મુંબઈ: સોશિયલ મીડિયા અને ગ્લેમર વર્લ્ડમાં અત્યારે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને જાણીતી આરજે મહવશના સંબંધોને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદ ચહલનું નામ અવારનવાર મહવશ સાથે જોડવામાં આવતું હતું. બંનેની નિકટતા અને અવારનવાર સાથે જોવા મળતા હોવાથી ચાહકો તેમના ડેટિંગના અનુમાન લગાવી રહ્યા હતા. જોકે, હવે આ કથિત જોડીના સંબંધોમાં ખટાશ આવી હોવાના સંકેતો મળી રહ્યા છે, જેણે ઈન્ટરનેટ પર નવી ચર્ચા છેડી દીધી છે.
તાજેતરના સૌથી મોટા અપડેટ મુજબ, યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. સોશિયલ મીડિયાના યુગમાં કોઈને અનફોલો કરવા એ સંબંધોમાં તિરાડ અથવા મિત્રતા તૂટવાનો મોટો સંકેત માનવામાં આવે છે. અત્યાર સુધી એકબીજાના સારા મિત્ર હોવાનો દાવો કરતા આ બંને સેલિબ્રિટીઝે અચાનક કેમ આ પગલું ભર્યું, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ચાહકો માની રહ્યા છે કે તેમની દોસ્તીનો હવે અંત આવ્યો છે.
વર્ષ 2025માં એક ઈન્ટરવ્યુ દરમિયાન ચહલે મહવશ સાથેના સંબંધો પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, "જ્યારે તમે કોઈની સાથે પહેલીવાર દેખાઓ છો ત્યારે લોકો સંબંધોની અટકળો લગાવવા લાગે છે." ચહલે એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું હતું કે તેના મુશ્કેલ સમયમાં સાથ આપનારી મહવશને લોકો 'ઘર તોડનારી' કહીને ટ્રોલ કરી રહ્યા છે. ચહલે હંમેશા મહવશની પ્રશંસા કરી હતી અને તેમને માત્ર એક સારી મિત્ર ગણાવી હતી.
બીજી તરફ, સોશિયલ મીડિયા ટ્રોલ્સે આરજે મહવશ પર એવા પણ આક્ષેપો કર્યા હતા કે તેણે પોતાના કરિયરને ઉપર લાવવા માટે ચહલની લોકપ્રિયતાનો ઉપયોગ કર્યો છે. જોકે, મહવશે આ ટીકાઓનો જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે ચહલ એક સારું વ્યક્તિત્વ ધરાવે છે અને તે તેને ક્રિકેટમાં વધુ સફળ થતા જોવા માંગે છે. આ તમામ વિવાદો અને એકબીજા પ્રત્યેના સન્માન છતાં, હવે બંને વચ્ચે આવેલી આ દૂરીએ અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ માત્ર નાની નારાજગી છે કે કાયમી વિખવાદ, તે તો આવનારો સમય જ બતાવશે.