Thu Sep 17 2026

Logo

ગૂગલ-એપલને વેશ્યાવૃત્તિ, અશ્લીલતાને પોષતી એપ તાત્કાલિક હટાવવા હાઈ કોર્ટનું ફરમાન

2026-05-14 12:14:00
Author: Mayur Patel
ગૂગલ-એપલને વેશ્યાવૃત્તિ, અશ્લીલતાને પોષતી એપ તાત્કાલિક હટાવવા હાઈ કોર્ટનું ફરમાન

નવી દિલ્હીઃ ગૂગલ-એપલને વેશ્યાવૃત્તિ, અશ્લીલતાને પોષતી એપ તાત્કાલિક હટાવવા હાઈ કોર્ટે ફરમાન કર્યું છે. દિલ્હી હાઈ કોર્ટે  કડક નિર્દેશ આપતાં કહ્યું કે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર વેશ્યાવૃત્તિ, અશ્લીલતા તથા અન્ય ગુનાહિત ગતિવિધિને પ્રોત્સાહન આપતી મોબાઈલ એપ સામે તાત્કાલિક કાર્યવાહી કરો. 

દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતી વખતે અત્યંત કડક અને ચિંતાજનક ટિપ્પણી કરી હતી. ખંડપીઠે કંપનીઓને ફટકાર લગાવતા કહ્યું હતું કે, અમે આ દેશની આખી પેઢીને બરબાદ થતા જોઈ શકીએ નહીં. કોર્ટે જણાવ્યું હતું કે  મોબાઈલ એપ્સની પહોંચ આજે ઘર-ઘર સુધી થઈ ગઈ છે. નાના બાળકો અને યુવાનો કોઈપણ રોકટોક વગર સરળતાથી આ એપ્સ સુધી પહોંચી જાય છે, જેની સીધી અને વિનાશક અસર આપણા સમાજ અને ખાસ કરીને આપણી યુવા પેઢીની માનસિકતા પર પડી રહી છે. કોર્ટે કંપનીઓને સંપૂર્ણ સાવચેતી રાખવાની સલાહ આપી હતી.

કંપનીઓની પણ છે જવાબદારી

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ગૂગલ અને એપલ તેઓ માત્ર એક હોસ્ટ અથવા પ્લેટફોર્મ છે તેવું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.  કોર્ટે જણાવ્યું હતું કે માહિતી ટેકનોલોજી નિયમો, 2021 હેઠળ આ કંપનીઓની એ વૈધાનિક અને નૈતિક જવાબદારી છે કે તેઓ તેમના પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારના ગેરકાયદેસર અને વાંધાજનક કન્ટેન્ટને ફેલાતા અટકાવે. અદાલતે આ ટેક જાયન્ટ્સને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં આવી ગેરકાયદેસર એપ્સ તેમની નજર હેઠળ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર અપલોડ જ ન થઈ શકે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર એવી અનેક એપ્સ ઉપલબ્ધ છે જે પોર્નોગ્રાફિક સામગ્રી, અનૈતિક તસ્કરી, વેશ્યાવૃત્તિ, નશીલા પદાર્થોનો દુરુપયોગ, ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને સંગઠિત ગુનાખોરીને પ્રોત્સાહન આપે છે.

અરજીકર્તાના વકીલે જણાવ્યું હતું કે આ એપ્સ આવા ગુનાહિત કાર્યો દ્વારા કરોડો ડોલરની કમાણી કરી રહી છે. કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ પણ આ અરજીને સમર્થન આપ્યું હતું. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર એકલી વિશ્વભરમાં બધું જ બ્લોક કરી શકે નહીં, તેથી આ બાબતે મધ્યસ્થીઓની ભૂમિકા અત્યંત મહત્વની બની રહે છે.

કોર્ટે ગૂગલ, એપલ અને ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને તેઓ આવી એપ્સના પ્રસારને તાત્કાલિક રોકે અને 2021 ના આઈટી (IT) નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેવો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત કોર્ટે આ કંપનીઓને આગામી સુનાવણી  સુધીમાં કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ દાખલ કરવા પણ જણાવ્યું હતું.