છતાં તેમની જોવાની દુનિયા સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. આવા સમયમાં એક સવાલ સ્વાભાવિક રીતે ઊભો થાય છે. જ્યારે દરેક વ્યક્તિ પોતાની અલગ ડિજિટલ દુનિયામાં જીવતી હોય ત્યારે શું સિનેમા આજે પણ એવો અનુભવ સર્જી શકે છે જે લાખો લોકોને એક જ ચર્ચામાં જોડે?

પહેલી નજરે જવાબ ‘ના’ લાગે, કારણ પણ સ્પષ્ટ છે. પહેલાં વિકલ્પો ઓછા હતા. ટીવી ચૅનલો મર્યાદિત હતી, ફિલ્મ્સની સંખ્યા ઓછી હતી અને મોટા ભાગના લોકો એકસરખું ક્ધટેન્ટ જોતા હતા. આજે સ્થિતિ તેની એકદમ વિરુદ્ધ છે. દર અઠવાડિયે ડઝન ફિલ્મ્સ, વેબ સિરીઝ અને ડૉક્યુમેન્ટરીઝ આવે છે. દર્શકો પાસે પસંદગી માટે એટલા બધા વિકલ્પો છે કે કોઈ એક ફિલ્મ માટે બધાનું ધ્યાન ખેંચવું મુશ્કેલ બની ગયું છે. 

જોકે હકીકત એ પણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવી ઘણી ફિલ્મ્સ અને શો આવ્યા છે જેણે સાબિત કર્યું છે કે સિનેમા હજુ પણ લોકોને એકસાથે લાવી શકે છે. 2023માં આવેલી ‘બાર્બી’ અને ‘ઓપનહાઇમર’ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. બંને ફિલ્મ્સનો વિષય એકબીજાથી એકદમ અલગ હતો. એક રંગબેરંગી ફૅન્ટસી કૉમેડી હતી તો બીજી ગંભીર બાયોગ્રાફિકલ ડ્રામા, છતાં તેમની એક જ દિવસે થયેલી રિલીઝે દુનિયાભરમાં એક અનોખી ચર્ચા શરૂ કરી. લોકો બંને ફિલ્મ્સ એકસાથે જોવા જતા હતા, સોશ્યલ મીડિયા પર મીમ્સ બનાવી રહ્યા હતા અને થોડા સમય માટે દુનિયાભરના ફિલ્મપ્રેમીઓ એક જ ચર્ચાનો ભાગ બની ગયા.

હોલિવૂડમાં આ પહેલી ઘટના નહોતી. ‘એવેટાર’ જ્યારે રિલીઝ થઈ ત્યારે તેની ચર્ચા વર્ષો સુધી ચાલી. પછી ‘એવેટાર : ધ વે ઑફ વૉટર’એ ફરી સાબિત કર્યું કે લોકો હજુ પણ મોટા પડદા પર કંઈક વિશેષ જોવા માટે થિયેટરમાં જવા તૈયાર છે.

‘એવેન્જર્સ: એન્ડગેમ’ના સમયમાં દુનિયાભરના દર્શકો એક જ ફિલ્મના અંત વિશે ચર્ચા કરતા હતા. સોશ્યલ મીડિયા સ્પોઇલરથી ભરાઈ ગયું હતું. ઘણા લોકોએ તો સ્પોઇલરથી દૂર રહેવા માટે ઇન્ટરનેટથી પણ અંતર રાખ્યું હતું. આ બધું બતાવે છે કે યોગ્ય ફિલ્મ આવે તો તે હજુ પણ એક વૈશ્વિક ઘટના બની શકે છે.

ભારતમાં પણ સ્થિતિ અલગ નથી. ‘આરઆરઆર’, ‘પઠાણ’, ‘જવાન’, ‘પુષ્પા’ અને ‘કાંતારા’ જેવી ફિલ્મ્સે ભાષાની સીમાઓ તોડી નાખી. એક સમયે એવું માનવામાં આવતું હતું કે હિન્દી દર્શકો હિન્દી ફિલ્મ્સ જોશે, તમિલ દર્શકો તમિલ ફિલ્મ્સ જોશે અને તેલુગુ દર્શકો તેલુગુ ફિલ્મ્સ જોશે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સરહદો ઘણી નાની થઈ ગઈ છે.

‘આરઆરઆર’નું ગીત ‘નાટુ નાટુ’ ઑસ્કર જીતે છે અને દુનિયાભરના લોકો તેના પર ડાન્સ કરે છે. ‘પુષ્પા’ના ડાયલૉગ્સ અને સ્ટાઇલ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ બને છે. ‘કાંતારા’જેવી પ્રાદેશિક ફિલ્મ દેશભરમાં ચર્ચાનો વિષય બને છે. આ બધું બતાવે છે કે સારી વાર્તા અને મજબૂત પ્રેઝન્ટેશન હજુ પણ લોકોને જોડવાની શક્તિ ધરાવે છે.

આ જ વાત કોરિયન ક્ધટેન્ટ માટે પણ સાચી છે. થોડાં વર્ષો પહેલાં સુધી કોરિયન ફિલ્મ્સ અને ડ્રામા મુખ્યત્વે એશિયાના કેટલાક દેશોમાં જ લોકપ્રિય હતા, પરંતુ પછી ‘પેરાસાઇટ’આવી. એક કોરિયન ભાષાની ફિલ્મે ઑસ્કરમાં બેસ્ટ પિક્ચર જીત્યો અને દુનિયાભરમાં ચર્ચા જગાવી. ત્યાર બાદ ‘સ્ક્વડ ગેમ’ આવી અને તે કદાચ સ્ટ્રીમિંગ યુગનો સૌથી મોટો વૈશ્વિક શો બની ગયો. મજાની વાત એ છે કે જે અલ્ગોરિધમ લોકોને અલગ પ્રકારનું ક્ધટેન્ટ બતાવે છે એ જ ક્યારેક આવી ફિલ્મ્સ અને શોને લાખો લોકો સુધી પહોંચાડવામાં મદદ પણ કરે છે એટલે ટેક્નૉલૉજીએ લોકોને સંપૂર્ણપણે અલગ નથી કર્યા, તેણે જોડાવાની રીત બદલી છે.

કદાચ આજે સામૂહિક અનુભવનો અર્થ બદલાઈ ગયો છે. પહેલાં તેનો અર્થ હતો કે લગભગ બધા લોકો એક જ ફિલ્મ જુએ. આજે કદાચ તેનો અર્થ એ છે કે દુનિયાના અલગ અલગ ખૂણામાં રહેતા લોકો એક જ વાર્તા વિશે વાત કરે.

લાસ્ટ શૉટ

‘બાર્બી’ અને ‘ઓપનહાઇમર’ની રિલીઝ વખતે ‘બાર્બનહાઇમર’નામનો એક કલ્ચરલ ટ્રેન્ડ ઊભો થયો હતો!