Thu May 14 2026

Logo

ક્રુડ અને LNGની વધતી કિંમતોએ બગાડ્યું ગણિત, એપ્રિલમાં સાડા 3 વર્ષના રેકોર્ડ લેવલે જથ્થાબંધ મોંઘવારી

2026-05-14 14:37:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્રના મોરચે એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) પર આધારિત મોંઘવારી દર વધીને 8.3% ના સ્તરે પહોંચી ગયો છે. મોંઘવારી દરમાં આવેલા આ જંગી ઉછાળા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે ઇંધણ અને વીજળીની કિંમતોમાં આવેલી તેજીને માનવામાં આવી રહી છે. જથ્થાબંધ મોંઘવારી દરનો આ આંકડો અપેક્ષા કરતા ઘણો વધારે છે. આનાથી માત્ર સરકાર જ નહીં, પરંતુ સામાન્ય માણસ અને આરબીઆઈ (RBI) માટે પણ ભવિષ્યના પડકારોના સંકેતો મળી રહ્યા છે.

એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ 'ફ્યુઅલ અને પાવર' (ઇંધણ અને વીજળી) સેગમેન્ટ રહ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ અને સપ્લાય ચેઇન ખોરવાવાને કારણે સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના જથ્થાબંધ ભાવોમાં મોટો વધારો જોવા મળ્યો છે.

રિપોર્ટ અનુસાર, ફ્યુઅલ અને પાવર સેક્ટરનો મોંઘવારી દર ડબલ ડિજિટ (બે આંકડા)માં પહોંચી ગયો છે. જેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ (પરિવહન ખર્ચ) અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર પડી રહી છે.

જથ્થાબંધ મોંઘવારી દરમાં કેટલો વધારો?

એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) વધીને બમણાથી પણ વધુ થઈ ગયો છે. માર્ચ મહિનામાં WPI 3.88% પર હતો, જે હવે વધીને 8.30% ના દરે પહોંચી ગયો છે. મોંઘવારી દરમાં આ વધારો એનર્જી અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજીને કારણે થયો છે. સૌથી વધુ ઉછાળો 'ફ્યુઅલ એન્ડ પાવર' કેટેગરીમાં જોવા મળ્યો છે. આ કેટેગરીમાં મોંઘવારી દર 1.05% થી વધીને સીધો 24.71% પર પહોંચી ગયો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડની વધતી કિંમતોની અસર હવે સ્થાનિક ઉત્પાદન ખર્ચ પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન સંકટ અને અખાતી દેશોમાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના પુરવઠા (સપ્લાય) પર માઠી અસર પડી છે. આના કારણે કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવમાં ઝડપથી વધારો થયો અને તેની સીધી અસર ભારત જેવા આયાત પર નિર્ભર દેશો પર પડી છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશોમાંથી ખરીદે છે, તેથી ગ્લોબલ માર્કેટમાં થતા ફેરફારોની અસર સ્થાનિક કિંમતો પર ખૂબ જ ઝડપથી જોવા મળે છે.

ખાણીપીણીની વસ્તુઓમાં રાહત

જોકે, રાહતની વાત એ રહી છે કે ખાણીપીણીની ચીજવસ્તુઓની મોંઘવારીમાં હજુ બહુ મોટો વધારો થયો નથી. એપ્રિલમાં ફૂડ ઇન્ફ્લેશન (ખોરાકની મોંઘવારી) વધીને 2.31 ટકા રહી હતી, જ્યારે માર્ચમાં તે 1.85 ટકા હતી. ડુંગળી અને બટાકા જેવા શાકભાજીના ભાવ હજુ પણ ગયા વર્ષની સરખામણીએ નીચા રહ્યા છે. આના કારણે સામાન્ય જનતાને થોડી રાહત મળી છે.