નાગપુર: બુધવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામે પાંચ મૅચવાળી સિરીઝની પ્રથમ ટી-20માં મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમનાર અભિષેક શર્મા (84 રન, 35 બૉલ, આઠ છગ્ગા પાંચ ચોગ્ગા)એ દિવસે ટી-20 (T20) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરલ સિદ્ધિ મેળવી હતી જેમાં તે આ ફોર્મેટમાં સૌથી ઝડપે (સૌથી ઓછા બૉલમાં) 5,000 રન પૂરા કરનાર બૅટ્સમૅન બન્યો હતો.
અભિષેકે 5,000 રન 2,898 બૉલમાં પૂરા કરીને વેસ્ટ ઇન્ડિઝના આન્દ્રે રસેલ (2,942 બૉલ)નો વિશ્વવિક્રમ (world record) તોડી નાખ્યો હતો. અભિષેકે રસેલ કરતાં 44 ઓછા બૉલમાં 5,000 રન પૂરા કર્યાં છે. બીજો કોઈ પણ બૅટ્સમૅન 160.00 કે એનાથી વધુ સ્ટ્રાઇક-રેટ સાથે 5,000 રન સુધી નથી પહોંચ્યો.

રોહિત, સૂર્યાનો રેકોર્ડ તોડ્યો અભિષેકે
અભિષેકે (Abhishek) ટી-20 મૅચમાં પચીસથી પણ ઓછા બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હોય એવું બુધવારે સાતમી વખત બન્યું હતું. તેણે છ-છ વખત પચીસથી ઓછા બૉલમાં ફિફટી પૂરા કરનાર રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ તેમ જ ઇંગ્લેન્ડના ફિલ સૉલ્ટ અને વેસ્ટ ઇન્ડિઝના એવિન લુઇસનો વિશ્વવિક્રમ તોડ્યો છે.

રિન્કુનો પણ રેકૉર્ડ
ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં જે બૅટ્સમેનોએ 19 તથા 20મી ઓવરમાં 100થી વધુ રન કર્યાં હોય એમાં રિન્કુનો 287.83નો સ્ટ્રાઇક-રેટ સર્વશ્રેષ્ઠ છે. તેણે રમેલી 19 તથા 20મી ઓવર્સમાં કુલ 74 બૉલમાં 243 રન કર્યાં છે જેમાં બાવીસ સિક્સર અને 14 ફોર સામેલ છે. તમામ 20મી ઓવરમાં તેણે 302.63ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા છે.

અર્શદીપ પણ રેકૉર્ડ બુકમાં
લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ટી-20 મૅચમાં બોલિંગની શરૂઆત કરી હોય એવી તમામ મૅચોમાં કુલ 28 વિકેટ લીધી છે જે હવે વિશ્વવિક્રમ છે. તેણે શાહીન શાહ આફ્રિદી અને જુનૈદ સિદ્દીકી (27 વિકેટ)ને પાછળ રાખી દીધા છે.