Wed Jun 10 2026

Logo

કેન્દ્ર સરકારે સીબીઆઈ ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ ફરી એક વર્ષ માટે લંબાવ્યો

2026-05-13 22:42:13
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સીબીઆઈના ડિરેક્ટર પદ માટે બેઠક બાદ આજે સીબીઆઈ ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ ફરી એક વર્ષ માટે લંબાવ્યો છે. પ્રવીણ સૂદ 25 મે, 2023 ના રોજ બે વર્ષના કાર્યકાળ માટે સીબીઆઈ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે તેમને વર્ષ 2025માં એક વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. જ્યારે બીજી વાર કાર્યકાળ વધારાતા તે હવે વર્ષ 2027 સુધી આ પદ પર રહેશે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બેઠક યોજાઇ હતી 

આ અંગે સરકારે જણાવ્યું હતું કે,  મંગળવારે  પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પસંદગી સમિતિની બેઠક દરમિયાન તેમનો કાર્યકાળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા. પસંદગી સમિતિની ભલામણોના આધારે  કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)એ સૂદના કાર્યકાળના એક વર્ષનો વધારો મંજૂર કર્યો છે. 

પ્રવીણ સૂદ વર્ષ 1986 બેચના કર્ણાટક કેડરના આઇપીએસ અધિકારી

ઉલ્લેખનીય  છે કે, પ્રવીણ સૂદ વર્ષ 1986 બેચના કર્ણાટક કેડરના આઇપીએસ અધિકારી છે. સીબીઆઇના ડિરેક્ટરની નિમણૂક પૂર્વે  તેમણે કર્ણાટક માટે પોલીસ મહાનિર્દેશક તરીકે સેવા આપી હતી.

22 વર્ષની ઉંમરે ભારતીય પોલીસ સેવામાં જોડાયા

પ્રવીણ સૂદનો જન્મ 1964માં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં થયો હતો. તેઓ 22 વર્ષની ઉંમરે ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા. તેમણે દિલ્હીની ભારતીય ટેકનોલોજી સંસ્થા (IIT) માં સિવિલ એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.  તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM),બેંગલુરુ અને ન્યુ યોર્ક સ્થિત મેક્સવેલ સ્કૂલ ઓફ ગવર્નન્સ, સિરાક્યુઝ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક ડિગ્રીઓ મેળવી છે.

ઇન્ટર-ઓપરેટેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને મજબૂત બનાવી 

પ્રવીણ  સૂદે અનેક હાઇ-પ્રોફાઇલ કેસોની તપાસનું નિરીક્ષણ કર્યું છે. ટેકનિકલ બાબતોના જાણકાર પ્રવીણ   સૂદે કર્ણાટકમાં ન્યાયતંત્ર સાથે મળીને CCTNS (ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ) અને ICJS (ઇન્ટર-ઓપરેટેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) ને મજબૂત બનાવવા માટે પણ કામ કર્યું છે.