અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગેડુ લગ્નો અટકાવવા માટે લગ્ન નોંધણીના કાયદામાં વહેલી તકે સુધારો કરવા અને 'મૈત્રી કરાર' જેવા કાયદાને તાત્કાલિક રદ કરવાની માંગ સાથે યોજાયેલા આ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમની રાજકીય ચર્ચા ત્યારે જાગી જ્યારે SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની બાજુમાં અમદાવાદ મહાનગર ભાજપના કારોબારી સભ્ય ડૉ. ઋત્વિજ પટેલ બેઠેલા જોવા મળ્યા હતા.
મંચ પરથી સંબોધન કરતા લાલજીભાઈ પટેલે સરકાર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે સરકાર દ્વારા અગાઉ મીડિયામાં કરવામાં આવેલી જાહેરાતોને માત્ર જનતાને ભ્રમિત કરતી લોલીપોપ ગણાવી હતી. લાલજી પટેલે દલીલ કરી હતી કે વારંવાર મળેલી કેબિનેટ બેઠકોમાં આ મુદ્દે કોઈ સત્તાવાર ચર્ચા કે નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી દીકરીઓના ભવિષ્ય અને પરિવારના હિત માટે કાયદાકીય રક્ષણ નહીં મળે, ત્યાં સુધી SPG આ લડતને ગુજરાતના ખૂણેખૂણે મજબૂત બનાવશે.
આ આંદોલનને વધુ વેગવંતુ બનાવવા માટે SPG દ્વારા રણનીતિ પણ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલને આવેદન પત્ર આપી વિધાનસભામાં અવાજ બુલંદ કરવા વિનંતી કરવામાં આવશે. આ ઉપરાંત, આવનારા સમયમાં ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને આવેદન આપી સમગ્ર રાજ્યમાં મોટા સંમેલનો યોજવાનો નિર્ણય લેવાયો છે. લાલજી પટેલે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલી તકે કાયદામાં સુધારો નહીં થાય, તો તમામ સમાજોને સાથે રાખી ગાંધીનગર કૂચ કરવામાં આવશે અને લાખોની મેદની સાથે વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે.