Sat Sep 05 2026

Logo

ઈરાનના વિદેશ પ્રધાન 'મીનાબ168' વિમાનમાં ભારત પહોંચ્યા: જયશંકર સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક

2026-05-14 12:05:00
Author: Savan Zalariya
ઈરાનના વિદેશ પ્રધાન 'મીનાબ168' વિમાનમાં ભારત પહોંચ્યા: જયશંકર સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક

નવી દિલ્હી: ભારતની રાજધાની દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશ પ્રધાનોની બે દિવસીય બેઠકો યોજાવાની છે, આ બેઠકોમાં ભાગ લેવા અને ભારત સાથે અન્ય વાટાઘાટો માટે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. યુએસ અને ઇઝરાયલે ઈરાન પર હુમલો શરુ કર્યા બાદ ઈરાન તરફથી આ પહેલી ઉચ્ચ સ્તરીય રાજદ્વારી મુલાકાત છે. 

ઈરાનના વિદેશ પ્રધાન અરાઘચી મુખ્યત્વે બ્રિક્સ દેશોના વિદેશ પ્રધાનોની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે,પરંતુ તેઓ યુએસ-ઇઝરાયલ સાથે સશસ્ત્ર સંઘર્ષ અંગે ભારતન વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર એક પોસ્ટ કરીને લખ્યું, "બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠક માટે નવી દિલ્હી પહોંચવા બદલ ઈરાનના વિદેશ પ્રધાન  સૈયદ અબ્બાસ અરાઘચીનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે." 

'મીનાબ168' વિમાનનું મહત્વ:
અરાઘચીની ભારત મુલાકાતની સૌથી મહત્વની વાત એ છે કે તેઓ "મીનાબ168" નામના વિમાનમાં સવાર થઈને દિલ્હીમાં લેન્ડ થયા હતાં. નોંધનીય છે કે યુદ્ધ શરૂ થયું ત્યારે ઈરાનના મીનાબ શ્હેરની એક શાળા પર યુએસએ કરેલા મિસાઈલ હુમલામાં 168 બાળકીઓના મોત થયા હતાં.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રહેશે મુખ્ય મુદ્દો:
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે ભારતને મળતા પેટ્રોલિયમનો પુરવઠો ખોરવાઈ ગયો છે. અરાઘચી અને જયશંકર વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટોમાં આ મુદો મુખ્ય રહેશે. ભારત સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતના  વેપારી જહાજોના સલામત માર્ગ આપવા માટે દબાણ કરી શકે છે. 

ગુરુવારે અરાઘચી અને બ્રિક્સ સભ્ય દેશોના અન્ય વિદેશ પ્રધાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકત કરશે. મધ્ય પૂર્વમાં વધતી જતી કટોકટી અને વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન તેની અસર પર ચર્ચા કરવામાં આવશે.