અમદાવાદ: સુરતના કઠોર ગામ નજીક તાપી નદી પર નિર્માણાધીન બુલેટ ટ્રેન બ્રિજની કામગીરી દરમિયાન શનિવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બ્રિજના નિર્માણ કાર્યમાં વપરાતા લોખંડની એક વિશાળ અને ભારેખમ પ્લેટ અચાનક નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ સમયે નદીમાં નીચે માછીમારી કરી રહેલા પિતા અને પુત્ર આ પ્લેટ નીચે દબાઈ ગયા હતા, અને બંનેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતુ.
ઘટનાની વિગતો મુજબ, 35 વર્ષીય મોહસીન શેખ અને તેમનો 9 વર્ષનો પુત્ર હુમા મોહસીન શેખ નદીમાં હોડી લઈને માછીમારી કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બ્રિજ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક લોખંડની પ્લેટ પિતા-પુત્ર પર પડી હતી. પ્લેટના ભારે વજનને કારણે બંનેને બહાર નીકળવાનો સમય મળ્યો ન હતો. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
દુર્ઘટનાની જાણ થતા જ સુરતની ઉતરાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારે જહેમત બાદ નદીમાંથી બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આટલા મોટા પ્રોજેક્ટમાં સુરક્ષાના સાધનો કે સુરક્ષા જાળીનો અભાવ હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં ઘટનાસ્થળે કામગીરી અટકાવી દેવામાં આવી હોવાની માહિતી મળી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને બ્રિજની કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટરો અને જવાબદાર એન્જિનિયરો સામે તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓ પણ આ મામલે આંતરિક તપાસ કરી રહ્યા છે. બેદરકારી બદલ કાયદેસરના પગલાં લેવાની ખાતરી પોલીસ દ્વારા આપવામાં આવી છે.