Thu May 14 2026

Logo

કચ્છના ખેડૂતો પર પડતા પર પાટું: કમોસમી વરસાદ બાદ હવે DAP ખાતરની ભારે અછત અને ભાવવધારો

2026-05-14 11:38:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ  કચ્છના ખેડૂતો માટે વીતેલા છ મહિના જાણે મુસીબતોની વણઝાર લઈને આવ્યા છે. અગાઉ ત્રણ-ત્રણ વખત થયેલા કમોસમી માવઠાએ પાકને નુકસાન પહોંચાડ્યા બાદ હવે ખેતીના ખર્ચમાં કમરતોડ વધારો થયો છે. ડીઝલના ભાવવધારા બાદ હવે ખેતી માટે અનિવાર્ય એવા ડીએપી અને એએસપી ખાતરના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક જ માસમાં ૫૦ કિલો ડીએપી ખાતરમાં રૂા. ૭૦૦ અને એએસપીમાં રૂા. ૭૫૦નો ભાવવધારો થયો છે. જે ડીએપી અગાઉ રૂા. ૧૨૦૦માં મળતું હતું તેનો ભાવ હવે ૨૦૦૦ને પાર કરી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, જિલ્લા વિસ્તરણ અધિકારી પી.કે. પટેલે ભાવવધારા અંગે અજાણતા વ્યક્ત કરી હતી, જોકે તેમણે સ્વીકાર્યું હતું કે યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિને કારણે દેશમાં ડીએપીની અછત સર્જાઈ છે, કારણ કે દેશમાં ૮૦થી ૯૦ ટકા જથ્થો ઈમ્પોર્ટ કરવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેતી હવે સામાન્ય માણસ માટે પરવડે તેમ નથી. આગામી ૧૫ દિવસમાં જ્યારે નવા પાકની વાવણી શરૂ થશે ત્યારે ખાતરની માંગ ટોચ પર હશે. અત્યારે સ્થિતિ એવી છે કે ‘મોંઘું તો મોંઘું પણ ખાતર મળે તો સારું’. જો સરકાર તાત્કાલિક ધોરણે પૂરતો જથ્થો પૂરો નહીં પાડે તો આગામી સીઝન ખેડૂતો માટે આર્થિક રીતે જોખમી સાબિત થશે.

ખેડૂતો હાલમાં માત્ર ખાતર જ નહીં પણ અનેક મોરચે લડી રહ્યા છે. તમામ પ્રકારના બિયારણો અને જંતુનાશક દવાઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. મજૂરોની અછત અને વધતા વેતનને કારણે ખેતીનો કુલ ખર્ચ બેવડાયો છે. કમોસમી વરસાદને કારણે પાકની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા પર માઠી અસર પડી છે.

સરકારના ‘આવક બમણી’ કરવાના દાવાઓ સામે હાલમાં ખેડૂતોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ મામલે માંડવીમાં કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ કાનજીભાઈ ગાગલે ઉમેર્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)