Mon Sep 14 2026

Logo

ક્રાઈમ કેપિટલ બનતું અમદાવાદ? પૈસા અને પ્રેમસંબંધની અદાવતમાં ગાંધીનગરના યુવકની હત્યા

2026-05-14 13:18:00
Author: Mayur Patel
ક્રાઈમ કેપિટલ બનતું અમદાવાદ? પૈસા અને પ્રેમસંબંધની અદાવતમાં ગાંધીનગરના યુવકની હત્યા

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. પ્રેમસંબંધની આશંકામાં હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શું છે મામલો

ગાંધીનગર જિલ્લાના પેથાપુરના રહેવાસી જશ્મિતસિંગની ચાંદખેડાના ઝુંડાલ નજીકથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકની પત્નીએ આ મામલે પોલીસને જણાવ્યું હતું કે, મારા પતિને પ્રેમસંબંધ અને પૈસા માટે બ્લેકમેલ કરી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. હુમલાખોરોએ યુવકની છાતી, પીઠ, હાથ અને બગલના ભાગે જીવલેણ ઘા માર્યા હતા. જેના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતકની પત્નીના આક્ષેપ મુજબ, એક મહિલા છેલ્લા પાંચ વર્ષથી તેના પતિ સાથે સંબંધમાં હતા. જે તેના પતિને પૈસા માટે બ્લેકમેલ કરતી હતી. ઉપરાંત આ મહિલા અને તેના સાથીદારો દ્વારા તેના પતિને જાનથી મારવાની ધમકીઓ આપવામાં આવતી હતી.

ઉપરાંત મૃતકની બાઈક કથિત મહિલાના ઘરની બહાર પાર્ક કરેલી મળી આવી હતી, જે આ કેસમાં મહત્ત્વનો પુરાવો માનવામાં આવે છે. પોલીસે હાલ અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જાહેર થયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે, દેશભરમાં પ્રેમ પ્રકરણને લગતી હત્યાઓમાં ગુજરાત ટોપ પર છે. વર્ષ 2024માં  ગુજરાતમાં દેશના સૌથી વધુ ગુનાઓ નોંધાયા હતા,  વર્ષ દરમિયાન 6.15 લાખથી વધુ ગુનાઓ નોંધાયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના 'ક્રાઈમ ઇન ઇન્ડિયા 2024' ના તાજેતરના અહેવાલમાં વધતા જતા શહેરી ગુનાઓ, સાયબર ફ્રોડ અને પ્રેમ પ્રકરણોને કારણે થતી હત્યાઓની આઘાતજનક વિગતો રજૂ કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ, પ્રેમ પ્રકરણને કારણે થતી હત્યાઓમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે રહ્યું હતું. વર્ષ 2024 માં રોમેન્ટિક સંબંધો, ગેરકાયદેસર સંબંધો અથવા સંબંધોના વિવાદોને કારણે કુલ 144 હત્યાના કેસો નોંધાયા હતા, જેના પરથી અંગત વિવાદો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યા હોવાનું તારણ સામે આવ્યું હતું.