Mon Sep 14 2026

Logo

મધ્યપ્રદેશના દેવાસમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 2 લોકોના મોત, 23 ઘાયલ;

2026-05-14 14:19:00
Author: Mumbai Samachar Team
મધ્યપ્રદેશના દેવાસમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 2 લોકોના મોત, 23 ઘાયલ;

દેવાસઃ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થવાને કારણે બે લોકોના મોત થયા છે. આ ઉપરાંત, 15થી વધુ લોકો ઘાયલ થયાની આશંકા સેવાઇ રહી છે, જેમાંથી 6ની હાલત ગંભીર છે અને તેમને ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે.

ફટાકડાની ફેક્ટરીમાં ધડાકો એટલો જોરદાર હતો કે આખા વિસ્તારમાં તેની અસર અનુભવાઇ હતી. આસપાસના મકાનોની દીવાલો પણ હલી ગઈ હતી. સ્થાનિક લોકોનો દાવો છે કે મૃત્યુઆંક વધી શકે છે. જોકે, કલેક્ટરે અત્યારે માત્ર બે મજૂરોના મોતની પુષ્ટિ કરી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફટાકડાની ફેક્ટરી દેવાસના એબી (AB) રોડ પર આવેલા ટોંકકલામાં કાર્યરત હતી, જેનો મોટો ભાગ વિસ્ફોટ પછી ધરાશાયી થઈ ગયો હતો. લોકોએ જણાવ્યું કે ધડાકા બાદ રસ્તા પર માંસના લોચા અને શરીરના ટુકડાઓ વેરવિખેર પડ્યા હતા. આ અકસ્માત પછી સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ, નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં તેમણે આગ ઓલવવાની સાથે બચાવ કામગીરી (રેસ્ક્યૂ ઓપરેશન) હાથ ધરી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને ફેક્ટરીમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

સુરક્ષા ધોરણોની અનદેખી

સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે, ફેક્ટરીમાં ખુલ્લેઆમ દારૂગોળો રાખીને ફટાકડા બનાવવાનું કામ કરવામાં આવતું હતું અને સુરક્ષાના નિયમોની સતત અવગણના કરવામાં આવી રહી હતી. ગ્રામજનોનું કહેવું છે કે, અનેકવાર ફરિયાદો કરવા છતાં જવાબદાર વિભાગોએ કોઈ નક્કર કાર્યવાહી કરી નહોતી.

લોકોમાં આક્રોશ

અકસ્માત બાદ ગામેગામ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ ફેક્ટરીના માલિક અનિલ માલવીય પર ગંભીર સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે ફેક્ટરીને રાજકીય સંરક્ષણ (આશ્રય) પ્રાપ્ત હતું. ઘટનાસ્થળે સવારે પણ મોટી સંખ્યામાં ખુલ્લામાં દારૂગોળો પડ્યો હોવાની વાત સામે આવી છે, જેના કારણે લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે.