Tue Jan 27 2026

Logo

White Logo

અભિષેકે 14 બૉલની હાફ સેન્ચુરી પછી કહ્યું, યુવરાજનો વર્લ્ડ રેકૉર્ડ તોડવો અશક્ય છે, પણ...

1 day ago
Author: Ajay Motiwala
Video

ગુવાહાટી: ટી-20ના વર્લ્ડ નંબર વન બૅટ્સમૅન અભિષેક શર્મા (Abhishek sharma)એ રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામે 14 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારીને સૌથી ઝડપે 50 પૂરા કરનારા ભારતીયોમાં હાર્દિક પંડ્યા (16 બૉલમાં 50 રન)ની સિદ્ધિ તો ઓળંગી લીધી, પરંતુ યુવરાજ સિંહના 12  બૉલની હાફ સેન્ચુરીના વિશ્વવિક્રમ સુધી નહોતો પહોંચી શક્યો એ વિશે અભિષેકને મૅચ પછી પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘ યુવરાજનો એ રેકોર્ડ તોડવો અશક્ય તો છે, પણ કંઈ કહી ન શકાય.'

ટી-20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં માત્ર નવ બૉલમાં હાફ સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ નેપાળના દીપેન્દ્ર સિંહ એઇરીના નામે છે. ભારતીય મૂળના ખેલાડી દીપેન્દ્રએ 2023માં મોંગોલિયા સામે 9 બોલમાં 50 રન કર્યા હતા.

જોકે દીપેન્દ્રનો એ રેકોર્ડ બે નાના દેશ વચ્ચે બન્યો હતો અને મોટા દેશો વચ્ચેનો વર્લ્ડ રેકોર્ડ યુવરાજ સિંહ (2007માં ઇંગ્લેન્ડ સામે 12 બૉલમાં 50)ના નામે છે.

 

ભારતને જીતવા માટે 154 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે અભિષેક (68 અણનમ, 20 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (57 અણનમ, 26 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) વચ્ચેની 102 રનની અતૂટ ભાગીદારીથી ભારતને ટાર્ગેટ 10 ઓવરમાં 2/155 રનના સ્કોર સાથે વિજય અપાવી દીધો હતો. ભારતે પાંચ મૅચની શ્રેણીમાં 3-0થી અજેય સરસાઈ મેળવી છે. ત્રણ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ન્યૂ ઝીલૅન્ડ સામે અભિષેકનો વિક્રમ

અભિષેક શર્માના 14 બૉલમાં 50 રન ન્યૂ ઝીલૅન્ડ સામે ફાસ્ટેસ્ટ ટી 20નો રેકોર્ડ છે.

20 કે 20 કરતાં ઓછા બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરનારાઓમાં અભિષેક હવે યુવરાજ સિંહ, ડેવિડ વૉર્નર, કોલિન મનરો અને ફિલ સોલ્ટની બરાબરીમાં આવી ગયો છે.

યુવીએ મજાક સાથે પ્રોત્સાહિત કર્યો

12 બોલમાં 50 રનનો ટી20માં વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર યુવરાજ સિંહ સોશિયલ મીડિયામાં અભિષેકની હળવી મજાક કરતા લખ્યું હતું કે ‘ તું 12 બૉલમાં 50 રન તો ન જ કરી શક્યો. બોલ, કરી શકે છે?' ખરેખર તો યુવરાજે અભિષેક માટે આવું કહીને તેને 12 બૉલમાં 50 રન બનાવીને પોતાના વિક્રમની બરાબરી કરવા માટે પ્રેરિત કર્યો હતો.

યુવરાજ સિંહે 2007ના પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડના છ બૉલમાં છ સિક્સર ફટકારી હતી. ત્યારે યુવીએ બાર બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને મોટા દેશોની રેકોર્ડ બુકમાં હજી યુવરાજનો આ વર્લ્ડ રેકોર્ડ કાયમ છે.