Thu May 14 2026

Logo

ફ્રાન્સના પ્રમુખ મેક્રોનને ઈરાનની એક્ટ્રેસ સાથે અફેર હોવાથી પત્નિએ જાહેરમાં મારેલો લાફો, એક્ટ્રેસે શું કહ્યું ?

2026-05-14 11:42:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગયા વર્ષે તેમની પત્નીએ થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. હવે આ જ ઘટના સાથે જોડાયેલી બીજી એક વાત હેડલાઇન્સમાં છે અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે આ ઘટનાની ચર્ચા તેના સંભવિત કારણને લીધે થઈ રહી છે. એક પત્રકારે દાવો કર્યો છે કે, ઈમેન્યુઅલ મેક્રોનને તેમની પત્ની બ્રિગેટ મેક્રોને એક ઈરાની અભિનેત્રીને કારણે થપ્પડ મારી હતી.

સોશિયલ મીડિયા પર એવી ઘણી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે, જેમાં મેક્રોનને થપ્પડ મારવાના કારણ પર ચર્ચા થઈ રહી છે. તો ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે એક નવા પુસ્તકમાં કરવામાં આવેલા સનસનીખેજ દાવાઓ અનુસાર, ગયા વર્ષે વિદેશ પ્રવાસ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને તેમની પત્નીએ થપ્પડ મારી હતી, કારણ કે તેમને મેક્રોનના ફોન પર એક યુવા અભિનેત્રીનો આપત્તિજનક મેસેજ મળ્યો હતો.

પત્રકાર ફ્લોરિયન ટાર્ડિફે 'આરટીએલ ફ્રાન્સ' (RTL France) સાથેના એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે, બ્રિગેટ મેક્રોને તેમના પતિને થપ્પડ મારી હોય તેવો જે વીડિયો વાયરલ થયો હતો, તે ઘટના પાછળનું કારણ ઈરાની મૂળની 42 વર્ષની અભિનેત્રી ગોલ્શિફ્તેહ ફરાહાની છે. તેના પતિએ આ અભિનેત્રીને મોકલેલો મેસેજ આ વિવાદનું મુખ્ય કારણ છે. ટાર્ડિફે આ વાત તેમનું નવું પુસ્તક પ્રકાશિત થયા બાદ કહી હતી.

'લે પેરિસિયન' ના અહેવાલ મુજબ, ફરાહાની (જે તેહરાન શાસનના કટ્ટર ટીકાકાર તરીકે જાણીતા છે) કથિત રીતે મેક્રોન સાથે ઘણા મહિનાઓથી સંબંધમાં હતા. રિપોર્ટ અનુસાર, થપ્પડ મારવાની ઘટનાના થોડા સમય પહેલા જ બ્રિગેટે તેમના પતિના ફોન પર ફરાહાનીનો એક મેસેજ વાંચ્યો હતો. આ વાયરલ ઘટના ગયા વર્ષે મે મહિનામાં બની હતી, જ્યારે આ દંપતી વિયેતનામના હનોઈમાં પોતાના વિમાનમાંથી નીચે ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું.

ઇરાની એક્ટ્રેસ અને બ્રિગેટે દાવાને ફગાવ્યો

જોકે, ફ્રાન્સના પ્રથમ મહિલા (બ્રિગેટ મેક્રોન) ના પ્રતિનિધિઓએ એ વાતનો ઇનકાર કર્યો છે કે આ થપ્પડની ઘટનાને ફરાહાની સાથે કોઈ લેવાદેવા હતી. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે તે ક્યારેય પોતાના પતિનો ફોન ચેક કરતા નથી. બ્રિગેટ મેક્રોને 5 માર્ચના રોજ લેખક સાથે સીધી વાત કરીને આ બાબતનું સ્પષ્ટ ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ ક્યારેય પણ પોતાના પતિનો મોબાઈલ ફોન જોતા નથી.

બીજી તરફ, ફરાહાનીએ પણ રાષ્ટ્રપતિ મેક્રોન સાથેના કોઈપણ પ્રકારના સંબંધોની અફવાઓનું લાંબા સમયથી ખંડન કર્યું છે, જે ગયા વર્ષથી જ ચાલી રહી છે. ગયા વર્ષે જ્યારે આ ઘટના બની હતી, ત્યારે મેક્રોનની ટીમે તરત જ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. શરૂઆતમાં તેમણે એવો દાવો કર્યો હતો કે આ વીડિયો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવ્યો હોઈ શકે છે. બાદમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે તે માત્ર એક હસી-મજાકમાં મારેલી થપ્પડ હતી.